________________
મહાવિદેહ ક્ષેત્રની રૂપરેખા જ્યાં ભગવાન શ્રી સીમંધર સ્વામી વિચરે છે, એ મહાવિદેહ ક્ષેત્ર શું છે ? ક્યાં આવેલું છે ? કેવું છે ? ત્યાં મનુષ્યો છે ખરાં ? છે તો કેવાં છે ? અજાણ્યાના મનમાં આવાં અનેક પ્રશ્નો ઉદ્ભવે, તે સ્વાભાવિક છે.
આ બ્રહ્માંડમાં કુલ પંદર ક્ષેત્રો છે. જ્યાં માનવ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે, સજ્જનો છે, દુર્જનો છે, રાજા છે, પ્રજા છે, ઘર-બાર બધું જ છે. મનુષ્યોની ઊંચાઈ, પહોળાઈ તથા આયુષ્ય વગેરેમાં નોંધનીય ફરક છે. આ પંદર ક્ષેત્રમાંથી પાંચ ભરત ક્ષેત્રોમાં તથા પાંચ ઐરાવત ક્ષેત્રોમાં તીર્થકરોની પ્રગટ હાજરી નથી. પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં કુલ વીસ તીર્થંકરો વિચરી કરોડો શુદ્ધાત્માઓને પરમપદની પ્રાપ્તિ કરાવી, આ સંસારના સમસરણ માર્ગની ભયંકર ભટકામણમાંથી મુક્ત કરી શાશ્વત મોક્ષના અધિકારી બનાવે છે. આ વીસ તીર્થંકારોમાં સીમંધર સ્વામી પ્રભુ એક તીર્થંકર છે. ભરત ક્ષેત્રમાં અત્યારે પાંચમો આરો ચાલે છે, જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચોથો આરો હોવાથી એ ભૂમિ તીર્થંકરવિહોણી હોતી જ નથી.
ક્ષેત્ર ફેરફાર શી રીતે થાય ? વર્તમાને વીસ વિહરમાન તીર્થકરો પૈકી શ્રી સીમંધર સ્વામીની જ ભક્તિ શા માટે ? અન્યની કેમ નહિ ? મોક્ષ પ્રદાન કરવાની કરુણા સર્વે તીર્થકરોની સરખી જ છે, છતાં જ્ઞાની પુરુષો શ્રી સીમંધર સ્વામીની જ આરાધના કરવાનું કેમ પ્રરૂપે છે ? શ્રી સીમંધર સ્વામીને આપણા ભરત ક્ષેત્રની સાથે વિશેષ ઋણાનુબંધ છે. આ કારણે આપણું કામ સરળતાથી સરે એટલે કે આ ભવનું આયુષ્ય પૂરું થતાં જ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીના ચરણોમાં સ્થાન મળે.
કલ્યાણ મૂર્તિ પૂજ્ય દાદાશ્રી ભરત ક્ષેત્રમાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જવાનો નિયમ સમજાવતા કહે છે, “જે આરાના જીવનો સ્વભાવ થાય, ત્યાં જીવ નિયમથી જ ખેંચાઈ જાય.’ અત્યારે ભરતક્ષેત્રમાં પાંચમો આરો ચાલે છે. પણ જો કોઈ પુણ્યાત્માને એવો કોઈ ક્ષયોપશમનો યોગ કે જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ થઈ જાય કે જેથી કરીને તેના સ્વભાવમાં ફેરફાર થઈ જાય. દરેક કર્મોદયનો સમતાભાવે નિકાલ કરી નાખે, રાગ-દ્વેષ કરે નહિ, કોઈની સાથે કિંચિત્માત્ર વેર ના બાંધે, કોઈને કિંચિત્માત્ર દુઃખ ના દે કે કોઈને કિંચિત્માત્ર દુઃખ નહિ દેવાનો નિરંતર ભાવ વર્તાતો
હોય, કોઈ કિસ્સામાં વર્તનથી દુઃખ દેવાઈ જાય તો તેનું તુરત જ પ્રતિક્રમણ કરી લે, તો તે જીવ ચોથા આરામાં જન્મ લેવાનો લાયક થયો ગણાય. મહાવિદેહ ક્ષેત્રમાં નિરંતર ચોથો આરો જ હોય છે. આપણું શ્રી સીમંધર સ્વામી પ્રત્યે ગજબનું આકર્ષણ થવું, રાત-દિવસ તેમનાં ભક્તિકીર્તન શરૂ થઈ જવાં વગેરે એ વાતનો સૂચક છે કે આ જીવ તેમની જોડે ઋણાનુબંધ બાંધી તેની પાસે પહોંચી જવાનો છે. આ બધું નિયમથી બને છે. જે રીતે આ પૂર્વેના જ્ઞાની પુરુષોએ જોયો છે, જાણ્યો છે, એ માર્ગ તેઓશ્રી આપણને દેખાડે છે. આપણને આ માર્ગના દર્શન થઈ જતાં પરમ તૃપ્તિના ઓડકાર આવવા લાગે છે.
