________________
પા. ૨ સૂ. ૨]
વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૩૫
સમાહિતપણું એટલે વિક્ષિપ્તપણાનો અભાવ. વ્યસ્થિતચિત્તવાળો પણ કેવી રીતે ઉપદેશવામાં આવનાર ઉપાયોથી જોડાઈને યોગી બને, એ હેતુથી આ બીજો પાદ આરંભાય છે, એવો અર્થ છે. કહેવાનાર નિયમોમાંથી ચૂંટી કાઢીને તરત ઉપયોગી બને એવા પ્રાથમિક ઉપાય તરીકે સૌ પ્રથમ સૂત્રકાર ક્રિયાયોગ ઉપદેશે છે, “તપઃ સ્વાધ્યાય...” વગેરે સૂત્રથી. યોગસાધન હોવાથી ક્રિયા જ યોગ છે, તેથી એને ક્રિયાયોગ કહે છે. આ કારણે વિષ્ણુપુરાણમાં ખાંડિકય અને કેશિધ્વજના સંવાદમાં કહ્યું છે :- “પહેલીવાર યોગાભ્યાસમાં જોડાનારો યોગી મુંજમાન કહેવાય છે.” એમ આરંભ કરીને તપ, સ્વાધ્યાય વગેરે દર્શાવ્યા છે.
નકારાત્મક રીતે તપનું ઉપાયપણું “નાતપસ્વિનઃ...” વગેરેથી કહે છે. “અનાદિ કર્મક્લેશવાસનાચિત્રા...' વગેરેથી ઉપાય તરીકે ઉપયોગી તપનું અવાન્તર (ગૌણ) કાર્ય દર્શાવે છે. અનાદિ કર્મો અને ક્લેશવાસનાઓથી વિચિત્ર અને તેથી વિષયજાળને નિરંતર હાજર રાખે એવી અશુદ્ધિ છે. રજ-તમના ઊભરારૂપ અશુદ્ધિ તપ વિના તૂટતી નથી. ઘન પદાર્થના અવયવોને તદ્દન છૂટા પાડવા એ સંભેદ છે.
તપનું અનુષ્ઠાન કરવામાં આવે તો પણ એ ધાતુઓમાં વિષમતા ઉત્પન્ન થવાનો હેતુ હોવાથી યોગનો વિરોધી છે. તેથી એ એનો ઉપાય કેવી રીતે કહેવાય ? એના જવાબમાં “તચ્ચ ચિત્તપ્રસાદનમબાધમાનમ્' વગેરેથી કહે છે કે એટલી માત્રામાં જ તપશ્ચર્યા કરવી જેથી ધાતુવૈષમ્ય ન થાય.
પ્રણવ વગેરેથી પુરુષસૂક્ત, રુદ્રપાઠ, મંડલબ્રાહ્મણ વગેરે વૈદિક અને બ્રહ્મપારાયણ વગેરે પૌરાણિક સ્તોત્રો સમજવાં. પરમગુરુ ભગવાન મહેશ્વર છે, એને બધાં કર્મ અર્પવાં. આ વિષે કહ્યું છે :- “ઇચ્છાથી કે અનિચ્છાથી જે કાંઈ શુભ કે અશુભ કર્મ કરું છું, એ બધું આપને સમર્પિત કર્યું. આપની પ્રેરણાથી હું કર્મ કરું છું.” અથવા એના ફળનો સંન્યાસ (ત્યાગ) કે ફળનું અનુસંધાન કર્યા વિના કાર્ય કરવું. આ વિષે કહ્યું છે :- “તારો અધિકાર કર્મ કરવા પૂરતો જ છે, ફળમાં ક્યારે પણ નહીં. ફળના હેતુ માટે કર્મ કરનાર ન બન, અને કર્મ ન કરવામાં પણ આસક્ત ન થા.” (ભ.ગી. ૨.૪૭)
स हि क्रियायोगः એ ક્રિયાયોગ
समाधिभावनार्थः क्लेशतनूकरणार्थश्च ॥२॥
સમાધિભાવના માટે અને ક્લેશો ક્ષીણ કરવા માટે છે. ૨
-