________________
[૬]
હોય તો એનો આગમ નિષ્ફળ હોય છે. પરંતુ મૂળ વક્તાએ જોયો કે અનુમાનથી જાણ્યો પણ હોય તો એ આગમ સફળ હોય છે. મનુ વગેરેના સ્મૃતિ ગ્રંથો વેદ પર આધારિત છે અને વેદમાં વર્ણવેલ વિષયો ઈશ્વરે કે મૂળ વક્તાએ જોયેલા છે, માટે એ બધા પ્રમાણભૂત ગણાય છે.
પદાર્થોના સ્વરૂપનું નિરૂપણ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. અનુમાન વડે પણ મનુષ્યબુદ્ધિ એમને જાણી શકે છે, પરંતુ શબ્દ અને અનુમાન પ્રમાણ વસ્તુઓના સામાન્ય ધર્મનું જ જ્ઞાન આપી શકે છે, કારણ કે શબ્દનો સંકેત વિશેષ માટે કરેલો નથી. એમના વિશેષો પ્રત્યક્ષથી જ જાણી શકાય છે. ચિત્તની ભૂમિકાઓ તન્માત્રાઓ અને મોક્ષ વગેરે સૂક્ષ્મ વિષયો શાસથી કે આપ્ત પુરુષ-ગુરુના ઉપદેશથ જાણી શકાય છે, પરંતુ એમના વિશેષો ફક્ત યોગ પ્રત્યક્ષથી જાણી શકાય છે. આવી સૂક્ષ્મ બાબતોનો એક અંશ પણ આમ કોઈ જાણે, તો શાસ્ત્રની બધી વાતોમાં વિશ્વાસ ઉત્પન્ન થતાં એ દઢતાપૂર્વક મોક્ષમાર્ગનું અનુસરણ કરતો થાય છે.
- વિપર્યય એટલે પદાર્થના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત ન હોય એવું મિથ્યાજ્ઞાન અને વસ્તુના અભાવમાં પણ ફક્ત શબ્દજ્ઞાનથી ઉત્પન્ન થતી વૃત્તિ વિકલ્પ છે. અભાવના કારણરૂપ તમનું અવલંબન કરતી વૃત્તિ નિદ્રા છે, તેમજ અગાઉ અનુભવેલો વિષય ચિત્તમાં ફરીથી ઉત્પન્ન થાય એ સ્મૃતિ છે.
ગાઢ નિદ્રામાં કશું જ્ઞાન હોતું નથી એવી સાધારણ માન્યતા બરાબર નથી, કારણ કે જાગ્યા પછી સુખપૂર્વક સૂતા હોવાની સ્મૃતિ ઉત્પન્ન થાય છે, એ અનુભવ વિના થઈ શકે નહીં. માટે નિદ્રા પણ અભાવજ્ઞાનને અવલંબતી વૃત્તિ છે, અને એનો પણ સમાધિ માટે નિરોધ કરવો આવશ્યક છે. અગાઉની બધી વૃત્તિઓના અનુભવોના પરિણામે ઉત્પન્ન થતી હોવાથી સ્મૃતિને છેવટે મૂકી છે. આ બધી વૃત્તિઓ સુખ, દુઃખ, મોહાત્મક હોવાથી ક્લેશરૂપ છે, માટે એમનો વિરોધ કરવો જોઈએ. નિરોધ સિદ્ધ થતાં સંપ્રજ્ઞાત કે અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે.
અભ્યાસ અને વૈરાગ્યથી એમનો નિરોધ થાય છે, એમ કહી પતંજલિ નિરોધનો ઉપાય દર્શાવે છે. આનો ગૂઢ અર્થ પ્રગટ કરતાં ભાષ્યકાર કહે છે કે ચિત્તનદી કલ્યાણ તરફ અને પાપતરફ, એમ બંને બાજુ વહે છે. વિવેકતરફ વહીને કૈવલ્યનો પ્રબંધ કરે એ કલ્યાણ કરનાર ચિત્તપ્રવાહ છે. અને અવિવેક તરફ વહીને સંસારનો પ્રબંધ કરે એ પાપરૂપ ચિત્તપ્રવાહ છે. વૈરાગ્યથી વિષય તરફનો પ્રવાહ રોકવામાં આવે છે, અને વિવેકખ્યાતિ પ્રાપ્ત કરવા માટેના અભ્યાસથી વિવેકનો પ્રવાહ ઉઘાડવામાં આવે છે. ચિત્તવૃત્તિઓનો નિરોધ આ બંનેનો આશ્રય લેવાથી જ સિદ્ધ થાય છે. આ વિષે વિજ્ઞાનભિક્ષુ કહે છે :