________________
૨૯૨]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૧૩
રહિત બન્યા પછી પણ એ હોય છે, કારણ કે વિનાશનો પણ નિષેધ કરવામાં આવે છે. (હોય તો દેખાતું કેમ નથી ?) સંસર્ગથી સૂક્ષ્મતા અને સૂક્ષ્મતાને લીધે અનુપલબ્ધિ થાય છે. (તેથી દેખાતું નથી. વ્યક્ત કૈલોક્ય પોતાનાં કારણોના સંસર્ગમાં આવતાં સૂક્ષ્મતા પ્રાપ્ત કરે છે, તેથી દેખાતું નથી).
ધર્મનું લક્ષણ પરિણામ એટલે એને ત્રણે અવ્વો (કાળો)માં અસ્તિત્વ હોવું. અતીતલક્ષણ યુક્ત ભૂતકાળનો ધર્મ વર્તમાન અને ભવિષ્યનાં લક્ષણો વિનાનો હોતો નથી. એમ, ભવિષ્ય લક્ષણયુક્ત અનાગત ધર્મ, વર્તમાન અને અતીતનાં લક્ષણો વિનાનો હોતો નથી. એ રીતે વર્તમાન લક્ષણયુક્ત વર્તમાનધર્મ ભૂતકાળ અને ભવિષ્યકાળનાં લક્ષણો વિનાનો હોતો નથી. કોઈ પુરુષ એક સ્ત્રીમાં આસક્ત હોય, ત્યારે પણ અન્ય સ્ત્રીઓમાં વિરક્ત હોતો નથી.
વિરુદ્ધ મતવાદીઓ એવો વાંધો ઉઠાવે છે કે બધા ધર્મોનો બધાં લક્ષણો સાથે સંયોગ થતો હોવાથી અધ્વ-સંકર (કાળ મિશ્રણ) રૂપ દોષ થશે. એનો પરિહાર આ પ્રમાણે છે :- ધર્મોનું અસ્તિત્વ સિદ્ધ કરવું પડતું નથી, એ સ્વતઃ સિદ્ધ છે. અને ધર્મો છે, તો એમનાં લક્ષણોનો ભેદ સ્વીકારવો જરૂરી છે. કારણ કે વર્તમાન સમયમાં જ ધર્મમાં ધર્મપણું હોવું જોઈએ એવો નિયમ નથી. એમ હોય તો ચિત્તમાં ક્રોધ હોય ત્યારે રાગ પ્રગટ થઈને પોતાનું કાર્ય કરતો નથી, માટે ચિત્તમાં રાગધર્મ છે જ નહીં, એમ ન કહી શકાય.
વળી, ત્રણે લક્ષણોનું એક વ્યક્તિ (પદાર્થ)માં એક સમયે અસ્તિત્વ સંભવતું નથી. પરંતુ ક્રમશ: એમને વ્યક્ત કરનાર કારણોને લીધે તેઓ વ્યક્ત (પ્રગટ) થાય છે. આ વિષે કહ્યું છે - “(રાગ વૈરાગ્ય વગેરે) રૂપોનો અતિશય, અને સુખદુઃખ વગેરે) વૃત્તિઓનો અતિશય પરસ્પર વિરુદ્ધ હોય છે, પરંતુ સામાન્ય તો અતિશય સાથે રહી શકે છે. તેથી મિશ્રણ થતું નથી. દાખલા તરીકે એક પદાર્થ તરફ રાગ પ્રગટ થયેલો હોય, એ વખતે બીજી વસ્તુઓ તરફ એનો અભાવ હોતો નથી. એથી ઊલટું, સામાન્યપણે એ બધા પદાર્થો તરફ રહેલો હોય છે. તેથી એ વખતે એની