________________
૩૩૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૧૭
(બકરીનું દૂધ પી), અને “અજાપયઃ શગૂન” (શત્રુઓને જીત) વગેરેમાં નામ અને આખ્યાતનાં રૂપોમાં સામ્ય હોવાથી, વ્યાકરણની રીતે અન્વાખ્યાન ન કર્યું હોય તો નામ-સંજ્ઞા છે કે આખ્યાત-ક્રિયાપદ છે એ સમજી ન શકવાથી વાક્યમાં એનો કારક તરીકે કે ક્રિયાપદ તરીકે ઉપયોગ કેવી રીતે કરી શકાય? માટે વાક્યમાંથી પદ છૂટાં પાડીને વ્યાખ્યા કરવી જોઈએ. વ્યાખ્યા માટે છૂટાં પાડવામાત્રથી પદોનો વિભાગ સાચો બની જતો નથી. આમ શબ્દસ્વરૂપની ચર્ચા કરીને, સંકેતને લીધે મિશ્રિત બનેલા શબ્દ, વસ્તુ અને જ્ઞાનને અમિશ્રિત ભાવે સમજાવવા માટે “તેષાં શબ્દાર્થપ્રત્યયાનાં પ્રવિભાગ:” વગેરેથી કહે છે કે “શ્વેતતે પ્રાસાદ:”માં શ્વેતતે ક્રિયાપદ છે. અહીં પૂર્વાપર એવી ક્રિયા જે સાધ્વરૂપ છે, એને માટે સિદ્ધરૂપ “શ્વેતતે” એ ભિન્ન ક્રિયાપદ છે. જ્યાં શબ્દ અને અર્થ સિદ્ધરૂપ હોય, ત્યાં પણ શબ્દનો ભેદ હોય છે. માટે “શ્વેતઃ પ્રાસાદઃ ઇતિ કારકાર્થ :” વગેરેથી કહે છે કે “સફેદ મહેલ”માં એ શબ્દ કારક માટે વપરાયો છે. અભિહિત હોવાથી કાર,વિભક્તિનો અભાવ છે. અર્થનો વિભાગ કરતાં કહે છે કે એનો અર્થ ક્રિયાકારકરૂપ છે. એ બે શબ્દ અને અર્થનો આત્મા ક્રિયાત્મા અને કારમાત્મા છે. “પ્રત્યયશ્ચ”થી પ્રત્યય (જ્ઞાન)નું વિભાજન કરે છે. “ચ” શબ્દથી “તદર્થ” પદ આગળથી આકર્ષવામાં આવે છે. તેથી અન્યપદાર્થપ્રધાનતા બાધિત થાય છે. એ જ ક્રિયા અને કારકનો આત્મા અર્થ છે જેનો એવો પદાર્થ, એવી સ્પષ્ટતા થાય છે.
શબ્દ, વસ્તુ અને જ્ઞાનના મિશ્રણથી એ ત્રણે અભિન્ન જણાય છે, તો એમનો વિભાગ કેવી રીતે થઈ શકે ? એવી આશંકાથી “કસ્માત” એમ પ્રશ્ન પૂછે છે. જવાબમાં “સોયમિત્યભિસંબંધાત” વગેરેથી કહે છે કે સંકેતના સંબંધથી તે આ જ છે એવું એકાકાર જ્ઞાન થાય છે. સંકેતરૂપ ઉપાધિ જ એકાકાર જ્ઞાન છે, એ તાત્ત્વિક નથી. સંકેત શબ્દમાં સાતમીના પ્રયોગથી એનું નિમિત્તપણું દર્શાવ્યું.
યસ્ત શ્વેતાર્થ....વગેરેથી પરમાર્થ-તાત્ત્વિક-વાત કહે છે. નવીન, પ્રાચીન વગેરે અવસ્થાઓ છે. શબ્દ અને જ્ઞાનના આલંબનરૂપે રહેલો શ્વેત પદાર્થ પોતાની નવી-જૂની અવસ્થાઓમાં વિકાર પામે છે, અને એ શબ્દસાથે કે જ્ઞાન સાથે રહેતો નથી, એટલે કે મિશ્રિત થતો નથી. આવા એ ત્રણેના વિભાગમાં સંયમ કરવાથી યોગીને પશુ, મૃગ, સાપ વગેરે બધાં પ્રાણીઓના અવાજો- એમાં પણ અસ્પષ્ટ શબ્દ, અર્થ અને જ્ઞાન હોય છે- એ બધાનું જ્ઞાન થાય છે. મનુષ્યોનાં વચન, વાચ્ય અને જ્ઞાનમાં કરેલો સંયમ, સમાનજાતિવાળાં પ્રાણીઓનાં વચન, વાચ્ય, જ્ઞાનમાં પણ કર્યો ગણાય, તેથી એના અર્થભેદ અને જ્ઞાનભેદને યોગી જાણી શકે છે, એમ સિદ્ધ થયું. ૧૭