________________
વાણીનો સિદ્ધાંત
૩૮
વાણીનો સિદ્ધાંત
લાગુ થાય છે, એ જોઈ લીધું.
પ્રશ્નકર્તા : હા, તે એનો વિચાર કર્યો કહેવાય કે નહીં ? દાદાશ્રી : ના, ના.
પ્રશ્નકર્તા : પણ એ અગાઉથી નક્કી તો કરવું જ પડે ને, એને ? ઘણાં વકીલો ઘેરથી તૈયાર થઈને આવે છે ને ?
દાદાશ્રી : એ ઘરથી જે તૈયાર થઈને નીકળે છે ને, ગમે તેટલું નક્કી કરે ને, તો ય ત્યાં જુદું બોલે, ધારેલું ના નીકળે. ત્યાં કોર્ટમાં વકીલ ગયો, એ કશુંક બોલ્યો. પેલો સામાનો વકીલ જુદું બોલ્યો, એ વકીલે કશુંક બોમ્બ નાખ્યો કે ગોઠવેલું ઊડી ગયું ને પાછું બીજું બોલવું પડે.
પ્રશ્નકર્તા : પણ ઘેર ટેપ કરી નાખે અને પછી ત્યાં આગળ ટેપ વગાડે, એના જેવું નહીં ?
દાદાશ્રી : ત્યાં કોર્ટમાં ટેપ વાગે ને, એ ઘેર જેવું ટેપ હોય જ નહીં એ. આ વકીલ પેલા અસીલને ઘેરથી શીખવાડે કે, ‘જો તમારે આવું બોલવાનું, આવું આવું બોલવાનું, ત્યાં આટલું જ બોલજો.” અને ત્યાં કોર્ટમાં ગયો હોય ત્યારે જુદી જાતનું બોલે. એટલે વકીલ મનમાં ચિઢાયા કરે કે ‘આ તો મારી આબરૂ બગાડી.” એનું કારણ શું ? પોતાના કાબુની વસ્તુ ન હોય આ. આ ઉપરથી તેમને સમજાશે કે આ અસીલ કેમ આવું બોલ્યો ને આ કેમ આવું બોલ્યો !
પ્રશ્નકર્તા : હા, ઘણી વાર એવું થાય કે નક્કી કરીને ગોઠવીને બોલવા જઈએ તો ભૂલી જવાય.
દાદાશ્રી : ગોઠવીને બોલો છો, તે ય ટેપરેકર્ડ છે. પણ તમારા મનમાં એમ થાય છે કે ‘હું બોલું છું.” બસ, એટલું જ. સહેજે નીકળશે. અને તે ઘડીએ શબ્દો ફેંકતી વખતે તો એને ખ્યાલમાં ય નથી હોતું કે આવા શબ્દો મારા નીકળશે. પછી કહેશે, “ઓહોહો ! આજ તો હું કંઈ બોલ્યો છું, કંઈક અજાયબ બોલ્યો છું. મારા ખ્યાલમાં ય નહોતા એવા શબ્દો નીકળ્યા.’ એટલે આની પાછળ બધું બહુ વિજ્ઞાન છે. પણ આ તો
આમ ફેંકે ને તેમ ફેંકે, તે ફૅકો છો તે કંઈ એમ ને એમ આ બની જાય ?
પ્રશ્નકર્તા: એ ખ્યાલ આવ્યો કે આ વિચાર કરવા, તે વખતે રહેતા નથી. એ તો બોલી જ જવાય છે.
દાદાશ્રી : વિચાર તો પહેલાં થઈ ગયેલા. પૂર્વભવમાં હિસાબબિસાબ, વિચાર-બિચાર બધું થઈને આ ગોઠવાયેલું જ છે. હવે મફતમાં વાણી બોલવાની છે ને એના પૈસા ઉપજાવવાના છે. લોકો એના પૈસા ઉપજાવે કે ના ઉપજાવે ? આ તો મફતમાં માલ !
વિચાર્યા વિના જ વાણી વહી ! આ હું ય બોલ્ય જ રાખું છું ને, જવાબદારીવાળી વાણી ! આ જે બોલાય છે ને, તે બહુ જવાબદારીવાળા વાક્યો !! આ વર્લ્ડ ભૂલ ના કાઢી શકે એવાં વાક્ય બોલાય છે. આ તો બધાં શાસ્ત્રો રચાય છે. એક શબ્દ એમ ને એમ ગયો નથી, તો આ જેટલા શબ્દ બોલાય છે એ વિચારીને બોલાય છે ?
એક બેન કહે છે કે, “આ દાદા જે બોલે છે તે, હી થિંકસ ટુ મચ બીફોર હી સ્પીકર્'. ત્યારે મેં એને કહ્યું કે, “મારી વાણીની આટલી કદર કરનાર તું જ નીકળી. બીજું કોઈ નીકળ્યું નહીં.” એ બેનના મનમાં એમ થયું કે ‘આ વાણી આટલી બધી સ્પીડી અને આવી અવિરોધાભાસ શી રીતે નીકળે ? એટલે વિચાર્યા વગર આટલું બધું નીકળે નહીં.’ ત્યારે મેં કહ્યું, ‘તારી વાતની નોંધ કરી. બાકી, ખરેખર અમે તો વિચારતા જ નથી ને ! હું વિચાર્યા વગર જ બોલું છું.’ ત્યારે એ કહે છે, “અરે, એવું કંઈ દુનિયામાં બનતું હશે ? આટલું બધું સરસ બોલો છો, ભૂલ વગરનું ! તમે ખૂબ વિચારો છો ને પછી બોલો છો.” મેં કહ્યું, ના, બિલકુલે ય વિચારતો નથી ને પછી બોલું છું, તેથી આવું નીકળે છે. અમારે વિચારવાનું હોય નહીં. વિચારવાળો તો ગૂંચાયેલો જ હોય હંમેશાં.’ આ તો કંઈ વિચારીને બોલતો હતો હું ? ના. આ તો ટેપરેકર્ડ વાગ્યા કરતી હતી. વિચારીને બોલું તો ‘કરવું હતું’ તેને બદલે ‘કરવી હતી’ થઈ જાય, ને પાછું એને સુધારવાનું. તમને સમજ પડે આ ?