________________
શ્રી સીમંધર સ્વામી
૩૧
વર્તમાન તીર્થંકર
તે થયો હોય તો, ત્યાં શું છે ?
દાદાશ્રી : જેમ આપણે અહીં ચોથો આરો હતો ને, ભગવાન મહાવીરના વખતમાં, એવાં ચોથા આરાનાં મનુષ્યો છે. ત્યાં આવી રીતે દુકાનો છે, ખેતીવાડી, વ્યાપાર બધું જ છે. બાકી ત્યાંના માણસો ય આપણા જેવાં છે અને આપણા જેવું જ બધું કાર્ય છે. આપણાં જેવું જ ત્યાં બધું, સાસુ ને વહુ ને રાજા, સુપાળ, સરસુપાળ....
પ્રશ્નકર્તા : ત્યાં પણ આવી સભા ભરાતી હશેને ?
દાદાશ્રી : અરે, ત્યાં તો બહુ મોટી સભા ! આ સભા તો શું ? અને ક્યાં ત્યાંની સભાની વાત ! ત્યાંની સભાની વાત જ જુદી છે !
પ્રશ્નકર્તા : ત્યાં આયુષ્ય લાંબુને દાદા ?
દાદાશ્રી : હા, આયુષ્ય લાંબું હોય, તે તો બહુ મોટું હોય. બાકી આપણાં જેવા માણસો છે, આપણાં જેવા વ્યવહાર છે. પણ તે આપણા અહીં ચોથા આરામાં જેવો વ્યવહાર હતો એવો છે. આ પાંચમા આરાનાં લોકો હવે તો આવું ગજવા કાપતાં શીખ્યા ને માંહ્યોમાંહ્ય સગાવહાલામાં ય ઊંધું બોલતા શીખ્યા. એવો ત્યાં વ્યવહાર નથી.
ત્યાં છે મન-વચન-કાયા તણી એક્તા ! ફક્ત ચોથા અને પાંચમા આરામાં ફેર શો પડે છે ? ત્યારે કહે, ચોથા આરામાં મન-વચન-કાયાની એકતા હોય છે અને પાંચમાં આરામાં આ એકતા તૂટી જાય છે. એટલે મનમાં જ હોય એવું વાણીમાં બોલતા નથી ને વાણીમાં હોય એવું વર્તનમાં લાવતા નથી, એનું નામ પાંચમો આરો. અને ચોથા આરામાં તો મનમાં જે હોય એવું જ વાણીમાં બોલે અને એવું જ કરે. કોઈ માણસ ત્યાં આગળ ચોથા આરામ કહે કે મને આખું ગામ સળગાવી મેલવાનો વિચાર આવે છે, એટલે આપણે જાણવું કે આ રૂપકમાં આવી જવાનું છે અને આજ કોઈ બોલે કે હું તમારું ઘર સળગાવી મેલીશ. તો આપણે જાણવું કે હજુ તો વિચારમાં છે, તું મને ભેગો ક્યારે થવાનો ? મોઢે બોલ્યો હોય તો ય બરકત નથી. હું તમને મારી નાખીશ કહેને પણ તે શેના આધારે ?
પણ આધાર નથી, મન-વચન-કાયાની એકતા નથી. તો બોલ્યા પ્રમાણે શી રીતે કાર્ય થાય ? કાર્ય જ થાય નહિને ! આજથી ત્રણ હજાર વર્ષ પહેલાં આવું ન હતું. ત્રણ હજાર વર્ષ પહેલાં હતું, તેવું ત્યાં રહે છે. અત્યારે તો મન જુદું હોય, વાણી જુદી હોય ને વર્તન જુદું હોય એવો કોઈ જોયેલો તમે ? દરેક પોતાનો જાત અનુભવ કહે. હવે ત્યાં કેવું હોય? મનમાં જેવું હોય તેવું જ વાણીમાં બોલે ને તેવું જ વર્તે. અને અહીં તો મનમાં એવું હોય કે મારે નુકસાન કરવું છે, પણ મોઢા પર મીઠું મીઠું બોલે. હું તમારા માટે તમે કહો એટલું કરવા તૈયાર છું. એટલો ફેરફાર થઈ ગયો. એટલે અહીંથી બધા અધોગતિમાં જાય અને ત્યાંથી ઊર્ધ્વગતિમાં જાય. ત્યાં તો એવું કહે કે તમારી છોડી ઉઠાવી જઈશ, એવું બોલે એટલે સમજી જ જવાનું કે ઉઠાવી જ જવાનો. અને આપણે અહીં કહે કે હું તમને મારી નાખીશ, પણ કશુંય નહીં. આ તો મોઢે બોલે એટલું જ. વર્તનમાં આવતું જ નથી ને, આ લોકોનું ! ત્યાં બોલ્યા હોય તો મારી નાખે ચોકકસ. અહીં તો ઠેકાણા વગરનો, અમથો ચિઢાય એટલું જ ચીઢિયા ખાય એટલું જ. અહીં પાંચમો આરો છે, એટલે દુષમ કાળ છે આ. દુષમ એટલે જરાક સમતા રાખવી હોય તો મહા દુ:ખે કરીને સમતા રહે, બાકી સમતા જ રહે નહિ. અને ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં સુષમ કાળ છે.
એટલે અહીંથી જે જીવી લાયકાત ધરાવે ચોથા આરા માટે, તે અહીં પોષાય નહિ, એ લોકો ક્ષેત્રના પ્રભાવથી ખેંચાઈ જાય ત્યાં, ચોથા આરામાં મહાવિદેહ ક્ષેત્રમાં અને ત્યાં પાંચમા આરાને લાયક થયા હોય તે અહીં આવે. એવું ભર-નીકળ ચાલ્યા જ કરવાનું. ત્યાં પાંચમા આરાને લાયક એવો ખડધૂસ થઈ ગયા હોય ને મન-વચન-કાયા જૂઠા થયા હોય, તે બધા અહીં આવતા રહે.
પ્રશ્નકર્તા : આપે એક વાર કહેલું, કે મહાવિદેહ ક્ષેત્રમાં પણ ઈર્ષા-દ્રષ-પ્રેમ, એ ભાવ રહે છે ને !
દાદાશ્રી : અહીંના જેવું જ, આમાં ને તેમાં ફેર નહિ. પ્રશ્નકર્તા : એ બધા કષાયો ના કહેવાય ?