________________
પા. ૩ સૂ. ૨૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૪૭
જેવા છે, અને બધા મળીને પચાસ કરોડ યોજન વિસ્તારમાં ફેલાયેલા છે. આ બધું અંડના મધ્યમાં વ્યવસ્થિત રીતે પ્રતિષ્ઠિત સંસ્થાન (આકાર)વાળું ગોઠવાઈને રહેલું છે. અને અંડ પ્રધાનનો અણુ જેવડો ભાગ-અવયવ- છે, જાણે આકાશમાં આગિયો.
પાતાળમાં, સમુદ્રમાં, પર્વતો પર દેવ, અસુર, ગંધર્વ, કિંનર, કિંપુરુષ, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપસ્માર, અપ્સરા, બ્રહ્મરાક્ષસ, કૂષ્માંડ, અને વિનાયકના ગણો વસે છે.
બધા દ્વીપોમાં દેવો અને મનુષ્યો પુણ્યાત્મા ગણાય છે. સુમેરુ દેવોની ઉદ્યાનભૂમિ છે. ત્યાં મિશ્રવન, નંદન, ચૈત્રરથ અને સમાનસ, એ ચાર વનો કે ઉદ્યાનો છે. સુધર્મા દેવસભા છે. સુદર્શન નગર છે. અને વૈજયન્ત રાજમહેલ છે.
ગ્રહો, નક્ષત્રો, તારાઓ ધ્રુવ સાથે સંકળાયેલા હોય એમ, એની ચોતરફ નિયમપૂર્વક ફરતા વાયુને લીધે ફરતા રહે છે. એ બધા સુમેરુથી ઉપરના ભાગમાં સંનિવિષ્ટ રહીને ઘુલોકમાં વિચરણ કરે છે. માહેન્દ્રલોકમાં ત્રિદશ, અગ્નિાત્ત, યામ્ય, તુષિત, અપરનિર્મિતવશવર્તી અને પરનિર્મિતવશવર્તી એમ છ દેવસમૂહો છે. તેઓ સંકલ્પસિદ્ધ, અણિમા વગેરે ઐશ્વર્યવાળા, કલ્પ પર્યંત જીવનારા, વૃન્દારક કહેવાય છે. તેઓ ઇચ્છાનુસાર ભોગ કરનારા, ઔપપાદિક (માતાપિતાના સંયોગ વિનાના) દેહવાળા, ઉત્તમ, અનુકૂળ અપ્સરાઓ સાથે પરિવાર રચીને રહેનારા છે.
પ્રાજાપત્ય મહાનૢ લોકમાં કુમુદ, પ્રભુ, પ્રતર્દન, અંજનાભ, અને પ્રચિતાભ એમ પાંચ દેવજાતિઓ વસે છે. તેઓ મહાભૂતોને વશમાં રાખનારા, ધ્યાનાહાર, હજાર કલ્પોના આયુષ્યવાળા છે.
જન નામના પહેલા બ્રહ્મલોકમાં બ્રહ્મપુરોહિત, બ્રહ્મકાયિક, બ્રહ્મમહાકાયિક અને અજરામર એમ ચાર દેવજાતિઓ વસે છે. તેઓ ભૂતો અને ઇન્દ્રિયોને વશમાં રાખનારા, ઉત્તરોત્તર બેગણા આયુષ્યવાળા છે. તપ નામના બીજા બ્રહ્મલોકમાં આભાસ્વર, મહાભાસ્વર અને સત્ય મહાભાસ્વર એમ ત્રણ દેવજાતિઓ વસે છે. તેઓ ભૂતો, ઇન્દ્રિયો અને પ્રકૃતિને વશમાં રાખનારા, ઉત્તરોત્તર બેગણા આયુષ્યવાળા, ધ્યાનનો જ આહાર કરનારા,