________________
પા. ૧ સૂ. ૫૦] વ્યાસરચિ ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૧૨૫
હોવાથી શબ્દનો સંકેત વિશેષ વિષે હોતો નથી. તેમજ શબ્દનો વિશેષ સાથે વાચ્યવાચક સંબંધ નથી. વાક્યર્થમાં પણ આવો વિશેષ સંભવતો નથી. ચિન્હ અને ચિન્હવાળાના સંબંધના જ્ઞાનથી ઉત્પન્ન થતા અનુમાનની પણ આવી જ ગતિ છે, એમ “તથાનુમાનમ્...” વગેરેથી કહે છે. “યત્ર પ્રાપ્તિ..” વગેરેમાં યત્ર અને તત્ર શબ્દનું સ્થાન બદલીને વ્યાપ્ય-વ્યાપકભાવ સમજવો જોઈએ. તેથી અનુમાન પણ સામાન્યમાં જ સમાપ્ત થાય છે “તસ્માત..” વગેરેથી ઉપસંહાર કરતાં કહે છે કે આ કારણે શ્રુત અને અનુમાન વિશેષ વિષયક બની શકતા નથી.
તો પછી સંબંધ ગ્રહણની અપેક્ષા વિનાનું લોકપ્રત્યક્ષ વિશેષવિષયક બની શકે, કારણ કે એ સામાન્યવિષયક નથી. એના જવાબમાં “ન ચાસ્ય..” વગેરેથી કહે છે કે લોકપ્રત્યક્ષ ભલે સંબંધગ્રહણને આધીન ન હોય, છતાં ઇન્દ્રિયાધીન તો છે જ. અને ઇન્દ્રિયોની આમાં વિશેષ ગ્રહણમાં) યોગ્યતા નથી, એવો અર્થ છે.
જો વિશેષ આગમ, અનુમાન અને પ્રત્યક્ષગોચર ન હોય, તો એ પ્રમાણના અભાવના કારણે છે જ નહીં. આના જવાબમાં “ન ચાસ વિશેષસ્ય...” વગેરેથી કહે છે કે પ્રમાણ પ્રમેયનું કારણ નથી, તેમજ એની સાથે વ્યાપક નથી, જેથી એ (પ્રમાણ) નિવૃત્ત થતાં પ્રમેય પણ નિવૃત્ત થાય. પ્રામાણિક લોકો ચંદ્રની કળા જોઈને, એના બીજા (ન દેખાતા) ભાગમાં રહેલા હરણના અસ્તિત્વ વિષે સંદેહ કરતા નથી. માટે એ (વિશેષ) સમાધિપ્રજ્ઞા વડે જ ગ્રહણ કરાય એવો છે. અહીં ચર્ચાનો વિષય બનેલા પરમાણુઓ અને આત્માઓ (જીવો) દ્રવ્યરૂપ અને પરસ્પર ભિન્ન હોવાથી, પોતપોતાની ખાસ (સ્વતંત્ર) વિશેષતાવાળા છે. તેથી આવો અનુમાનનો પ્રયોગ થાય કે જે દ્રવ્યો હોય અને પરસ્પર ભિન્ન હોય, એ પોતપોતાની સ્વતંત્ર ખાસિયતવાળા હોય છે. દાખલા તરીકે ખાંડ અને મુંડન કરાવેલો યતિ વગેરે જુદા જુદા છે. આવા અનુમાનથી અને ઋતંભરા પ્રજ્ઞાનો ઉપદેશ કરતા આગમથી જો કે વિશેષનું નિરૂપણ થાય છે. જો આ રીતે એનું નિરૂપણ ન થાય, તો ન્યાયપ્રાપ્ત (સાધારણ બુદ્ધિથી એને સમજવા જતાં) સંશય થાય એ સ્વાભાવિક છે. છતાં શ્રુત અને અનુમાનજ્ઞાન દૂરથી પણ ઝાંખી ઝાંખી એના અસ્તિત્વની પ્રતીતિ ગમે તે રીતે કરાવે છે, પરંતુ આવી પ્રતીતિ સાક્ષાત્ પદાર્થનું પ્રત્યક્ષ કરીને, કે ચિન્હ અને સંખ્યાના સહયોગથી મેળવાતા અનુમાન જ્ઞાન કે ગણિતજ્ઞાન જેટલી સ્પષ્ટ હોતી નથી. માટે સમાધિ પ્રજ્ઞા શ્રુત અને અનુમાન પ્રજ્ઞાથી ભિન્ન વિષયવાળી છે, એમ સિદ્ધ થયું. ૪૯
समाधिप्रज्ञाप्रतिलम्भे योगिनः प्रज्ञाकृतः संस्कारो नवो नवो जायते