________________
પા. ૨ સૂ. ૧૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૮૫
સંસાર રચે છે, એ હેતુને કહે છે. “સંયોગસ્ય આત્યંતિકી નિવૃત્તિઃ” વગેરેથી (પ્રધાન અને પુરુષના) સંયોગની નિવૃત્તિરૂપ મોક્ષના સ્વરૂપને કહે છે. “હાનોપાયઃ સમ્યગ્દર્શનમ્’થી મોક્ષનો ઉપાય (સમ્યક્ દર્શન) કહે છે.
કેટલાક લોકો (બૌદ્ધો) દુઃખ ત્યાગનારના સ્વરૂપના વિનાશને જ મોક્ષ કહે છે. જેમ તેઓએ કહ્યું છે : “દીવો ઓલવાય એમ શુદ્ધ થયા પછી તારું નિર્વાણ થાય એ તારો વિમોક્ષ છે.” બીજાઓ વાસનાઓ સાથે ક્લેશના નાશથી વિશુદ્ધ વિજ્ઞાન ઉત્પન્ન થાય એને જ મોક્ષ કહે છે. “તત્ર...” વગેરેથી એમને જવાબ આપે છે. “હાને તસ્ય...” વગેરેથી સૌ પહેલાં ત્યાગનારના સ્વરૂપવિનાશમાં દોષ બતાવે છે. કોઈ પણ બુદ્ધિમાન્ માણસ પોતાના વિનાશ માટે પ્રયત્ન કરે નહીં. પણ ખરાબ રોગથી જેઓનું બધું સુખ નાશ પામ્યું છે, અને કેવળ દુઃખરૂપ શરીરને જ ધારણ કરે છે, તેઓ પોતાના નાશ માટે પ્રયત્ન કરતા જોવામાં આવે છે. વાત સાચી છે. પણ એવા લોકો ઘણા ઓછા હોય છે. વિવિધ પ્રકારના ઉત્તમ દેવો વગેરેના આનંદનો ઉપભોગ કરનારા સંસારીઓ એવા હોતા નથી. છતાં તેઓ મોક્ષ ઇચ્છતા અને પામતા જોવામાં આવે છે. માટે પુરુષાર્થ રૂપ ન હોવાથી ત્યાગનારના સ્વરૂપનો વિનાશ મોક્ષ છે, એ મત સ્વીકારવા યોગ્ય નથી. તો પછી ત્યાગનારનું સ્વરૂપ સ્વીકાર્ય છે એમ માનવું જોઈએ. એના જવાબમાં “ઉપાદાને ચ હેતુવાદઃ” થી કહે છે કે ત્યાગનાર આત્મા ઉપાદેય (સ્વીકાર્ય) છે, એમ માનીએ તો એ આત્મા કોઈ બીજા કારણથી ઉત્પન્ન થયો છે, એવા હેતુવાદનો પ્રસંગ થશે અને આત્મા કાર્યરૂપ હોય તો અનિત્ય છે એમ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે, અને તો પછી મોક્ષપણું જ સિદ્ધ નહીં થાય. કારણ કે અમૃતત્વ મોક્ષ છે. વિશુદ્ધ વિજ્ઞાનનો પ્રવાહ પણ અમૃત નથી. સંતાનીઓ(અવયવો)થી ભિન્ન સસ્તુરૂપ સંતાનનો અભાવ છે, અને સંતાનીઓ અનિત્ય છે. આ .કારણે એવો પ્રયત્ન કરવો જોઈએ જેથી શાશ્વતવાદ (આત્મા નિત્ય છે એવો વાદ) સિદ્ધ થાય. “ઉભયપ્રત્યાખ્યાને ચ'... વગેરેથી કહે છે કે એ બંને મતોનું ખંડન કરવાથી મોક્ષની પુરુષાર્થતા સિદ્ધ થાય છે. તેથી આત્માનું સ્વરૂપમાં અવસ્થાન જ મોક્ષ છે, એમ પ્રતિપાદન કરતું આ યોગદર્શન જ સમ્યક્ દર્શન છે. ૧૫
हेयं दुःखमनागतम् ॥१६॥