________________
૧૨
બાર પ્રકારની હિંસાઓ
માર્ગે વળ્યા હતા; કેમકે સસરા-પક્ષે પોતાનો ત્યાં અતિથિ બનનારા અજૈન ક્ષત્રિયરાજાઓને માંસ-ભોજન કરાવવા માટે જે પશુઓને પકડયાં હતાં, તેમનો ચિત્કાર સાંભળી તેઓ દ્રવિત બની ગયા હતા.
પરમાત્મા શાન્તિનાથે રાજા તરીકેના ગૃહસ્થ-જીવનમાં શરણે આવેલા પારેવાના બદલામાં પોતાનું તમામ માંસ પારધિને આપી દેવાની તૈયારી કરી દીધી હતી ! પરમાત્મા મહાવીરદેવે ગરીબ બ્રાહ્મણની આજીજી સામે કરુણાર્દ્ર બનીને પોતાનું વસ્ત્ર આપી દીધું હતું.
અત્યન્ત માંસપ્રિય ગૂર્જરેશ્વર કુમારપાળ અને બાદશાહ અકબર જ્યારે જીવદયાના પ્રેમી બન્યા ત્યારે તેમણે પ્રાણિરક્ષાના વિષયમાં જબરો ઇતિહાસસર્જી નાંખ્યો હતો ! મહાભારતના ભીષ્મ તેમના યૌવનકાળમાં પોતાની હકૂમતના પ્રદેશમાં એક પાંદડું પણ કોઈને તોડવા દેતા નહિ. પશુહિંસાની તો વાત જ ન હતી.
એક તેતરની રક્ષા ખાતરના ધીંગાણામાં ચોસઠ માણસોનું આખું કુટુંબ હોમાઈ ગયાનો ઈતિહાસ આ ભારતવર્ષમાં જ સર્જાઈ શકે !
વનસ્પતિમાં જીવતત્ત્વની કલ્પના થતાં, કુહાડી મારતાં ધ્રૂજી ઊઠે તેવો રામતીર્થ આ ભારતવર્ષમાં જ પેદા થઈ શકે!
રસૂલ નામનો મુસ્લિમ છોકરો આ ભારતમાં જ પેદા થઈ શકે જે પિતાની આજ્ઞાથી પહેલી વાર બકરી ઈદના દિવસે બકરીને હલાલ કરતા ધ્રૂજી ઊઠયો અને તે બાબત ઉપર પિતાનું ઘર તો ત્યાગ્યું પણ ઈસ્લામ-ધર્મનોય ત્યાગ કરી દીધો !
જેમણે જીવનમાં ‘અહિંસા’ને પ્રતિષ્ઠિત ક૨ી તે તમામ તારક તીર્થંકરદેવોના સમવસરણમાં જાતિવૈરવાળા ઉંદર-બિલાડી, સાપ-નોળીયો વગેરે જીવો મૈત્રીપૂર્ણભાવથી સાથે બેસતા; ગેલ કરતા. આની આછી છાંટ રમણ મહર્ષિમાં, બળદેવ-મુનિમાં પણ જોવા મળતી હતી.
ઉદેપુરના મંત્રીએ રાજાના પાળેલા હિંસક સિંહને અહિંસક બનાવી દઈને રોજ દૂધપાક-પૂરી વગેરે જમતો કરી દીધો હતો! અમેરિકાના પ્રેસીડન્ટ લિંકન કાદવમાં ખૂંપી ગયેલા ડુક્કરના દુઃખે જાતે દુ:ખમય બની ગયા હતા ! સન્ત ફ્રાન્સીસે વિકરાળ વરુને ભેટી પડીને શાન્ત પાડી દીધું હતું ! રશિયાના ચેખોવ, બીજાને પડતો માર જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા ! પરદેશોમાં આવા કિસ્સાઓ બન્યા તે તો ખરેખર વિરલ વાતો કહેવાય.