________________
૪૫૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ.૨૪
કુત”થી ચિત્તથી ભિન્ન આત્માના અસ્તિત્વમાં બીજો હેતુ રજૂ કરે છે. અસંખ્ય વાસનાઓથી વિચિત્ર જણાતું ચિત્ત અન્ય સાથે મળીને કાર્ય કરતું હોવાથી અન્યને અર્થે છે.
જો કે અસંખ્ય કર્મવાસનાઓ અને ક્લેશવાસનાઓ ચિત્તમાં રહે છે, પુરુષમાં નહીં. વાસનાને આધીન કર્મવિપાકો પણ ચિત્તના આશ્રયે રહેતા હોવાથી ભોક્તાપણું પણ ચિત્તમાં રહે છે. બધા ભોગ્ય પદાર્થો ભોક્તામાટે હોય છે. તેથી બધું ચિત્ત માટે છે એવો પ્રસંગ પ્રાપ્ત થયો. છતાં અસંખ્ય વાસનાઓને લીધે વિચિત્ર જણાતું ચિત્ત બીજા માટે છે. કેમ? કારણ કે ચિત્ત સંયુક્ત રીતે કાર્ય કરે છે, એવો સૂત્રનો અર્થ છે. ભાગકાર “તદેતચ્ચિત્તમ્”. વગેરેથી આ વાત સમજાવે છે.
ભલે. પણ ચિત્ત સંયુક્ત રીતે કાર્ય કરશે અને પોતાને માટે કરશે તો એમાં વિરોધ ક્યાં છે? એમ જો કોઈ કહે તો એના પ્રત્યે “સંહત્યકારિણા”. વગેરેથી કહે છે કે સંઘાતરૂપે કાર્ય કરનાર પોતાના અર્થે ન હોઈ શકે. સુખચિત્તથી ભોગ લક્ષિત કરે છે, એનાથી દુઃખચિત્ત પણ ગ્રહણ કરવું જોઈએ. જ્ઞાનશબ્દથી મોક્ષ કહ્યો. આશય એ છે કે અનુકૂળ અને પ્રતિકૂળરૂપવાળાં સુખદુઃખ ચિત્તમાં ઉત્પન્ન થાય છે, માટે ચિત્તના પોતાના માટે ન હોઈ શકે. કારણ કે પોતાનામાં વૃત્તિવિરોધનો દોષ આવે છે. વળી બીજો કોઈ સંયુક્તપણે કાર્ય કરનાર સાક્ષાત્ કે પરંપરાથી સુખદુખ ઉત્પન્ન કરતો હોય તો એનાવડે સ્વયં અનુકૂલનીય કે પ્રતિકૂલનીય ન હોઈ શકે. તેથી જે સાક્ષાત્ કે પરંપરાથી સુખદુઃખમાં સંડોવાતો નથી, એ જ એ બે વડે અનુકૂળ કે પ્રતિકૂળ સંવેદન અનુભવી શકે. એ નિત્ય, ઉદાસીન પુરુષ આવા જ્ઞાનથી મોક્ષભાગી બને છે, અને એ પર આત્મા છે. કારણ કે આવું જ્ઞાન પણ જોયતંત્ર હોવાથી અને પોતાની અંદર વૃત્તિવિરોધ થવાથી, જ્ઞાન પોતાના માટે નથી. જ્ઞાન બહારના વિષયવાળું હોવાથી, એના મોક્ષનો સંભવ નથી. વિદેહ અને પ્રકૃતિલયોનો મોક્ષ આ કારણે સંભવતો નથી. તેથી જ્ઞાન પણ પુરુષ માટે છે, સ્વાર્થ માટે નથી. તેમજ પરમાત્ર (મન) માટે પણ નથી. અર્થાતુ સંયુક્તપણે કાર્ય કરતું મન પોતાના જેવા બીજા સંયુક્તપણે કાર્ય કરનાર માટે પણ નથી. જો એવું હોય તો અનવસ્થાદોષ આવે આમ સંયુક્તપણે કાર્ય ન કરનારા અન્ય પરનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. ૨૪