________________
૮૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૩૨
કે અનેક પદાર્થ માટે પ્રત્યેકને વિષય કરતું, એ વિષયને પ્રગટ કરવા માટે એ જ ક્ષણે ઉત્પન્ન થતું, અને તરત જ સમાપ્ત થતું, અન્ય પદાર્થમાં ન જતું ચિત્ત છે, એને માટે બધું ચિત્ત એકાગ્ર જ છે. એક પદાર્થનું ગ્રહણ કરીને, પછી ચિત્ત બીજા પદાર્થનું ગ્રહણ કેમ કરતું નથી? એના જવાબમાં કહે છે કે એ ક્ષણિક છે માટે. ક્ષણ અભેદ્ય (અવિભાજય) છે, તેથી એમાં પહેલાં અને પછી એવા વિભાજનના ભાવનો અભાવ છે, એવો ભાવ છે.“યદિ પુનરિદં સર્વતઃ પ્રત્યાહત્યેકસ્મિન્તર્થે સમાધીયતે..” વગેરેથી કહે છે કે અમારા મત પ્રમાણે અક્ષણિક (સ્થાયી) ચિત્ત પોતાના એક કે અનેક વિષયોમાં કદાપિ સ્થિર ન રહેતું હોવાથી, પ્રતિક્ષણ તે તે વિષયને ગ્રહણ કરે છે અને ત્યાગે છે. આ કારણે કોઈ વિષયમાં નિયતપણે ન ટકતું હોવાથી વિક્ષિપ્ત કહેવાય છે. તેથી ચિત્તના આવા વિક્ષેપ પરિણામને દૂર કરી, એને એકાગ્ર બનાવી શકાય છે. આ પ્રમાણે એકાગ્રતા રૂપ યોગનો ઉપદેશ અને તદનુસાર પ્રવૃત્તિ (અનુષ્ઠાન) નિરર્થક નથી. “અતઃ ન પ્રત્યર્થનિયતમ્” કહીને ઉપસંહાર કરે છે કે પ્રત્યેક પદાર્થ માટે નિયત જુદાં જુદાં ચિત્ત નથી.
(વિષયને વધુ સ્પષ્ટ કરવાના આશયથી ફરીથી) “યોડપિ...” વગેરેથી વૈનાશિક મત ઉઠાવે છે : - ભલે એક અને ક્ષણિક ચિત્તમાં એકાગ્રતા લાવવાનો પ્રયત્ન થઈ શકે નહીં, પણ અનાદિકાળથી ચાલ્યા આવતાં અક્ષણિક (સ્થાયી) ચિત્તસંતાન (એક પછી એક ઉત્પન્ન થતાં ચિત્તોની પરંપરા) જો અમે સ્વીકારીએ તો | વિક્ષેપ દૂર કરીને, એકાગ્રતા સાધી શકાશે, એવો અર્થ છે. આ વિકલ્પમાં પણ દોષ બતાવે છે, “તસ્ય...” વગેરેથી. આ દર્શનમાં પ્રવાહરૂપ ચિત્તની એકાગ્રતા થાય છે કે પછી ચિત્તના સંતાન (એક અંશ)નો એ ધર્મ છે ? તમારા મતમાં ક્રમશઃ ઉત્પન્ન થતા પ્રત્યયોમાં અનુગત પ્રવાહચિત્ત તો છે નહીં. કેમ? કારણ કે જે કોઈ રૂપનું ચિત્ત હોય એ ક્ષણિક છે, અક્ષણિક (સ્થાયી) ચિત્તનો અભાવ છે, એવું તમારું દર્શન કહે છે. “અ”.. વગેરેથી બીજા વિકલ્પ વિષે ચર્ચા કરે છે : - સંવૃત્તિસત્ય એવા ચિત્તપ્રવાહનો અંશભૂત જે પ્રત્યય છે એ પારમાર્થિક સત્ય છે, એ પ્રત્યયનો એકાગ્ર થવાનો, યત્નસાધ્ય ધર્મ છે. એમાં “સ સર્વ..” વગેરેથી દોષ દર્શાવે છે - તમે જે સાંવૃતિક સત્યરૂપ પ્રવાહ કહો છો, એ સમાન પ્રત્યયોનો પ્રવાહ છે કે અસમાન પ્રત્યયોનો પ્રવાહ છે? બંને પક્ષે પારમાર્થિક સત્યરૂપવાળો અંશ પ્રત્યેક પદાર્થ માટે જુદો જુદો નિયત હોવાથી, જ્યાં સુધી પદાર્થને પ્રકાશિત કરે ત્યાં સુધી ઉત્પન્ન થઈને ટકે છે, અને તરત જ સમાપ્ત થતો હોવાથી એકાગ્ર જ છે. આમ વિક્ષિપ્ત ચિત્તપણે તમે યુક્તિથી દર્શાવી શકતા નથી, જેને દૂર કરીને, એકાગ્રતા સાધી શકાય. “તસ્માદકમ્...” વગેરેથી ઉપસંહાર કરતાં કહે છે કે આ કારણે ચિત્ત એક, અનેક પદાર્થોને વિષય કરનારું અને અવસ્થિત (સ્થાયી) છે.