________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સ. ૧
૬ ]
યોગના અંગમાત્ર રૂપ સમાધિથી જુદો છે.
અહીં યોગ શબ્દ ધાતુમાંથી નિષ્પન્ન થતા ધ્યાન અર્થમાં વપરાયો છે. એનું પ્રતિપાદન યોગશાસ્ત્રના અભ્યાસને-અધ્યયનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે. તેથી અંગી અને અંગના ભેદપર ભાર મૂકવામાં આવ્યો નથી. યોગ શબ્દનો ખરો અર્થ ચિત્તવૃત્તિનિરોધ છે.
કેટલાક લોકો વિચારે છે કે વૃત્તિઓ જ્ઞાનરૂપ હોવાથી આત્માના આશ્રયે રહે છે, માટે વૃત્તિનિરોધ પણ આત્માના આશ્રયે જ થાય. એમના મતનું ખંડન કરવા “ચિત્તનો ધર્મ” એમ કહ્યું. ચિત્ત શબ્દથી અંતઃકરણરૂપ બુદ્ધિ સૂચવાય છે. જ્ઞાન ફૂટસ્થનિત્ય તેમજ અપરિણામિની (અપરિવર્તનશીલ) ચિતિશક્તિનો ધર્મ નથી, પણ બુદ્ધિનો ધર્મ હોઈ શકે છે, એવો ભાવ છે.
ભલે, પણ ચિત્તની બધી ભૂમિકાઓમાં યોગ વ્યાપક હોય, તો ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત અવસ્થાઓ પણ યોગ ગણાશે. કારણ કે એમાં પણ કેટલીક વૃત્તિઓની અપેક્ષાએ બીજી વૃત્તિઓનો નિરોધ હોય છે. તેથી યોગ માટે ઉપયોગી અને બિનઉપયોગી ભૂમિઓનો ભેદ “ક્ષિપ્તમ્” વગેરેથી બતાવે છે. ક્ષિપ્ત એટલે ૨જોગુણને લીધે તે તે વિષયો તરફ ફેંકાતું (નિરંતર વ્યગ્ર), મૂઢ એટલે તમોગુણને લીધે નિદ્રાવૃત્તિવાળું, વિક્ષિપ્ત એટલે ક્ષિપ્તથી વિશિષ્ટ. વિશેષ શબ્દ અસ્થિરતામાં ક્યારેક થતી સ્થિરતા કહે છે. ક્ષિપ્તપણું સ્વાભાવિક અથવા આગળ કહેવામાં આવશે, એ વ્યાધિ, ત્યાન વગેરે અંતરાયોથી ઉત્પન્ન થાય છે એમ જાણવું જોઈએ. એકાગ્ર એટલે એક વિષયપર સ્થિર અને નિરુદ્ધ એટલે બધી વૃત્તિઓ રોકાઈ ગઈ હોય અને ફક્ત એમના સંસ્કારો શેષ રહ્યા હોય એવું ચિત્ત જાણવું. ક્ષિપ્ત અને મૂઢ પરસ્પર વિરોધી છે, છતાં પરંપરાથી પણ મોક્ષનું કારણ ન હોવાથી, મોક્ષના વિધાતક હોવાથી, તેમજ યોગપક્ષમાંથી ઘણે દૂર રહેલા હોવાથી, એમના યોગપણાનો નિષેધ કરવામાં આવ્યો નથી. પરંતુ વિક્ષિપ્ત ચિત્ત કોઈવાર સસ્તુ પર સ્થિર થતું હોવાથી, એમાં યોગપણાના સંભવને લીધે, કોઈ એને ભૂલથી યોગ ન સમજી લે, એ માટે એના યોગપણાનો નિષેધ કરે છે. વિક્ષિપ્ત અવસ્થામાં ચિત્ત કોઈવાર સસ્તુમાં સ્થિર બનીને સમાધિ અનુભવે છે, પણ એ યોગપક્ષમાં ગણાતી નથી. કારણ કે એવી સ્થિરતા વિપક્ષરૂપ ચંચળતાના ગૌણ પરિણામ તરીકે ઉત્પન્ન થાય છે. વિરોધી પક્ષની સાથે રહેલાનું સ્વરૂપ અનિશ્ચિત હોવાથી, એ સ્વયં કારણ બનીને કાર્ય કેવી રીતે ઉપજાવી શકે ? દાખલા તરીકે ત્રણ, ચાર ક્ષણો સુધી અગ્નિમાં રહેલું બીજ વાવવામાં આવે તો પણ એમાંથી અંકુર ફૂટી શકે નહીં, એવો ભાવ છે.