________________
[૨૦] છું, એમ આપણા બધા પ્રત્યયો એક પ્રત્યયી “હુંમાં અભિન્નપણે ઉપસ્થિત થાય છે, એવું બની શકે નહીં. હું રૂપે સતત રહેતું અભિન્ન આત્માનું જ્ઞાન સૌનો સીધો અનુભવ છે, એ પ્રત્યક્ષ જ્ઞાનને કોઈ નકારી શકે નહીં. તેથી યોગદર્શનનો મત સાચો છે કે એક, સ્થાયી ચિત્ત પોતાના એક કે અનેક વિષયોમાં કદાપિ સ્થિર રહેતું નથી અને પ્રતિક્ષણ તે તે વિષયને ગ્રહણ કરે છે અને ત્યાગે છે. આમ નિયતપણે કોઈપણ વિષયમાં સ્થિર ન રહેતું ચિત્ત વિક્ષિપ્ત કહેવાય છે. ચિત્તના આવા વિક્ષેપ પરિણામને એક તત્ત્વના દેઢ અભ્યાસ વડે દૂર કરી, એકાગ્ર બનાવી શકાય છે. આવી એકાગ્રતા યોગ-સમાધિનો હેતુ છે.
ઈર્ષા, કઠોરતા વગેરે દોષોવાળા ચિત્તમાં સમાધિ અને એના ઉપાયોની સંપત્તિ ઉત્પન્ન થતી નથી, તેથી એમની વિરોધી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના વડે ચિત્તનો સંસ્કાર કરવો આવશ્યક છે. એનાથી ચિત્ત પ્રસન્ન બની સ્થિર થાય છે.
ચિત્તની એકાગ્રતા-સ્થિરતા માટે બીજા વૈકલ્પિક ઉપાયો કહેવામાં આવે છે. રેચક કર્યા પછી પ્રાણને બહાર યથાશક્તિ રોકવાથી ચિત્ત સ્થિર થાય છે. નાસિકાના અગ્રભાગપર એકાગ્રતા કરવાથી દિવ્ય ગંધ અનુભવાય છે, એ ગંધ પ્રવૃત્તિ છે. એ રીતે અન્ય દિવ્ય વિષયોનો અનુભવ જુદાં જુદાં સ્થાનોમાં સંયમ કરવાથી થાય છે, એને “વિષયવતી પ્રવૃત્તિ” કહે છે, જેનાથી મન સ્થિર થાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, મણિ, દીપક વગેરે પર ચિત્તને એકાગ્ર કરવાથી ઉત્પન્ન થતી પ્રવૃત્તિઓ પણ વિષયવતી કહેવાય છે. શાસ્ત્ર, અનુમાન અને આચાર્યના ઉપદેશથી આવા દિવ્ય પદાર્થોનું અસ્તિત્વ જાણી શકાય છે, છતાં પોતાની ઇન્દ્રિયથી એવા એકાદ પદાર્થને જાણવામાં ન આવે
ત્યાં સુધી એ બધું પરોક્ષ વર્ણન જેવું લાગે છે, અને મોક્ષ વગેરે સૂક્ષ્મ બાબતોમાં દઢ વિશ્વાસ થતો નથી. ગુરુના ઉપદેશમાં અવિચળ શ્રદ્ધા ઉત્પન્ન થાય એ હેતુથી જ આવા અભ્યાસનો ઉપદેશ કરવામાં આવે છે. આ રીતે દિવ્ય વિષયને પ્રત્યક્ષ કરવાથી અનિયંત્રિત વૃત્તિઓ સંયમમાં રાખી શકાય છે, અને વૃત્તિઓના સંયમના સામર્થ્યથી શ્રદ્ધા, ઉત્સાહ અને નિરંતર સભાનતા ઉત્પન્ન થતાં સમાધિ નિર્વિબે સિદ્ધ થાય છે. છાતી અને પેટના મધ્યમાં હૃદયકમળ છે, એ ભાસ્વર આકાશ જેવા ચિત્તનું સ્થાન છે. એમાં સંયમ કરવાથી વિશોક પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. તેમજ અસ્મિતામાં એકાગ્ર કરવામાં આવેલું ચિત્ત તરંગવિનાના સમુદ્ર જેવું શાન્ત, અનંત અસ્મિતામાત્રરૂપ બને છે. એ અણુ જેવા સૂક્ષ્મ આત્માને જાણીને યોગી એ હું છું એમ સ્પષ્ટ પણે જાણે છે. આ બંને પ્રવૃત્તિઓ પ્રકાશમય સત્વરૂપ હોવાથી જ્યોતિષ્મતી કહેવાય છે, જેનાથી ચિત્ત સ્થિર થાય છે.