________________
બાર પ્રકારની હિંસાઓ
૧૮૩
ધર્મ (ક્રિયાત્મક) હિંસા
(૧૧)
ધર્મના પ્રકાર છે; ક્રિયાત્મક-વ્યવહાર-ધર્મ અને ગુણાત્મક – નિશ્ચયાત્મકધર્મ આ બે ધર્મોની હિંસા તે અનુક્રમે અગીઆરમી ધર્મહિંસા અને બારમી શાસનહિંસા છે. આ બન્ને હિંસા ઉત્તરોત્તર વધુ ભયાવહ છે, વધુ કાતીલ છે.
જૈનધર્મની દૃષ્ટિએ જોઈએ તો સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, યાત્રા, વગેરે ક્રિયાત્મક ધર્મો છે. આ એવા ક્રિયાત્મક ધર્મો છે કે જે અન્ય કોઈ ધર્મોમાં નથી. દરેક ધર્મ પાસે આવા પોતાના જ ક્રિયાત્મક ધર્મો હોય છે. જે ધર્મો બીજા ધર્મોમાં નથી, તેને આજે સંપ્રદાય કહેવામાં આવે છે.
આપણે અહીં જૈનધર્મની દૃષ્ટિએ વિચાર કરીએ. તેના કેટલાક ક્રિયાત્મક ધર્મો ત્યાગમય છે અથવા કષ્ટસ્વરૂપ છે; ત્યાગ અને કષ્ટ વિના ધર્મ નથી તેવું તેનું સામાન્યતઃ માનવું છે.
આ બધી ધર્મારાધનાઓ જયણા (ઓછામાં ઓછો દોષ સેવવા તરફનું લક્ષ) અને વિધિ (શાસ્ત્રોક્ત)થી સંપન્ન હોવા જોઈએ. જો તે બે નીકળી જાય તો બેશક લોકોમાં ધર્મક્રિયાઓ પુષ્કળ વધી જાય પરંતુ એવી જયણા વિનાની અને અવિધિઓથી ભરપૂર ધર્મક્રિયા પોતાની તાકાત મહદંશે ગુમાવી બેસે. એ ફુગાવો બનીને પ્રસરી જાય પણ એનો પ્રાણ મોટા ભાગે હણાઈ જાય.જો ધર્મ પોતાની ઊંડાઈ ગુમાવી બેસે તો તેની વધી ગયેલી લંબાઈ-પહોળાઈનું ઝાઝું મૂલ્ય રહે નહિ, તે ધર્મ છીછરો લાગે. આથી જ ધર્મગુરુઓ ધર્મારાધકો પાસે બે વાત કરે છે, ધર્મક્રિયાઓ ખૂબ કરો; પણ તેનું પ્રાણતત્ત્વ જીવંત રાખીને કરો.
સામાન્યતઃ જે બાળકક્ષાના જીવો છે તેઓને તો શરૂમાં ક્રિયાત્મક ધર્મો તરફ જ વાળવા પડે. ધર્મના ગહન સ્વરૂપ સુધી પહોંચવા જેટલી એમનામાં બુદ્ધિ નથી. આવા બાળજીવો જ વર્તમાનકાળમાં સવિશેષ છે. એટલે ધર્મોપદેશકોની દેશનામાં ક્રિયાત્મક ધર્મ તરફનો ઢળાવ વિશેષ હોય તે સહજ છે.