________________
પા. ૩ સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૨૯૧
અને વર્તમાનરૂપ લક્ષણો વિનાનું હોતું નથી. એ રીતે જ્યારે વ્યુત્થાન પ્રગટ થતું હોય, ત્યારે અનાગત લક્ષણ છોડીને, ધર્મપણું ત્યાગ્યા વિના, વર્તમાન લક્ષણ પ્રાપ્ત કરીને પોતાના સ્વરૂપે પ્રગટ થઈ પોતાનું કાર્ય કરે છે. એ એનો બીજો અધ્વ છે, જેમાં એ અતીત અને અનાગત લક્ષણો વિનાનું હોતું નથી. આમ વારંવારને નિરોધ અને વ્યુત્થાન થયા કરે છે.
અને હવે અવસ્થા પરિણામ કહેવામાં આવે છે. નિરોધની ક્ષણોમાં નિરોધના સંસ્કાર બળવાન બને અને વ્યુત્થાનના સંસ્કારો નબળા બને, એ આ ધર્મોનું અવસ્થા પરિણામ છે.
આમ ધર્મી ધર્ણોરૂપે પરિણમે છે, ધર્મો લક્ષણોરૂપે પરિણમે છે અને લક્ષણો અવસ્થારૂપે પરિણમે છે. આ રીતના ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામો વિના ગુણવૃત્ત (ગુણોનું ચક્ર) એક ક્ષણ માટે પણ સ્થિર રહેતું નથી. અને ગુણવૃત્ત ચલ (સતત ગતિશીલ) છે (એ આ શાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાન્ત છે). ગુણોનું પ્રવૃત્તિકારણ એમનો સ્વભાવ જ છે. (જુઓ, ૨.૧૫, ૧૮). આનાથી ભૂતો અને ઇન્દ્રિયોમાં ધર્મી અને ધર્મના ભેદોમાં ત્રણ પ્રકારનું પરિણામ જાણવું જોઈએ.
હકીકતમાં પરિણામ એક છે. કારણ કે ધર્મો ધર્મીનું સ્વરૂપમાત્ર છે. માટે ધર્મીનાં પરિણામો ધર્મો દ્વારા ચર્ચવામાં આવે છે. ધર્મીમાં રહેતા ધર્મો ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળોમાં ભાવરૂપ ફેરફાર પામે છે, દ્રવ્ય (ધર્મી)માં કોઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે સોનાના પાત્રને ભાંગીને બીજા આકારોમાં ઢાળવામાં આવે, તો ભાવો (આકારો)માં ફેરફાર થાય છે, સોનામાં કોઈ ફેરફાર થતો નથી.
બીજો (એકાન્તમતાગ્રહી બૌદ્ધ) કહે છે કે ધર્મોથી અધિક (ભિન્ન) કોઈ ધર્મી નથી, કારણ કે એ ધર્મોના તત્ત્વનું અતિક્રમણ કરતો નથી. ધર્મોમાં અનુગત કોઈ ધર્મી હોય તો પૂર્વાપર અવસ્થાઓના ભેદોમાં અપરિવર્તનશીલ જ રહે. આના જવાબમાં કહે છે કે આ દોષ નથી. કેમ? કારણ કે અમે એકાન્ત મત સ્વીકારતા નથી. આ ત્રૈલોક્ય વ્યક્તિ (આકાર)થી રહિત બને છે. (વર્તમાન વ્યક્ત દશામાંથી અવ્યક્ત અવસ્થામાં લય પામે છે). કેમ? કારણ કે એમાં નિત્યપણાનો નિષેધ કરવામાં આવે છે. વ્યક્તિથી