________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત રાષ્ટ્રકૂટને સમતા બંધાવતા હતા. પરંતુ રાષ્ટ્રકૂટનું મન નબળું પડી ગયું હતું. તેઓ ક્યારેક ભવદેવને યાદ કરીને રુદન કરતા તો ક્યારેક રેવતીને યાદ કરીને રુદન કરતા. નાગિલા અપ્રમત્તભાવે રાષ્ટ્રકુટની સેવા કરતી રહી.
પરંતુ એક દિવસ રાષ્ટ્રકટે પણ અંતિમ શ્વાસોચ્છુવાસ લઈ લીધા. તેમનું મૃત્યુ થયું. સમગ્ર સંગ્રામે શોક પાળ્યો. નાગિલાએ ઉદારતાથી દાન-પુણ્ય કર્યા.
૦ ૦ ૦. વાસુકી અને નાગદ નાગિલાને પોતાના ઘરે લઈ જવા ઘણી સમજાવી, પરંતુ નાગિલા ન માની. તેણે માતા-પિતાને કહ્યું :
“જ્યાં સુધી હું સંસારમાં છું ત્યાં સુધી આ ઘરમાં જ રહીશ. આ ઘરની ઘણી બધી સ્મૃતિઓના સથવારે મને જીવવાનું બળ મળશે. અવારનવાર તમારા ઘરે આવતી-જતી રહીશ. તમે પણ અહીં આવતાં જતાં રહેશો. વળી, આ ઘરમાં મને કોઈ ભયે નથી. પાડોશી ભલા છે, સુશીલ છે. બધાની આ ઘર પ્રત્યે લાગણી છે, સહાનુભૂતિ છે. અને હવે તો મારે મારા જીવને ધર્મધ્યાનમાં જ જોડવાનો છે. હવેથી સંસારના વ્યવહારો મારા માટે બંધ છે.' | વાસુકી-નાગદત્તની આંખો ભીની થઈ ગઈ. તેઓ વિશેષ આગ્રહ ન કરી શક્યાં. પુત્રીને ખૂબ વાત્સલ્ય આપીને તેઓ પોતાના ઘરે ગયાં. વિશાળ ઘરમાં હવે એકલી નાગિલા રહી.
મનુષ્ય સુખદ યા દુ:ખદ ભૂતકાળની સ્મૃતિઓથી બચી શકતો નથી. સ્વાભાવિક રીતે મનુષ્યને નિવૃત્તિના સમયે એ સ્મૃતિઓ આવતી હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક પ્રવૃતિના સમયે પણ એ સ્મૃતિઓમાં ડૂબી જતો હોય છે. જ્ઞાની પુરુષ, જ્ઞાન-ધ્યાનના બળે મનને એ સ્મૃતિઓથી બચાવતો હોય છે. છતાં જ્ઞાન-ધ્યાન સિવાયના સમયમાં એ પણ સ્મૃતિઓના વંટોળમાં અટવાઈ જતો હોય છે.
ભલે નાગિલાનો ભવદેવ સાથેનો સહવાસ થોડા કલાકોનો રહ્યો હતો, પરંતુ એ થોડા કલાકોના સહવાસે નાગિલા પર ઘેરી અસર કરી હતી. વીતેલાં વર્ષોમાં તેણે અનેકવાર એ સહવાસને મનમાં વાગોળ્યો હતો. ભવદેવને અહર્નિશ સ્નેહથી યાદ કર્યો હતો. ભવદવ ઉપરનો તેનો અનુરાગ અખંડ રહ્યો હતો. એના મનમાં પાકી ખાતરી હતી કે ભવદેવે એનો ત્યાગ દ્વેષથી કે વૈરાગ્યથી નથી જ કર્યો. કોઈ અસાધારણ કારણથી તેને ત્યાગ કરવો પડ્યો છે. કોઈ વિષમ પરિસ્થિતિએ એને ત્યાગ કરવા માટે વિવશ કર્યો છે.
આ સમજણના લીધે એના મનમાં ભવદેવ પ્રત્યે ક્યારેય અરુચિ કે અભાવ જાગ્યો ન હતો. દોષદર્શન થયું જ ન હતું, પછી પ્રેમ નંદવાય જ કેવી રીતે?
For Private And Personal Use Only