________________
પા. ૩ સૂ.૧૭] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૧૯
અને સાંભળનાર લોકો અનાદિકાળથી ચાલ્યા આવતા વાણીના વ્યવહારની વાસનાથી વાસિત બુદ્ધિવાળા હોઈ જાણે કે એ પરમાર્થ સત્ય હોય એમ માને છે. સંકેત-બુદ્ધિથી શબ્દોના વિભાગ કરવામાં આવે છે. આટલી સંખ્યામાં, આવા પ્રકારનો અક્ષરોનો મેળ એક અર્થ કહે છે, એવું સંકેતનું સ્વરૂપ હોય છે. આ સંકેત શબ્દ અને શબ્દાર્થના પરસ્પર અધ્યાસના સ્વરૂપનો અને સ્મૃતિરૂપ હોય છે. જે આ શબ્દ છે, એ જ અર્થ છે, અને જે આ અર્થ છે, એ જ શબ્દ છે, એમ પરસ્પરના અધ્યાસરૂપવાળો સંકેત હોય છે. આમ શબ્દ, અર્થ અને જ્ઞાનના પરસ્પર અધ્યાસને કારણે, ગૌ એટલે શબ્દ, ગૌ એટલે અર્થ અને ગૌ એટલે જ્ઞાન, એમ ત્રણે મિશ્રિત થાય છે. એ ત્રણના વિભાગને જે યથાર્થપણે જાણે છે એ સર્વજ્ઞ છે.
બધા શબ્દોમાં પૂરા વાક્યને વ્યક્ત કરવાની શક્તિ છે. “વૃક્ષ” એમ બોલતાં “છે” સૂચવાય છે, કારણ કે પદાર્થ અસ્તિત્વવિનાનો હોઈ શકે નહીં. એ રીતે ક્રિયા સાધનવિનાની હોતી નથી. તેથી “પચતિ” (રાંધે છે) એમ કહેતાં, રાંધવાનાં બધાં સાધનો સૂચવાય છે. ચૈત્રરૂપ કર્તા, અગ્નિરૂપ કરણ અને ચોખારૂપ કર્મનું કથન અર્થની સ્પષ્ટતા માટે કરવામાં આવે છે. વાક્યાર્થ પ્રગટ કરવા માટે શબ્દરચના કરવામાં આવે છે. દાખલા તરીકે “શ્રોત્રિય:' એટલે વેદપાઠ કરનાર બ્રાહ્મણ અને “જીવતિ” એટલે પ્રાણ ધારણ કરનાર મનુષ્ય.
અગાઉ જણાવ્યા પ્રમાણે શબ્દ વાક્યર્થ પ્રગટ કરતો હોવાથી, એને છૂટો પાડીને વ્યાકરણની દૃષ્ટિએ એ કારકવાચક છે કે ક્રિયાવાચક, એનું વિશ્લેષણ કરવું જરૂરી બને છે. નહીં તો “ભવતિ”, “અશ્વ:” “અજાપય?” વગેરેમાં કયો શબ્દ કારકવાચક અને ક્રિયાવાચક છે, એનો નિર્ણય, નામ અને આખ્યાત (સંજ્ઞા અને ક્રિયાપદ)નાં રૂપોમાં દેખીતી સમાનતા હોવાના કારણે, થઈ શકતો નથી.
એ શબ્દ, અર્થ અને જ્ઞાનનો વિભાગ (યોગીએ જાણવો જોઈએ). જેમકે “શ્વેતતે પ્રાસાદ:” (મહેલ સફેદ જણાય છે) પ્રયોગમાં શ્વેત શબ્દ ક્રિયાવાચક છે. અને “શ્વેતઃ પ્રાસાદ” (સફેદ મહેલ) પ્રયોગમાં શ્વેત શબ્દ સંજ્ઞા(કારક)વાચક છે. આમ શ્વેત શબ્દ સ્વરૂપે ક્રિયા અને કારક બને અર્થોનો