________________
[૨૦] ચિતિથી અભિન્ન ગુહા તરીકે જ્ઞાનીઓ વર્ણવે છે. એમાં બ્રહ્મ વસે છે. એ ગુહા દૂર થતાં, સ્વયંપ્રકાશ, અનાવૃત, અનુપસર્ગ બ્રહ્મ ચરમ દેહવાળા ભગવરૂપ મહાત્મામાં પ્રગટ થાય છે.”
આ કારણે દ્રા અને દશ્યના રંગે રંગાયેલું ચિત્ત સર્વાર્થ કહેવાય છે. ચિત્તની આવી સર્વાર્થતાને લીધે કેટલાક બૌદ્ધમતાનુયાયીઓ ચિત્ત કે વિજ્ઞાનને જ પુરુષ માને છે, તેમજ પૃથ્વી, જળ વગેરેવાળા લોકને ચિત્તમાત્ર માને છે. એમને ચિત્તથી ભિન્ન પુરુષ છે એમ સમજાવી એમના ઉપર અનુગ્રહ કરવો જોઈએ, એમ ભાષ્યકાર કહે છે.
ચિત્ત સ્વયં દ્રવ્યરૂપ હોવાથી અને ઘણા ઘટકોના સંગઠનથી કાર્ય કરતું હોવાથી ઘર, શવ્યા, આસન, વાહન વગેરેની જેમ અન્યને માટે એટલે કે પુરુષને માટે છે. આમ ચિત્તથી આત્મા વિશેષ છે, એમ જાણનાર યોગીની આત્મભાવભાવના નિવૃત્ત થાય છે. આત્મભાવભાવના એટલે હું કોણ હતો ? કેવી રીતે હતો ? આ જગત શું છે? કેવી રીતે થયું? ભવિષ્યમાં હું શું થઈશ? કેવી રીતે થઈશે? – એવી વિચારણા. આ વિચારણા ચિત્તથી ભિન્ન પુરુષનું દર્શન કરનાર યોગીમાં નિવૃત્ત થાય છે. કારણ કે એ સમજી જાય છે કે આ બધું ચિત્તનું જ વિચિત્ર પરિણામ છે. પુરુષ તો અવિદ્યા નષ્ટ થતાં શુદ્ધ અને ચિત્તધર્મોથી અસંસ્કૃષ્ટ રહે છે. ત્યારે એનો ચિત્તપ્રવાહ ઊલટો થઈ જાય છે, અર્થાત્ પહેલાં જે વિષયોતરફ ઢળેલો અને અજ્ઞાનતરફ વહેતો હતો, એ હવે વિવેકજ્ઞાન તરફ ઢળેલો અને કૈવલ્યતરફ વહેતો થાય છે. જ્યારે યોગી પ્રસંખ્યાન-ધ્યાનમાં પણ વિરક્ત બની, એનાથી કાંઈ પ્રાપ્ત કરવા ઇચ્છતો નથી, ત્યારે એને કેવળ વિવેકખ્યાતિથી ધર્મમેઘ સમાધિ થાય છે, અર્થાત્ બીજા કોઈપણ વિચારો ઉત્પન્ન થતા નથી. તેથી બધા ક્લેશો અને કર્મ નિવૃત્ત થાય છે, અને એ જીવન્મુક્ત બને છે ત્યારે બધાં આવરણો અને મળો વિનાના એના ચિત્તસત્ત્વનું જ્ઞાન અનંત હોવાથી શેય અલ્પ જણાય છે. ધર્મમેઘસમાધિના ઉદયથી યોગીના કૃતાર્થ બનેલા ગુણોનો પરિણામક્રમ સમાપ્ત થાય છે, અર્થાત ગુણો યોગી માટે દેહ ઇન્દ્રિયો વગેરેનો આરંભ કરતા નથી. કારણ કે ગુણોનો એવો સ્વભાવ છે કે તેઓ જે પુરુષ પ્રત્યે કૃતકાર્ય બન્યા હોય, એના પ્રત્યે ફરીથી પ્રવર્તતા નથી. પુરુષાર્થશૂન્ય ગુણોનો લય અથવા ચિતિશક્તિની સ્વરૂપ પ્રતિષ્ઠા કૈવલ્ય છે. ગુણમયી પ્રકૃતિનો જય કરી યોગી જીવભાવ ત્યજી બ્રહ્મભાવ ધારણ કરે છે. શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે :
रजस्तमश्चाभिजयेत् सत्त्वसंसेवया मुनिः । सत्त्वं चाभिजयेद्युक्तो नैरपेक्ष्येण शान्त धीः ॥ सम्पद्यते गुणैर्मुक्तो जीवो जीवं विहाय माम् । जीवो जीवविनिर्मुक्तो गुणैश्चाशयसंभवैः ॥