________________
૨૮ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સ. ૭
(ચિન્હ) કહે છે. આનાથી પક્ષધર્મતા દર્શાવીને અસિદ્ધતાનું નિવારણ કરે છે. ‘‘તદ્વિષયા’’ એટલે તન્નિબંધના-તેનાથી બંધાયેલી જે સાધારણ અવધારણાપ્રધાન વૃત્તિ (નિશ્ચયાત્મક જ્ઞાન પેદા કરતી વૃત્તિ), એને અનુમાન કહે છે. અહીં વપરાયેલો વિષય શબ્દ “ષિ” બંધને ધાતુમાંથી નિષ્પન્ન થયેલો હોવાથી બંધન સૂચવે છે. “સાધારણ અવધારણાપ્રધાન” શબ્દોથી પ્રત્યક્ષથી ભેદ દર્શાવે છે. ટૂંકમાં, સંબંધ જ્ઞાનના આધારે ઉત્પન્ન થતું જ્ઞાન અનુમાન છે. વિશેષ(વ્યક્તિ)માં સંબંધનું ગ્રહણ હોઈ શકે નહીં. સામાન્ય(જાતિ)માં સંબંધનું ગ્રહણ સરળતાથી થાય છે, એમ સ્પષ્ટતા કરે છે. “યથા”... વગેરેથી ઉદાહરણ આપે છે. “વિન્ધ્યશ્ચ'માં પ્રયોજેલો “ચ” હેતુ દર્શાવે છે. કારણ કે વિન્ધ્ય ગતિરહિત છે, તેથી તેને દેશાન્તરાપ્તિ થતી નથી. આમ ગતિ નિવૃત્ત થતાં દેશાન્તરપ્રાપ્તિ પણ નિવૃત્ત થાય છે. દેશાન્તર પ્રાપ્ત કરતા ચંદ્ર અને તારાઓ ચૈત્રની જેમ ગતિવાળા છે, એમ સિદ્ધ થયું.
“આપ્ટેન”... વગેરેથી આગમવૃત્તિનું લક્ષણ કહે છે. આપ્તિ એટલે તત્ત્વનું જ્ઞાન કરુણા, અને ઇન્દ્રિયોની પટુતા (દોષરહિતતા) સાથે સંબંધ. એ આપ્તિ (સંબંધ)વાળો પુરુષ આપ્ત કહેવાય. એણે પદાર્થને જોયો છે અથવા અનુમાનથી જાણ્યો છે. અહીં સાંભળેલો એવું કહ્યું નથી, કારણ કે એનું મૂળ જોવું અથવા અનુમાન કરવું એ છે, અને એ બેમાં એનો સમાવેશ થઈ જાય છે. આપ્ત (શ્રદ્ધેય) પુરુષના જ્ઞાન જેવા જ્ઞાનને સાંભળનારમાં ઉત્પન્ન કરવા માટે, એટલે કે પોતાના બોધનું અન્યમાં સંક્રમણ કરવા માટે પદાર્થ વિષે ઉપદેશ કરવામાં આવે છે. ઉપદેશ શ્રોતાના હિત માટે અને એના અહિતના નિવારણ માટેના ઉપાય તરીકે કરવામાં આવે છે. બાકીનું સરળ છે.
જે આગમનો કહેનાર અશ્રદ્ધેય પદાર્થ કહેતો હોય, દાખલા તરીકે જે દસ દાડમ છે, એ છ માલપૂઆ થઈ જશે (એ આપ્ત નથી). વળી, જે જોયો કે અનુમાનથી પણ નજાણ્યો હોય એવા અર્થનો વક્તા, દાખલા તરીકે સ્વર્ગની ઇચ્છાવાળાએ ચૈત્ય (હદ દર્શાવતા પત્થર કે મંદિર)ને પ્રણામ કરવા, એ પણ આપ્ત નથી. આવા આગમો વ્યર્થ હોય છે. પણ જો આમ હોય તો મનુ વગેરેનો આગમ પણ નિષ્ફળ ગણાશે. કારણ કે એમણે પ્રબોધેલો અર્થ સ્વયં જોયો કે અનુમાનથી જાણ્યો નથી, (પણ શ્રુતિથી સાંભળ્યો છે). જેમકે કહ્યું છે : “જે કોઈ પદાર્થનો ધર્મ મનુએ કહ્યો છે, એ બધો વેદમાં કહેલો છે. તેથી એ સર્વજ્ઞાનમય છે'. આ આશંકા નિવારવા માટે “મૂલ વક્તરિ તુ દૃષ્ટાનુમિતાર્થે નિર્વિપ્લવઃ સ્યાત્” - મૂળ વક્તાએ એને જોયો કે અનુમાનથી જાણ્યો હોય એ સફળ થાય છે - એમ કહે છે. વેદનો મૂળ વક્તા ઈશ્વર છે, જેણે પદાર્થો જોયા છે, તેમજ અનુમાનથી જાણ્યા છે, એવો અર્થ છે. ૭
–