________________
૪૨૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૧૦
ભલે. પૂર્વ અને પૂર્વતર (પહેલાંના અને એની પણ પહેલાંના) જન્મોના સંસ્કારોથી ઉત્પન્ન થયેલી વાસનાઓ વ્યક્ત થાય, જો પૂર્વ અને પૂર્વતર જન્મોના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ હોય. પણ એ જ તો નથી. તરત જન્મેલા બાળકમાં હર્ષશોક જણાય એ જ પ્રમાણ ગણાય નહીં. એ કમળના સંકોચ-વિકાસની જેમ સ્વાભાવિક છે, એ રીતે સમજાવી શકાય છે. આ શંકાના નિરાકરણ માટે “તાસામનાદિવં ચાશિષો નિત્યવાત” સૂત્રથી કહે છે કે વાસનાઓનું આનન્તર્ય જ નહીં, અનાદિપણું પણ સિદ્ધ કરી શકાય છે, એમ “ચ”નો પ્રયોગ કરીને કહે છે. આશિષો નિત્ય છે. પોતાના વિશેની આશિષો કે વાસનામૂલક ઇચ્છાઓ અનાદિ અને નિત્ય છે. કારણ કે એમાં કોઈ ફેરફાર થતો નથી.
આશિષો સ્વાભાવિક છે, એમ સમજાવી શકાય એવી હોવાથી એમનું નિત્યત્વ અસિદ્ધ છે. એના જવાબમાં “યા ઈયમ્...” વગેરેથી કહે છે કે પોતાના વિષે જે આ હું હોઉં, એવી ઇચ્છા સ્વાભાવિક નથી. નાસ્તિક પૂછે છે : કેમ ? એના જવાબમાં “જાતમાત્રસ્ય જન્તો” વગેરેથી કહે છે કે આ જન્મમાં જેણે મરણધર્મ અનુભવ્યો નથી, એવું તરત જન્મેલું બાળક માતાના ખોળામાંથી પડી જતાં ધ્રૂજે છે, અને એના ગળામાં પહેરેલા મંગળસૂત્રને પોતાના હાથથી પકડી રાખે છે. એનાથી દુ:ખ પ્રત્યેના દ્વેષ સાથે જોડાયેલી સ્મૃતિથી ઉત્પન્ન થતો મરણભય જણાય છે, એ કેવી રીતે ઉત્પન્ન થયો ? સ્વભાવિક રીતે આમ બને નહીં. કારણ કે સ્વાભાવિક ધર્મ. ઉત્પન્ન થવા માટે નિમિત્તની અપેક્ષા રાખતો નથી. આશય એ છે કે આપણામાં જેમ એવું ભયજન્ય કંપન હોય છે, એવો બાળકમાં જણાતો કંપ પણ ભયને લીધે છે. બાળકને થતો ભય, દુઃખ તરફ ષની સ્મૃતિથી ઉત્પન્ન થાય છે, જેમ આપણને ભય થાય છે. વળી, આગામી કષ્ટના અનુમાનરૂપ લક્ષણવાળો ભય ફક્ત દુઃખના સ્મરણથી થતો નથી, પણ જેનાથી ડરે છે, એ દુઃખનો હેતુ છે, એવું અનુમાન કરીને, હમણાં પણ એવું દુઃખ ઉત્પન્ન કરશે, એમ સમજીને કરે છે. તેથી જે પ્રકારનું દુઃખ આવી પડ્યું હતું, એનું સ્મરણ કરીને, એ પ્રકારના વર્તમાન અનુભવને પણ, એ દુઃખનો હેતુ છે, એવું અનુમાન કરીને, એનાથી ડરે છે. અને બાળક પડી જવા સિવાય, આ જન્મમાં બીજા પ્રકારના દુઃખના હેતુને જાણતું નથી, કે એવું દુઃખ એણે અનુભવ્યું નથી. માટે પૂર્વજન્મનો અનુભવ જ બાકી રહે છે.
આ અનુમાનનો પ્રયોગ આ રીતે કરી શકાય :- “તરત જન્મેલા બાળકની મૃતિ પૂર્વ અનુભવને લીધે છે, સ્મૃતિ હોવાના કારણે, આપણી સ્મૃતિની જેમ.” કમળનો સંકોચ - વિકાસ પણ સ્વાભાવિક નથી. સ્વાભાવિક બાબત અન્ય કારણની અપેક્ષા રાખતી નથી. નહીં તો, અગ્નિની ઉષ્ણતા માટે પણ અન્ય કારણની અપેક્ષાનો પ્રસંગ થાય. માટે કમળના વિકાસનું આગંતુક કારણ અરુણના કિરણનો સંપર્ક છે.