________________
૧૯૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૭
ડેય (દુઃખ) કહ્યું, હવે એનું નિદાન (કારણ) કહેવામાં આવે છે. “દ્રષ્ટ્રદશ્યો સંયોગો હે હેતુ” દ્રષ્ટા અને દશ્યનો સંયોગ દુઃખનું કારણ છે. “દ્રષ્ટા બુદ્ધ પ્રતિસંવેદી પુરુષ'થી દ્રષ્ટાનું સ્વરૂપ કહે છે. બુદ્ધિમાં ચિતિની છાયા પડે, એ ઉદાસીન પુરુષનું પ્રતિસંવેદીપણું છે. જો એમ હોય તો પુરુષને ફક્ત બુદ્ધિ દેખાવી જોઈએ, ઘણે દૂર (બહાર) રહેલા શબ્દ વગેરે વિષયો નહીં. એના સમાધાન માટે “દશ્ય બુદ્ધિસત્ત્વોપારૂઢાઃ સર્વે ધર્મા "થી કહે છે કે ઇન્દ્રિયોની પ્રણાલિકાથી દશ્ય એવી બુદ્ધિ જયારે શબ્દ વગેરે આકારોમાં પરિણમે, ત્યારે એના શબ્દ વગેરે ધર્મો પણ દશ્ય બને છે.
પરંતુ બુદ્ધિ ભલે શબ્દો વગેરેના આકારવાળી બને, પુરુષનો બુદ્ધિ સાથે સંબંધ માનવામાં આવે તો એ પરિણામી બને અને સંબંધ ન થાય તો બુદ્ધિસત્ત્વમાં આરૂઢ થયેલા હોવા છતાં શબ્દ વગેરે દશ્ય કેવી રીતે બને ? દ્રષ્ટાસાથે અસંબંધિત દશ્ય જોવામાં આવતું નથી. આ શંકાના સમાધાન માટે “તદેત દશ્યમયસ્કાજોમણિકલ્પમ્” વગેરેથી કહે છે કે પ્રથમ પાદમાં સમજાવ્યા પ્રમાણે ચિતિ સાથે અસંબદ્ધ હોવા છતાં બુદ્ધિસત્ત્વ અત્યંત સ્વચ્છ હોવાના કારણે ચિતિના બિંબનું પોતાની અંદર ગ્રહણ કરવાથી, જાણે કે સ્વયં ચેતન બનીને શબ્દ વગેરે અનુભવે છે. અને આ કારણે શબ્દ વગેરે આકારોમાં પરિણમેલી બુદ્ધિ વડે નિવેદન કરાતા સુખ વગેરેને ભોગવતો દ્રષ્ટા સ્વામી અને અગાઉ જણાવ્યું એવું બુદ્ધિસત્ત્વ સ્વ (એનું પોતાનું) બને છે. આવું લોહચુંબક જેવું, શબ્દ વગેરે આકારવાળું બુદ્ધિ- સત્ત્વ દશિરૂપ પુરુષ સ્વામીનું સ્વ (માલિકીનું) બને છે. કેમ ? કારણ કે એ એના અનુભવરૂપ કર્મનો વિષય બન્યું છે. અનુભવરૂપ ભોગ પુરુષનું કર્મ છે, એ ક્રિયાનું વિષય બનેલું એટલે ભોગવવામાં આવી રહેલું હોવાથી એનું સ્વ બને છે.
“અન્યસ્વરૂપેણ” વગેરેથી સ્વયંપ્રકાશ બુદ્ધિસત્ત્વ અનુભવનો વિષય કેવી રીતે બને ? એ પ્રશ્નના જવાબમાં કહે છે કે જો બુદ્ધિસત્ત્વ ખરેખર ચેતન હોત તો એ સ્વયંપ્રકાશ કહેવાત. પરંતુ, એ ચૈતન્યથી અન્ય-જડ સ્વરૂપનું છે, અને ચેતન આત્માની છાયાથી ચેતન જેવું બને છે, માટે એ એના અનુભવનો વિષય બને છે.
પરંતુ જે કોઈના માટે પ્રયત્ન કરે એ એને આધીન છે, એમ કહેવાય. પણ ઉદાસીન પુરુષ માટે બુદ્ધિસત્ત્વ કોઈ પ્રયત્ન કરતું નથી, તો એ એના આધીન છે એમ શી રીતે કહેવાય ? અને આધીન ન હોય તો એનું કર્મ પણ નથી. આ શંકાના સમાધાન માટે “સ્વતંત્રમપિ પરાર્થતાપુરુષાર્થતાત્પરતંત્રમુ”થી કહે છે કે બુદ્ધિસત્ત્વ સ્વતંત્ર હોવા છતાં, પુરુષના અર્થે (ભોગમોક્ષ માટે) પ્રવૃત્ત થતું