________________
[૨૧]
વધુમાં ઉમેરતાં તેઓ લખે છેઃ “ગંભીર અને વિશાળ વિદ્યા ધરાવનારા. આપણા અદ્વિતીય વિદ્વાન્ ડૉ. સર રામકૃષ્ણ ભાંડારકર સાંખ્યશાસ્ત્રના ઇતિહાસમાં પ્રાચીન અને નવીન એવા બે યુગ માને છે, અને એમાંનો પૂર્વયુગ સેશ્વરવાદી અને ઉત્તરયુગ નિરીશ્વરવાદી હતો, એમ પોતાના ગ્રંથ “વૈષ્ણવિઝમ, શૈવિઝમ ઍન્ડ માઈનર રિલીજીયસ સિસ્ટમ્સમાં કહે છે.
બુદ્ધિનો પ્રતિસંવેદી-બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈને જાણનાર-પુરુષ ઈશ્વર જેવો શુદ્ધ અને ઉપસર્ગરહિત છે, એવું જ્ઞાન ઈશ્વરના અનુગ્રહથી થાય છે, તો એ ઉપસર્ગોઅન્તરાયો-કયા અને કેટલા છે ? એના જવાબમાં કહે છે કે વ્યાધિ, મ્યાન (અકર્મણ્યતા), સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ (વિષય સાથે સંયોગ કરવાની ચિત્તની ઝંખના), ભ્રાન્તિદર્શન, અલબ્ધભૂમિકત્વ (સમાધિભૂમિનો અલાભ) અને અનવસ્થિતત્વ (મેળવેલી ભૂમિમાં ચિત્તનું પ્રતિષ્ઠિત ન થવું), એ નવ અંતરાયો ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન કરનારા હોવાથી ઉપસર્ગ કહેવાય છે. વિક્ષેપોની સાથે દુઃખ, દૌર્મનસ્ય (ઇચ્છાનો વિઘાત થતાં ઉત્પન્ન થતો ચિત્તનો ક્ષોભ), અંગકંપન, અને શ્વાસ-પ્રશ્વાસ ઉત્પન્ન થાય છે. સમાહિત ચિત્તવાળા યોગીમાં આ બધા દોષો ઉત્પન્ન થતા નથી. શ્વાસ સમાધિના સાધનભૂત રેચકનો વિરોધી હોવાથી અને પ્રશ્વાસ પૂરકનો વિરોધી હોવાથી દોષરૂપ ગણાય છે. યોગી ઇચ્છાથી અનાયાસે શ્વાસ-પ્રશ્વાસની ગતિ રોકી કેવલ કુંભકની સ્થિતિમાં રહી શકે છે.
આ વિક્ષેપો દૂર કરવા માટે એક તત્ત્વનું અવલંબન કરતા ચિત્તનો અભ્યાસ કરવો જોઈએ. પતંજલિના આ વિધાનની સ્પષ્ટતા કરવા માટે ભાષ્યકાર કહે છે કે યોગદર્શન પ્રમાણે ચિત્ત વિભુ, એક, અનેક પદાર્થોને વિષય બનાવનારું અને મોક્ષ થાય ત્યાં સુધી રહેનારું છે. તેથી એકતના અવલંબનથી એને એકાગ્ર બનાવી શકાય છે. બૌદ્ધમતાનુયાયીઓ ક્ષણિકવાદ સ્વીકારે છે, જે એમ માને છે કે જગતના બધા પદાર્થો અને ચિત્ત પણ ક્ષણિક છે. ભાષ્યકાર આ મતનું ખંડન કરતાં કહે છે કે પ્રત્યેક પદાર્થને વિષય કરતું ચિત્ત ક્ષણિક હોય અને એક પદાર્થને પ્રગટ કરી એ જ ક્ષણે નષ્ટ થઈ જતું હોય, અર્થાત્ અન્ય પદાર્થમાં જતું જ ન હોય, તો બધું ચિત્ત એકાગ્ર જ છે, અને તેથી ચિત્તને એકાગ્ર કરવાનો ઉપદેશ અને એ માટે કરવામાં આવતો અભ્યાસ વ્યર્થ છે. વળી, એક ચિત્ત જેમાં અનુગત ન હોય એવાં ભિન્ન ભિન્ન જ્ઞાનો હોય તો એક જ્ઞાને જોયેલા પદાર્થનું સ્મરણ બીજું જ્ઞાન કેવી રીતે કરી શકે ? એક પ્રત્યયે કરેલા કર્મના ફળનો ઉપભોગ બીજો પ્રત્યય કેવી રીતે કરી શકે ? ઉપરાંત ચિત્તો એક પછી એક ઉત્પન્ન થતાં જુદાં જુદાં હોય તો જેને મેં જોયું હતું એને જ સ્પર્શ ૬. એજન, પૃ. ૪૧૭