________________
પા. ૩ સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૯૩
હયાતિ છે, એમ સ્વીકારવું જોઈએ. આ વાત લક્ષણ વિષે પણ સાચી છે.
ધર્મી ત્રણ અધ્વવાળો નથી. ધ ત્રણ અધ્વવાળા છે. તેઓ તે તે અવસ્થા પ્રાપ્ત કરીને લક્ષિત કે અલક્ષિત રૂપે રહેતા હોવાથી અન્ય અવસ્થાને કારણે અન્ય હોય એમ જણાય છે, અન્ય દ્રવ્ય તરીકે નહીં. જેમ એક જ રેખા સોના સ્થાનમાં (બે મીંડાં સાથે) સો, દસના સ્થાનમાં (એક મીંડા સાથે) દસ અને એકના સ્થાનમાં (મીંડા વિના) એક કહેવાય છે; અને એક જ સ્ત્રી માતા, દીકરી અને બહેન કહેવાય છે.
કેટલાક લોકો અવસ્થા પરિણામને લીધે ધર્મી અને ધર્મોમાં કૂટસ્થનિત્યતારૂપ દોષ આવશે એમ કહે છે. કેવી રીતે ? ફક્ત કાળના વ્યાપારનું વ્યવધાન હોવાથી. ધર્મ જ્યારે પોતાનું કાર્ય ન કરે ત્યારે અનાગત, જ્યારે કરે ત્યારે વર્તમાન અને કરીને નિવૃત્ત થાય ત્યારે અતીત કહેવાય છે. આમ ધર્મીનાં ધર્મ, લક્ષણ અને અવસ્થાઓ નિત્ય છે, એવો દોષ વિરોધીઓ બતાવે છે. પરંતુ એવો દોષ નથી. કેમ? કારણ કે ગુણી નિત્ય હોવા છતાં, ગુણો એકબીજા સાથે વિમર્દ (સંઘર્ષ) કરે છે, તેથી વિભિન્ન પરિણામો ઉત્પન્ન થાય છે. જેમ અવિનાશી શબ્દ વગેરેની તન્માત્રાઓ એકઠી થઈને પૃથ્વી વગેરે આકારો રચે છે એ ધર્મમાત્ર અને આદિવાળા હોવાથી અનિત્ય છે. એમ સત્ત્વ વગેરે અવિનાશી ગુણો ભેગા મળીને લિંગ (મહત્તત્વ) વગેરે રચે છે, એ ધર્મમાત્ર અને આદિવાળા હોવાથી અનિત્ય છે. આ કારણે એમને વિકૃત કહેવામાં આવે છે. (આશય એ છે કે ચૈતન્ય જેમ કૂટસ્થનિત્ય છે, એમ ગુણોનાં પરિણામો કૂટસ્થનિત્ય નથી, પણ પ્રવાહનિત્ય છે.)
આ બાબત ઉદાહરણ આપીને આ રીતે સમજાવી શકાય :- માટી ધર્મી છે. એ પિંડ આકારના ધર્મને ત્યજીને, બીજા ધર્મરૂપે પરિણમી ઘડાનો આકાર ધારણ કરે છે. ઘડાનો આકાર અનાગત લક્ષણને ત્યજીને વર્તમાન લક્ષણવાળો બને છે કે લક્ષણરૂપ પરિણામ પામે છે. આમ ઘડો પ્રતિક્ષણ નવો મટી, જૂનાપણાને પ્રાપ્ત થતો, અવસ્થા પરિણામ પ્રાપ્ત કરે છે. ધર્મી ધર્માતર પામે એ અવસ્થા છે, અને ધર્મ લક્ષણાન્તર પામે એ પણ અવસ્થા છે. આમ એક જ દ્રવ્યપરિણામને ભેદોથી દર્શાવાય છે. બીજા પદાર્થોમાં પણ આવી યોજના સમજવી જોઈએ. આવાં ધર્મ,લક્ષણ અને અવસ્થારૂપ