________________
૨. વિસભાગ ક્ષણસન્તતિ (વિજાતીય વિજ્ઞાનધારા).
પ્રથમ ક્ષણના ઘટમાંથી ઉત્તરોત્તર ઘટ-ઘટ-ઘટ એવી ધારા ચાલવી તે સભાગક્ષણસંતતિ અને ઘટ ફૂટી જતાં કપાલ કે ઠીકરાંની ક્ષણની ધારા ચાલવી તે બીજી વિસભાગ-ક્ષણસંતતિ કહેવાય. ટૂંકમાં જ્યાં સુધી વસ્તુ એક જ રૂપે દેખાય ત્યાં સુધી તેની સભાગ-ક્ષણસંતતિ કહેવાય અને તેમાં રૂપાન્તર થાય ત્યારે વિસભાગ-ક્ષણસંતતિ કહેવાય.
મુક્તાવલીકા૨ે બૌદ્ધમતનું પ્રતિપાદન કરતાં તેમના તરફથી કહ્યું કે વિજ્ઞાનરૂપ આત્મા ક્ષણિક છે માટે તેનો નાશ થતાં તેની સાથે જ સંસ્કારોનો પણ નાશ થવાથી સ્મરણની અનુપપત્તિ નહિ આવે, કેમકે પૂર્વપૂર્વનું વિજ્ઞાન ઉત્તરોત્તર વિજ્ઞાનમાં સંસ્કારોને મૂકતું જાય છે.
બૌદ્ધના આ પ્રતિપાદનની સામે એ પ્રશ્ન ઊઠે છે કે આમ થતાં તો સંસ્કાર ક્ષણિક ન રહ્યા પરંતુ ઘણાં વિજ્ઞાનોમાં પસાર થતાં તેઓ સ્થિર બની ગયા. તેથી સર્વ ક્ષાિમ્ એ સિદ્ધાંતનો વ્યાઘાત થઈ જશે. આની સામે બૌદ્ધો એમ કહે છે કે પૂર્વપૂર્વ વિજ્ઞાનના સંસ્કારો પોતે જ ઉત્તરોત્તર વિજ્ઞાનમાં જતા નથી, તે સંસ્કારો તો નાશ પામી જાય છે પરંતુ પૂર્વપૂર્વનું વિજ્ઞાન ઉત્તરોત્તર વિજ્ઞાનમાં સજાતીય નવા સંસ્કારોને ઉત્પન્ન કરી દે છે. જ્યારે જે સંસ્કારને ઉદ્બોધક મળે ત્યારે તે સંસ્કારથી ઉત્તરક્ષણમાં સ્મરણાત્મક વિજ્ઞાન ઉત્પન્ન થાય અને જે ક્ષણોમાં ઉદ્બોધક ન મળે તે ક્ષણોમાં ઉત્પન્ન થયેલા સંસ્કારો કાંઈ કર્યા વિના નાશ પામી જાય છે.
આની સામે અનંત સંસ્કારોની વારંવાર ઉત્પત્તિ, નાશની કલ્પનામાં ગૌરવ દોષ આવ્યો ત્યારે બૌદ્ધો કહે છે કે ભલે પૂર્વપૂર્વનું દરેક વિજ્ઞાન ઉત્તરોત્તરના દરેક વિજ્ઞાનમાં સંસ્કાર ઉત્પન્ન ન કરે. માત્ર જે ક્ષણે સ્મરણ-વિજ્ઞાન ઉત્પન્ન થવાનું હોય તેની પૂર્વક્ષણમાં જ સંસ્કાર ઉત્પન્ન થાય એમ અમે કહીશું.
નૈયાયિકો : જો આમ કહો તો પહેલી ક્ષણે સંસ્કાર ઉત્પન્ન થયા પછી અનેક ક્ષણો સંસ્કાર વિનાની ગઈ અને સ્મરણની પૂર્વક્ષણે ફરી સંસ્કારો ઉત્પન્ન થયા. તે શી રીતે બને ? વચ્ચે કડી તો તૂટી ગઈ ?
બૌદ્ધો : અમે એમ કહીશું કે સંસ્કાર ક્ષણની પૂર્વક્ષણે જે વિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેમાં એક ‘કુર્વવ્રૂપત્વ’ નામનો એવો ધર્મ છે કે જે ઉત્તરવિજ્ઞાનને સંસ્કારસહિત ઉત્પન્ન કરે. વળી એ સંસ્કારસહિત વિજ્ઞાનમાં પણ એવો વિલક્ષણ ‘કુર્વદ્નપત્વ’ ધર્મ ઉત્પન્ન થાય છે કે જે ઉત્તરક્ષણે સ્મરણાત્મક વિજ્ઞાન ઉત્પન્ન કરે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૮૨)