________________
બાર પ્રકારની હિંસાઓ
સારા પ્રસંગે વસ્ત્રો પહેરીને કાનમાં અત્તરનાં પૂમડાં નાખતી વખતે કે કપડાં પર પરફ્યુમ છાંટતી વખતે સામાન્ય માણસને તો ખ્યાલ જ ક્યાંથી હોય કે આમાંનાં કેટલાંય અત્તર-પરફ્યુમ બનાવવા પાછળ નિર્દોષ પ્રાણીઓની રિબામણી થાય છે. સ્પર્મ વ્હેલ આમ તો કુદરતે સર્જેલું બુદ્ધિમાન અને અતિ સંવેદનશીલ જળચર પ્રાણી છે. કમનસીબે કુદરતે આ ગુણોની સાથે વ્હેલના આંતરડામાં અંબરગ્રીસ નામનો મીણ જેવો ભૂરો પદાર્થ મૂકી આ પ્રાણીની સમસ્ત જાત માટે આફત સર્જી છે. અંબરગ્રીસ એટલો સુગંધિત પદાર્થ છે કે તેની સુવાસ સેંકડો ફૂટ દૂર સુધી પ્રસરે છે. બસ, વ્હેલના એ ગુણને લીધે દુર્ગુણી લોકો તેની પાછળ હાથ ધોઈને પડયા છે. માછલી પકડવાની સામાન્ય જાળમાં તો મહાકાય સ્પર્મ વ્હેલ પકડાય નહીં એટલે તેના પર ‘હારપુન' નામે ઓળખાતા બાણ જેવા તીક્ષ્ણ હથિયારનો મારો ચલાવાય છે. હારપુનને છેડે રાખેલો સ્ફોટક પદાર્થ ફાટવાથી વ્હેલના કૂરચેફૂરચા ઊડી જતાં લોહી નીંગળતી હાલતમાં તેને દરિયામાં દૂર દૂર ઘસડી જવાય છે. તરફડિયાં મારવાનું બંધ કરે પછી જ તેને કિનારે લઈ જઈ તેનાં આંતરડા ખેંચી કાઢી તેમાંથી અંબરગ્રીસ મેળવીને શિકારીઓ જંપે છે. અંબરગ્રીસના તોલાએ ૨૫૦૦ ડૉલર ઊપજતા હોવાથી ધંધાદારી “હન્ટરો” કાયદાનો ભંગ કરીને વ્હેલની કલેઆમ કરતાં પણ અચકાતા નથી. દર દસ મિનિટે સ્પર્મ વ્હેલનાં આંતરડા ખેંચી કાઢી અંબરગ્રીસ મેળવવાનો ક્રમ વાઈલ્ડ લાઈફ ફંડ' સંસ્થા કે વ્હેલપ્રેમી યુરોપિયન પ્રજા સુદ્ધાં અટકાવી શકી નથી.
બિલાડી જાતિના સિવેટ પ્રાણીની જનનેન્દ્રિય પરથી સુગંધી દ્રવ્ય મળે છે. એટલે તેની હાલત તો હેલ કરતાં પણ વધુ ખરાબ છે. આ સુવાસ જેટલી માદક છે તેમ એ સુગંધી દ્રવ્ય મેળવવાની પદ્ધતિ પમ જુગુપ્સાપ્રેરક છે. સિવેટ ઉત્તેજિત થાય ત્યારે જ આ દ્રવ્ય ઝરતું હોવાથી તેની જનનેન્દ્રિય પાસે કોથળી બાંધી કામવાસના જાગ્રત કરવા અનેક ઉપાયો અજમાવાય છે. હવે તો આ ભાગ પર જ હોર્મોન્સનાં ઈજેક્શન આપી શક્ય એટલું વધુ સુગંધી દ્રવ્ય મેળવવાના પ્રયત્ન થાય છે. આ રીતે પરાણે વારંવાર ઉત્તેજિત કરવાથી માનસિક અને શારીરિક સમતુલા ખોરવાઈ જતાં અકાળે અનેક સિવેટ અવસાન પામે છે.
અમેરિકાનાં જંગલી રીંછ કોસ્ટોરિયમ નામનો સુગંધી પદાર્થ પેદા કરે છે એટલે છેલ કે સિવેટની માફક તેની ય બૂરી વલે થાય છે. ભારતમાં આવો જ ત્રાસ કસ્તૂરી મૃગને અપાય છે. - કસ્તુરી મૃગની ‘પોડ' નામે ઓળખાતી ગ્રંથિમાંથી સુગંધી દ્રવ્ય “મસ્ક' (કસ્તૂરી) મળી આવે છે. હરણની નાભિ પાસે આવેલી આ ગ્રંથિ બહાર કાઢવા માટે આખા