________________
૩૦૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૧૩
જવાબમાં “ગુણસ્વભાવ્ય”થી કહે છે કે એવો ગુણોનો સ્વભાવ જ છે. આ વાત અગાઉ પણ કહેવાઈ છે. “એતેન ભૂતેન્દ્રિયેષુ” વગેરેથી કહે છે કે આવો ત્રણ પ્રકારનો ચિત્તનો પરિણામભેદ સૂત્રકારે નિર્દેશ્યો છે. ધર્મી અને ધર્મોના ભેદને લક્ષમાં રાખીને ધર્મોનું આવું જુદું જુદું પરિણામ કહ્યું છે.
પૃથ્વી વગેરે ભૂતો ધર્મી છે. ગાય, ઘડો વગેરે એમનું ધર્મપરિણામ છે. ધર્મોનું ભૂત, વર્તમાન, ભવિષ્યરૂપ લક્ષણ પરિણામ છે. વર્તમાનલક્ષણ પ્રાપ્ત થયેલાં ગાય વગેરેની બાલ્ય, કૌમાર, યૌવન, વાર્ધક્ય અવસ્થા પરિણામો છે. ઘડા વગેરે (અચેતન પદાર્થો)નું પણ નવો, જૂનો વગેરે અવસ્થા પરિણામ છે. આ રીતે ઇન્દ્રિયોનું તે તે નીલ-પીત વગેરે રૂપ જોવું ધર્મપરિણામ, ધર્મનું વર્તમાનપણું વગેરે લક્ષણપરિણામ અને વર્તમાનલક્ષણવાળા રત્ન વગેરેનું સ્પષ્ટપણું કે અસ્પષ્ટપણે અવસ્થાપરિણામ છે. આવું ભૂતો અને ઇન્દ્રિયોનું પરિણામ, ધર્મીના ધર્મ, લક્ષણ અને અવસ્થાઓના ભેદને નજરમાં રાખીને વર્ણવ્યું છે.
“પરમાર્થતતુ એક એવ પરિણામ:..” વગેરેથી અભેદ દષ્ટિનો આશ્રય કરીને કહે છે કે હકીકતમાં પરિણામ એક જ છે. “તુ” શબ્દથી ભેદના પક્ષ કરતાં વિશેષતા દર્શાવે છે. આ વિષે પરમાર્થ (સાચી સ્થિતિ) જણાવવામાં આવે છે, બીજાં અવાજ્જર (ગૌણ) પરિણામોનો નિષેધ કરવામાં આવતો નથી. કેવી રીતે ? કારણ કે “ધર્મિસ્વરૂપમાત્રો હિ ધર્મો ધર્મિવિક્રિયેવ.” - ધર્મ ધર્મીસ્વરૂપમાત્ર છે, ધર્મીનો ફક્ત વિકાર છે.
પણ જો ધર્મીનો વિકારમાત્ર ધર્મ હોય તો લોકોને પરિણામોમાં સંકર (મિશ્રણ) કેમ જણાતો નથી ? જવાબમાં “ધર્મદ્વારા પ્રપંચ્યતે”- ધર્મો વડે (ધર્મીનું) વર્ણન કરવામાં આવે છે, એમ કહે છે. ધર્મથી ધર્મ, લક્ષણ અને અવસ્થાનું ગ્રહણ થાય છે. એ બધાં દ્વારા ધર્મીના એક અને અમિશ્રિત પરિણામનું વિવરણ કરવામાં આવે છે... એ દ્વારો અભિન્ન હોય છે પણ ધર્મીઓ પરસ્પરથી ભિન્ન રહે છે. (ધર્મો ધર્મીના આશ્રયે જ રહે છે, માટે અભિન્ન ધર્મો વડે એક ધર્મીનું વર્ણન થતું હોય છે).
ધર્મો ધર્મીથી જુદા ન હોય અને ધર્મીના અધ્વો જુદા હોય તો ધર્મીથી અભિન્ન ધર્મો પણ ધર્મી જેવા જ હોવા જોઈએ. એ શંકાના સમાધાન માટે કહે છે કે ધર્મીમાં ત્રણ કાળોમાં રહેલા ધર્મોના આકારમાં ફેરફાર થાય છે, દ્રવ્યમાં નહીં. ભાવ એટલે સંસ્થાન (આકાર). જેમ સોનાના વાસણમાંથી બનાવેલા ચક, સ્વસ્તિક વગેરે અલંકારોના ભિન્ન આકારોને કારણે નામમાં ભેદ થાય છે. ફક્ત આટલો ફેરફાર થાય છે. સુવર્ણરૂપ દ્રવ્ય અસુવર્ણ બનતું નથી. વળી એ બેમાં અત્યંત ભેદ નથી, એ વાત આગળ કહેવાશે.