- પ્રત્યક્ષ વિણ સૂના મોક્ષમાર્ગ... કેટલાંય જૈનોને, ખાસ કરીને આજની યુવાન પેઢીના જૈનોને જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે શ્રી સીમંધર સ્વામી વિશે શું જાણો છો ? ત્યારે તો કાં તો પોતાની અજ્ઞાનતા પ્રકટ કરે છે અથવા તો ચૂપકીદી સેવે છે. જ્યારે આવું બને છે ત્યારે હૃદય દ્રવી ઊઠે છે. આજની યુવાન પેઢી ભૂતકાળના તીર્થકરોને યાદ કરે છે તે ઉત્તમ છે જ, પણ સાથે સાથ એ યાદ રાખવું જોઈએ કે વર્તમાન તીર્થંકરનું સ્મરણ સર્વોત્તમ છે. જે સિદ્ધદશામાં અયોગીપદે, મન-વચન-કાયાના યોગથી રહિત એવું કેવળજ્ઞાન પ્રકાશ સ્વરૂપે બિરાજે છે, તે આપણને અહીં શી રીતે મદદ કરી શકે ? આપણી ભૂલો શી રીતે દેખાડે ? આપણને દેશના સંભળાવી આપણી દ્રષ્ટિને કઈ રીતે બદલી આપે ? કર્મમલને ખંખેરી નાખવાનો માર્ગ શી રીતે દેખાડે ? સિદ્ધપદે પહોંચે પછી તીર્થંકરોનો આત્મા કે અન્ય આત્મા સર્વે સમસ્વભાવી, સિદ્ધાત્મા જ બની ગયો હોય છે. ત્યાં કોઈ ભેદ નથી. ત્યાં જ્ઞાન, દર્શન કે ચારિત્રના ય ભેદ નથી. ત્યાં તો ફક્ત પ્રકાશ જ છે. જેમાં આખું બ્રહ્માંડ ઝળહળે છે ! આ જ પ્રકાશ તીર્થકરોમાં પણ વ્યાપ્ત થયેલો હોય છે. માત્ર બાકીનાં ચાર અઘાતી કર્મ - આયુષ્ય, નામ, ગોત્ર તથા વેદનીય રહ્યાં હોય છે, જે સહજભાવે નિર્જરી રહેતાં હોય છે. જગત કલ્યાણનું નિમિત્તપદ લઈને આવેલાં હોવાથી આપણે જો તેને ઓળખી લઈને, તેનો પ્રત્યક્ષ યોગ પ્રાપ્ત કરી લઈએ તો મોક્ષ હાથવેંતમાં જ છે ! તીર્થંકર ભગવાનનાં દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે, પણ તેમની ઓળખ થવી જોઈએ. ધારો કે આજે આપણી સમક્ષ સાક્ષાત્ તીર્થંકર ભગવાન હાજર થાય તો આપણી પાસે તેમને
10