________________
પા. ૧ સૂ. ૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી
[૫
શિષ્યને સહેલાઈથી એની સમજ આપીને, એ તરફ વાળી શકાય. કારણ કે શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણોમાં સમાધિ મોક્ષનો હેતુ છે, એ વાત પ્રસિદ્ધ છે.
પ્રશ્ન થાય છે કે શું બધા સંદર્ભોમાં અથનો આરંભ અર્થ થાય છે? જો એમ હોય તો “અથાતો બ્રહ્મ જિજ્ઞાસા” વગેરેમાં પણ એ અર્થ ગ્રહણ કરવો પડે. તેથી “અહી” (આ શાસ્ત્ર પૂરતું) એમ કહ્યું. વળી યોગી યાજ્ઞવક્યની સ્મૃતિમાં “હિરણ્યગર્ભો યોગસ્ય વક્તા નાન્યઃ પુરાતનઃ” એમ કહ્યું છે, તો પતંજલિ યોગશાસ્ત્રના કર્તા કેવી રીતે કહેવાય, એવી આશંકા કરીને સૂત્રકારે અનુશાસન” એમ કહ્યું છે. અગાઉ ઉપદેશેલનો ફરીવાર ઉપદેશ છે, મૌલિક શાસન(ઉપદેશ) નથી, એવો એનો અર્થ છે. અથ શબ્દનો આરંભ અર્થ માનીએ તો જ વાક્યનો અર્થ બંધબેસતો થાય કે અગાઉ કહેલા યોગશાસ્ત્રના વિષયનો અનુ-પાછળથી-ઉપદેશ કરતું શાસ્ત્ર અહીં આરંભાય છે.
યોગનો ઉપદેશ કરતા શાસ્ત્રગ્રંથનો આરંભ થાય છે, એમ શા માટે કહ્યું, કારણ કે અહીં તો સ્વયં યોગની ચર્ચા કરવાની છે ? આ કારણે “વેદિતવ્યમ્” - સમજવું જોઈએ એમ કહ્યું. એ વાત સાચી કે અહીં યોગની ચર્ચા કરતો ગ્રંથ આરંભાય છે, પણ યોગનું પ્રતિપાદન એની ચર્ચા કરતા ગ્રંથ વડે જ થઈ શકે. ઉપદેશકનું કામ સાધનવડે પાર પડે છે, સીધેસીધું સાધ્યપર પ્રવૃત્ત થતું નથી. ઉપદેશકના કાર્યની વિશેષપણે વાત કરવા માટે આ યોગવિષયક ગ્રંથ આરંભ કરવામાં આવે છે, એમ સમજવું જોઈએ. ગ્રંથનો વિષય યોગ છે.
આરંભ અર્થમાં વપરાયેલા અથ શબ્દનું શ્રવણ, લઈ જવાતા પૂર્ણ કુંભના દર્શત્ની જેમ મંગલકારક છે, એમ જાણવું જોઈએ. યોગ શબ્દના પ્રાથમિક અર્થને કારણે ઉત્પન્ન થઈ શકે, એવા સંદેહના નિવારણ માટે “યોગ સમાધિ” - યોગ એટલે સમાધિ, એમ કહે છે. “યુજ" સમાધૌ ધાતુમાંથી નિષ્પન્ન થયેલો યોગ શબ્દ ચિત્તના સમાધાનનો અર્થ દર્શાવે છે, “યુજિ” યોગે એ જોડવાના અર્થવાળા ધાતુમાંથી નિષ્પન્ન થયેલા યોગ શબ્દની જેમ સંયોગ અર્થ દર્શાવતો નથી.
બીજો પ્રશ્ન એ છે કે ગ્રંથમાં આગળ કહેવામાં આવશે એ યોગરૂપી અંગીનું સમાધિ અંગમાત્ર છે. અંગને અંગી (એક ભાગને આખી વસ્તુ) કેવી રીતે કહેવાય? તેથી “સ ચ સાર્વભૌમઃ ચિત્તધર્મ” - (અને એ ચિત્તની બધી ભૂમિઓમાં ઉપલબ્ધ થતો એનો ધર્મ છે), એમ કહે છે. અહીં પ્રયોજેલો “ચ”(અને) શબ્દ અંગીથી અંગનો ભેદ દર્શાવે છે. ભૂમિઓ એટલે આગળ કહેવાશે એ મધુમતી, મધુપ્રતીકા, વિશીકા વગેરે ચિત્તની અવસ્થાઓ, જેમાં ફક્ત સંસ્કાર બાકી રહે છે, એમાં જણાતો હોવાથી એને “સાર્વભૌમ” ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગ કહે છે. એ