________________
સાગર જોયો તો છે ને ? લાખો નદીઓને પોતાનામાં સમાવ્યા પછી ય એ કાયમ અતૃપ્ત જ રહે છે. બારે ય માસ પોતાના પેટમાં નદીઓને સમાવવા એ તૈયાર પણ હોય છે અને તત્પર પણ હોય છે.
પેલું સ્મશાન ? લાખો મડદાંઓના અગ્નિસંસ્કાર કરી દીધા પછી ય એને ધરપત હોતી નથી. બીજાં સંખ્યાબંધ મડદાંઓને ફૂંકી નાખવા ય એ તૈયાર પણ હોય છે અને સક્ષમ પણ હોય છે.
પેલો દાવાનળ ? વનોનાં વનો અને ઝૂંપડાંઓનાં ઝૂંપડાંઓને સ્વાહા કરી નાખ્યા પછી ય એ સતત આગળ ને આગળ વધતો રહીને બીજાં અગણિત વનોને સ્વાહા કરી
નાખવા એ ઘૂરકતો જ હોય છે.
પણ,
સાગર, સ્મશાન અને દાવાનળને ય જેની પાસે હાર કબૂલી લેવી પડે એવું કોઈ એક વિકરાળ પરિબળ હોય તો એ છે લોભ ! ગમે તેટલું એને મળે છે, બધું ય એને ઓછું જ લાગતું હોય છે. સંપત્તિ જ એને ઓછી લાગતી હોય છે એવું નથી, સત્તાનું વિશાળ સામ્રાજ્ય પણ એને નાનું જ લાગતું હોય છે. સ્ત્રીઓ જ એને ઓછી લાગતી હોય છે એવું નથી, પ્રશંસાના શબ્દો પણ એને ઓછા જ લાગતા હોય છે. ભરપૂર સન્માન પણ એને મામૂલી જ લાગતું હોય છે એવું નથી, ભરપૂર કીર્તિ અને ખ્યાતિ પણ એને ઓછી જ લાગતી હોય છે.
કોઈ માઈનો લાલ આ ધરતી પર એવો પાક્યો નથી કે જે લોભના - તળિયા વિનાના – ખપ્પરને પૂરવામાં સફળ થયો હોય. હા. એક વિકલ્પ જરૂર છે. જમીન પરનો ખાડો માટીથી પુરાઈ જાય છે, પેટનો ખાડો ભોજનનાં દ્રવ્યોથી પુરાઈ જાય છે પરંતુ લોભના ખાડાને જો અધૂરો જ છોડી દેવામાં આવે છે અર્થાત્ લોભ જે કાંઈ માગે છે એની જો ઉપેક્ષા કરવામાં આવે છે તો એ ખાડો આપોઆપ જ પુરાઈ જાય છે.
બાકી, માનતુંગ કાંઈ કુંવારો નહોતો કે જેના કારણે એણે મુગ્ધ વયની પોતાની પુત્રી સમાન માનવતી સાથે લગ્ન કરવા માટે પોતાના મંત્રીને ધનદત્ત પાસે મોકલવો પડે અને ધમકીની ભાષામાં વાત કરવા ય મંત્રીને છૂટ આપી દેવી પડે પણ લોભ કોનું નામ ? ગરજે એ ઝૂકવા પણ તૈયાર થઈ જાય અને ગરજે એ ઘુરકવા ય તૈયાર થઈ જાય. ગરજે એ ભિખારીને ‘બાપ’ કહેવા ય તૈયાર થઈ જાય અને ગરજે સગા બાપને એ જેલમાં ધકેલી દેવા ય તૈયાર થઈ જાય.
૧૯
મંત્રી સુબુદ્ધિએ મૂકેલ માગણીના શબ્દો સાંભળીને ધનદત્ત તો અવાક્ જ થઈ ગયો. ‘આ નગરીનો રાજા મારી દીકરીને પોતાની પત્ની બનાવવા માગે છે? ક્યાં આ નગરનો એ રાજવી અને ક્યાં આ નગરનો હું વેપારી ? શું મારી દીકરી એને ત્યાં સુખમાં રહેશે ખરી? આ માગણીનો અસ્વીકાર કરી દઉં છું, તો રાજવી મને સુખેથી રહેવા દેશે ખરો ?’ ઘનદત્તને વિચારોમાં અટવાયેલા જોઈને સુબુદ્ધિએ પૂછી લીધું, ‘બોલો શેઠ, શું જવાબ આપો છો ?'
‘જવાબ બીજો તો શો આપવાનો હોય ?' “એટલે ?’
‘એટલે બીજું કાંઈ નહીં. તમે જે માગણી મૂકી છે એ મને સ્વીકાર્ય છે. આમે ય માનવતીને મારે ક્યાંક તો વળાવવાની છે જ ને ? જ્યારે રાજવી માનતુંગ જ એનો હાથ પકડવા તૈયાર થઈ ગયા છે ત્યારે હવે મારે બીજે ક્યાંય નજર દોડાવવાની રહે છે જ ક્યાં ? આપ ખુશીથી રાજા પાસે જઈને આ સમાચાર આપી દો. અને સાથે કહેજો કે આપ જે મૂહુર્ત નક્કી કરશો એ મૂહુર્તે હું માનવતીને વળાવવા તૈયાર રહીશ.’ ધનદત્તે સુબુદ્ધિને જવાબ આપી દીધો.
આમે ય ધનદત્ત પાસે આ જવાબ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ક્યાં હતો ? કારણ ? માનવતીની માગણી મૂકનાર રાજા ખુદ હતો. સત્તા એની પાસે હતી. રાજીખુશીથી માગણી ન સ્વીકારાય તો સત્તાના જોરે એ માનવતીને પોતાની પત્ની બનાવી દે એવી પૂરેપૂરી શક્યતા હતી. આમ થાય તો જીવનભર માટે પોતાના અને રાજાના સંબંધ બગડેલા જ રહે એમાં કોઈ શંકા નહોતી. આવા તમામ અપાયોથી ઊગરી જવા ધનદત્તે રાજા માટે મંત્રીએ માનવતી માટેની મૂકેલી માગણી સ્વીકારી લીધી.
‘શેઠ, મારી માગણી સ્વીકારી લેવા બદલ હું આપનો ખૂબ આભાર માનું છું' મંત્રીએ કહ્યું.
‘આપ મારો આભાર શું માનો ? આભાર તો હું આપનો માનું છું કે રાજા જેવો રાજા, મને જમાઈ તરીકે મળે તેમ છે એ શુભ સમાચાર આપવા આપ ખુદ મારા ઘરને આંગણે પધાર્યા' ધનદત્તે મંત્રીને કહ્યું.
‘આ સંબંધમાં માનવતીની,’
‘એ અત્યંત સંસ્કારી છે. ધર્મનાં રહસ્યો એ સમજેલી છે. પિતાના હૈયે પુત્રીનું હિત
જ હોવાની અને પાકી સમજણ છે અને એટલે જ હું તમને એ કહેવાની હિંમત કરું છું કે
૨૦