________________
૩૦૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સ. ૧૪
એમાં વર્તમાન ધર્મ પોતાના કાર્યનો અનુભવ કરે છે, અને બીજા શાન્ત (ભૂતકાલીન) તેમજ અવ્યપદેશ્ય (ભવિષ્યકાલીન) ધર્મોથી જુદો છે. જ્યારે એ પોતાના સામાન્ય ધર્મથી અન્વિત હોય, ત્યારે ફક્ત ધર્મી સ્વરૂપ હોવાથી કોનાથી ભિન્ન કહેવાય ?
ધર્મીના શાન્ત, ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મો કહ્યા. એમાં પોતાનું કાર્ય કરીને અસ્ત થયા હોય એ શાન્ત, કાર્ય કરી રહ્યા હોય એ ઉદિત (અને હવે પછી આવવાના છે એ અવ્યપદેશ્ય કે અનાગત) કહેવાય છે. ઉદિત કે વર્તમાન ધર્મ અનાગત પછી આવે છે અને અતીત વર્તમાન પછી આવે છે. વર્તમાન અતીત પછી કેમ ન આવી શકે ? કારણ કે એ બેમાં પૂર્વાપરસંબંધી નથી. જેમ ભવિષ્ય અને વર્તમાનમાં પૂર્વાપરતા છે એવી ભૂતકાળ સાથે નથી. તેથી ભૂતકાળ પછી આવનાર કોઈ કાળ નથી. માટે વર્તમાન જ ભવિષ્ય પછી આવતો સમય છે.
અવ્યપદેશ્ય (ભવિષ્યના) ધર્મો કયા છે ? બધું બધારૂપ છે. આ વિષે કહ્યું છે : “પૃથ્વી અને પાણીના પરિણામરૂપે ઉત્પન્ન થતા રસો વગેરેની વિવિધતા સ્થાવરોમાં જોવામાં આવે છે. સ્થાવરોના રસોની વિવિધતા જંગમોમાં, અને જંગમોની સ્થાવરોમાં જોવા મળે છે. આમ જાતિભેદથી સર્વવસ્તુઓ સર્વરૂપ છે.”
દેશ, કાળ આકાર અને નિમિત્તની મર્યાદાઓના કારણે બધું કાર્ય એક સમયે ઉત્પન્ન થતું નથી. આ પ્રગટ અને અપ્રગટ ધર્મોમાં સામાન્ય અને વિશેષરૂપે અનુગત બનીને રહેનારને ધર્મી કહે છે.
જેના મતમાં બધું અન્વય વિનાનું અને ધર્મમાત્ર રૂપ છે, એમાં ભોગનો અભાવ થશે. કેમ ? કારણ કે એક વિજ્ઞાને કરેલા કર્મના ભોક્તા તરીકેનો અધિકાર બીજા વિજ્ઞાનને મળી શકે નહીં. એમાં સ્મૃતિનો પણ અભાવ થાય. એકે જોયેલી વસ્તુનું સ્મરણ બીજો કરતો નથી. પણ વસ્તુનું સ્મરણ થાય છે, માટે એક સ્થિર, અનુગત ધર્મી છે, જેનું સ્મરણ ધર્મોના ફેરફારોને અનુભવનાર તરીકે થાય છે. માટે આ બધું અનુગત ધર્મી વિનાનું, ધર્મમાત્ર નથી. ૧૪