________________
પા. ૧ સૂ. ૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[ ૨૭
સામાન્ય-વિશેષવાળો નહીં પણ તદ્રુપ છે, એમ જણાવે છે. આ વાતનું આગળ
એકાન્તાનભુપગમાતુ, ૩.૧૩ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવશે. “વિશેષાવધારણ પ્રધાના વૃત્તિઃ” - વિશેષ (વૈયક્તિક) લક્ષણનો નિશ્ચય મુખ્ય હોય એવી વૃત્તિ-એમ કહીને અનુમાન અને આગમના વિષયભૂત પદાર્થોથી પ્રત્યક્ષના વિષયનો ભેદ દર્શાવે છે. પ્રત્યક્ષમાં સામાન્ય (જાતિ)નો ગુણ દેખાય છે ખરો, પણ એ વૈયક્તિક વિશેષની અપેક્ષાએ ગૌણ ભાસે છે. આનાથી સાક્ષાત્કારનું સ્વરૂપ સૂચવાય છે. અને વિવેકખ્યાતિથી થતા જ્ઞાનનું સ્વરૂપ પણ સૂચવાય છે. “ફલ પૌરુષેયશ્ચિત્તવૃત્તિબોધઃ”-. પુરુષને ચિત્તવૃત્તિનો બોધ થવો પ્રત્યક્ષનું ફળ છે – એમ કહીને પ્રત્યક્ષના ફળ વિષેના વિવાદનું નિરાકરણ કરે છે.
- ચિત્તમાં રહેલી વૃત્તિનું ફળ પુરુષમાં થતો બોધ કેવી રીતે હોઈ શકે ? ખેરમાં થતો કુહાડીનો વ્યાપાર ખાખરાને કેવી રીતે કાપી શકે ? આ શંકાના નિવારણ માટે “અવિશિષ્ટ પૌરુષેયઃ ચિત્તવૃત્તિબોધઃ”થી કહે છે કે પુરુષથી જુદી ન પાડી શકાય એવી બુદ્ધિવૃત્તિથી બોધ થાય છે. વિષયાકારે પરિણમેલી બુદ્ધિની વૃત્તિ પુરુષમાં બોધ ઉત્પન્ન કરતી નથી, પણ બુદ્ધિરૂપી દર્પણમાં પ્રતિબિંબિત થતું ચૈતન્ય પદાર્થના આકારવાળું બને, એને પુરુષને થતો બોધ કહે છે, એ પ્રત્યક્ષનું ફળ છે. બુદ્ધિમાં પ્રતિબિંબિત થતું પરિણામ પણ બુદ્ધિસાથે એકરૂપ છે. આ બંને સમાન અધિકરણ (એક સ્થાનોમાં રહે છે, તેથી પ્રત્યક્ષનું આવું ફળ થાય એ યોગ્ય છે. આ વાત આગળ “બુદ્ધઃ પ્રતિસંવેદી પુરુષ” (૨.૧૭. ભાષ્ય)માં કહેવામાં આવશે, એમ કહે છે.
પ્રત્યક્ષ પછી અનુમાન વિષે ચર્ચા કરે છે, કારણ કે (અગ્નિ અને ધુમાડાની જેમ) બે વસ્તુઓ સાથે રહેતી હોવાનાં ચિહ્નો વગેરે જોઈને કરવામાં આવેલા અનુમાન વિષે સાંભળનાર કાર્યમાં પ્રવૃત્ત થાય છે, અને અનુમાન જ્ઞાનપર આગમ આધારિત છે, એટલે કે અનુમાનથી થયેલા નિશ્ચયાત્મક જ્ઞાનનું આગમવડે શબ્દથી નિરૂપણ કરવામાં આવતું હોવાથી ભાષ્યકાર “અનુમેયસ્ય...” વગેરેથી આગમ પહેલાં અનુમાનનું લક્ષણ કહે છે.
જે ધર્મ જાણવાની ઇચ્છા હોય, એનાથી વિશિષ્ટ (યુક્ત) ધર્મી અનુમેય (અનુમાનનો વિષય) છે. એના જેવા ધર્મવાળા પદાર્થો એની જાતિના, સમાન લક્ષણવાળા કે સપક્ષ કહેવાય. એ બધામાં અનુવર્તમાન (રહેતો) સંબંધ, એમ કહીને સાધન ધર્મનું વિરોધીપણું અને અસાધારણપણું દૂર કર્યું. ભિન્ન જાતિના અસપક્ષ (સપક્ષથી જુદા) કે વિરોધી પદાર્થોમાં એ ધર્મની વ્યાવૃત્તિ (અભાવ) એટલે કે તેઓમાં ઉપર કહેલો સંબંધ હોતો નથી, એમ કહીને સાધારણપણું અને અનૈકાન્તિકપણું દૂર કર્યું. જેના વડે બે પદાર્થો સંબંધિત થાય, એને સંબંધ કે લિંગ