________________
[૨૬] પ્રયોજક નથી હોતું, પણ ખેડૂત જેમ પાણીના વહેવાના માર્ગમાં આવતા પ્રતિબંધને હટાવે, એમ પ્રકૃતિના માર્ગના પ્રતિબંધને દૂર કરે છે. આ રીતે યોગી જ્યારે ઘણાં શરીરોનું નિર્માણ કરે ત્યારે એ બધાં શરીરોમાં ભિન્ન ભિન્ન ચિત્તો હોય છે, જેમનું નિયમન કરનારું એક ચિત્ત પણ યોગી બનાવે છે. એ બધાં ચિત્તોમાં સમાધિજન્ય ચિત્ત જ આશયવિનાનું હોય છે, કારણ કે અયોગીઓનાં કર્મ શુક્લ, કૃષ્ણ કે મિશ્ર હોય છે, યોગીનાં નહીં.
ત્યાર પછી અયોગીનાં શુક્લ, કૃષ્ણ અને મિશ્ર કર્મો પ્રમાણે એમને અનુરૂપ વાસનાઓ ઉત્પન્ન થાય છે, અને એ મુજબ જન્મ થાય છે, એ પ્રવાહને બંધ કરવા માટે વાસનાનિવૃત્તિનો ઉપાય કહેવામાં આવે છે. પ્રશ્ન એ છે કે ચિતિશક્તિ અનાદિ છે, તેથી અનંત પણ છે, એમ વાસનાઓ પણ અનાદિ હોવાથી અનંત હોવી જોઈએ, અને જે અનંત હોય તો એમનો નાશ શક્ય ન હોવાથી મોક્ષ થઈ શકશે નહીં. આનું સમાધાન કરતાં પતંજલિ કહે છે કે વાસનાઓનું કારણ અવિધા, ફળ સુખદુઃખ, આશ્રય સાધિકાર ચિત્ત અને સન્મુખ જણાતા પદાર્થો અવલંબન છે, આમ હેતુ, ફળ, આશ્રય અને આલંબનથી વાસનાઓ સંગ્રહાય છે, એમના અભાવમાં વાસનાઓનો પણ અભાવ થાય છે. તાત્પર્ય એ છે કે જેમ અનાગત અનાદિ હોવા છતાં સાત્ત છે, એમ વાસનાઓ પણ અનાદિ હોવા છતાં સાત્ત છે. ચિતિશક્તિ અનાદિ છે માટે અનંત નથી, પણ એના વિનાશના કારણના અભાવને કારણે અનંત છે, જ્યારે વાસનાઓના વિનાશનો હેતુ હયાત છે, તેથી એમનો વિનાશ શક્ય છે.
યોગદર્શનનો મુખ્ય હેતુ ચિત્ત અને પુરુષની ભિન્નતા દર્શાવવાનો છે. તેથી એ બેના ગુણધર્મો કેવી રીતે ભિન્ન છે એ મુદ્દો સ્પષ્ટ કરવા માટે કહે છે કે ચિત્ત જે વસ્તુના આકારવાળું બને એને જાણી શકે છે, બીજાને નહીં, જ્યારે પુરુષ પોતાના વિષયભૂત ચિત્તને હંમેશાં જાણે છે, માટે ચિત્ત પરિણામી છે અને પુરુષ અપરિણામી છે. એવી શંકા થાય કે ચિત્ત સ્વયંપ્રકાશ હોય તો એ પોતાને અને વિષયને પ્રકાશિત કરી શકે. એનું સમાધાન કરતાં કહે છે કે જેમ શબ્દ વગેરે વિષયો અને ઇન્દ્રિયો દશ્ય હોવાના કારણે સ્વયંપ્રકાશ નથી, એમ દશ્ય હોવાના કારણે ચિત્ત પણ સ્વપ્રકાશ નથી. એક ચિત્ત બીજા ચિત્ત વડે ગ્રહણ કરાય એમ માનીએ તો એ બીજા ચિત્તને જાણવા ત્રીજા, ત્રીજાને જાણવા ચોથા ચિત્તની આવશ્યકતા રહે એમ અનવસ્થાદોષ થાય, અને સ્મૃતિઓમાં મિશ્રણ થાય, માટે અપરિણામી ચિતિશક્તિરૂપ પુરુષ, પરિણામી ચિત્તમાં પ્રતિબિંબિત થઈ, એની વૃત્તિના આકારવાળો બની એને જાણે છે, એમ સ્વીકારવું જોઈએ. ભાષ્યકાર આ વિષયમાં આગમનું ઉદ્ધરણ પ્રસ્તુત કરે છે : “શાશ્વત શિવરૂપ, વિશુદ્ધ સ્વભાવના બ્રહ્મની કે ચિતિશક્તિની છાયાવાળી મનોવૃત્તિને