________________
પ. ૨ સૂ. ૧૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૯૧
હોવાથી પરતંત્ર કહેવાય છે.
આ દફ અને દર્શનનો સંબંધ સ્વાભાવિક છે કે નૈમિત્તિક (કોઈ કારણસર થયેલો) છે? સ્વાભાવિક હોય તો જે બેનો સંબંધ થાય છે એ નિત્ય હોવાથી એ સંબંધનો નાશ થશે નહીં, અને સંસાર નિત્ય બનશે. (મોક્ષ થશે નહીં), નૈમિત્તિક હોય તો ક્લેશો અને કર્મવાસનાઓ અંતઃકરણમાં રહેતાં હોવાથી અંતઃકરણ હોય તો તેઓ હોય અને અંતઃકરણ પણ તેઓ હોય તો જ હોઈ શકે, એમ પરસ્પરાશ્રયના દોષનો પ્રસંગ થશે. અને સૃષ્ટિની શરૂઆતમાં અનાદિપણાનો સંભવ ન હોવાથી સંસારની ઉત્પત્તિ જ થશે નહીં. જેમ કહ્યું છે :- “જેમના મતમાં પુરુષ કર્તા નથી. એમના મત પ્રમાણે સૃષ્ટિના આરંભમાં કર્મ ન હોવાથી ગુણોવડે પણ ક્રિયા કેવી રીતે થશે? એ વખતે મિથ્યા જ્ઞાન, રાગદ્વેષ વગેરે કે મન ન હોવાથી મનોવૃત્તિ પણ ક્યાંથી હોય ?” આ શંકાનું સમાધાન “તયોદ્કર્શન શકત્યોરનાદિરર્થકૃતઃ સંયોગઃ હે હેતુ દુખસ્ય કારણ”થી કરે છે. વાત સાચી છે. એ સંબંધ સ્વાભાવિક નથી. પણ નૈમિત્તિક છે, અને છતાં આદિવાળો નથી. અનાદિ કારણથી ઉત્પન્ન થયેલો હોવાથી, એ પણ અનાદિ છે. ક્લેશ કર્મવાસનાનો પ્રવાહ પણ અનાદિ છે. પ્રલય વખતે અંતઃકરણ સાથે પ્રધાન (પ્રકૃતિ) સાથે સામ્યવસ્થાને પ્રાપ્ત થવા છતાં, સૃષ્ટિના આરંભ વખતે ફરીથી એવા જ સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે, જેમ વિવિધ પ્રકારનાં ઘાસ વગેરે વર્ષાઋતુ પૂરી થતાં માટી બની ગયેલાં હોવા છતાં ફરીથી વરસાદ થતાં પાછાં એ જ રૂપે ઉત્પન્ન થાય છે. આ વાત અગાઉ (૧.૧૯) વારંવાર કહેવામાં આવી છે.
પૂર્વભાવી હોવાના કારણે અવિદ્યા આ સંયોગનું કારણ છે, અને પુરુષાર્થ એને ચાલુ રાખવાનું કારણ છે, કારણ કે એને લીધે જ એની સ્થિતિ છે. તેથી અર્થ માટે – પુરુષના અર્થે–એમ કહ્યું.
“તથા ચોક્તમ્” વગેરેથી પંચશિખાચાર્યના વચનનો ઉલ્લેખ કરે છે :એનો સંયોગ એટલે પુરુષ અને બુદ્ધિનો સંયોગ જ દુ:ખનો હેતુ છે. એના નાશથી હંમેશને માટે દુઃખનો નાશ થાય છે.” અર્થાત્ એનો નાશ ન કરવામાં આવે તો દુ:ખ ચાલુ રહે છે, એવો ભાવ છે. આ વિષયમાં અત્યંત પ્રસિદ્ધ દાખલો આપે છે, “તદ્યથા” વગેરેથી પાદત્રાણ એટલે પગરખાં.
ભલે. ગુણસંયોગ દુઃખનો હેતુ છે એમ કહો, તો ગુણો તાપક-દુઃખ આપનાર છે, એમ સ્વીકારવું જોઈએ. “તપતિ” સંતાપ આપે છે, એ ક્રિયાપદ “અસ્તિ” છે વગેરેની જેમ કર્તામાં જ ભાવવાળું નથી, જેથી જેને સંતાપ થાય છે એવા બીજાની અપેક્ષા ન રાખે. અને તપ્ય-દુઃખ અનુભવનાર - તરીકે પુરુષ એનું કર્મ નથી. પુરુષ અપરિણામી હોવાથી, એ ક્રિયાથી ઉત્પન્ન થયેલા ફળવાળો