________________
વાણી, વ્યવહારમાં...
૧. દુ:ખદાયી વાણીતા સ્વરૂપો
પ્રશ્નકર્તા : આ જીભ એવી છે કે ઘડીકમાં આમ બોલી જાય, ઘડીકમાં તેમ બોલી જાય.
દાદાશ્રી : એવું છે ને, આ જીભમાં એવો દોષ નથી. આ જીભ તો અંદર પેલા બત્રીસ દાંત છે ને, એમની જોડે રહે છે, રાત-દહાડો કામ કરે છે. પણ લઢતી નથી, ઝઘડતી નથી. એટલે જીભ તો બહુ સરસ છે, પણ આપણે વાંકા છીએ. આપણે ઓર્ગેનાઈઝર વાંકા છીએ. ભૂલ આપણી છે.
એટલે જીભ તો બહુ સારી છે, આ બત્રીસ દાંત વચ્ચે રહે છે તો કોઈ દહાડો ય એ કચરાય છે ? એ કચરાય ક્યારે ? કે આપણું ચિત્ત ખાતી વખતે બીજી જગ્યાએ ગયું હોય ત્યારે જરા કચરાય. અને આપણે જો વાંકા હોઈએ તો જ ચિત્ત બીજામાં જાય. નહીં તો ચિત્ત બીજામાં ના જાય ને જીભ તો બહુ સરસ કામ કરે. ઓર્ગેનાઈઝરે આમ આડું જોયું કે જીભ દાંત વચ્ચે કચરાય.
પ્રશ્નકર્તા : મારી જીભ ઉપર કાબુ થાય, એવું કરો ને ! કારણ કે હું વધારે બોલું છું.
દાદાશ્રી : તે હું ય બોલ બોલ જ કરું છું આખો દહાડો. તમારા
વાણી, વ્યવહારમાં...
બોલવામાં કોઈ એવું વાક્ય નથી ને, કે કોઈને દુઃખદાયી થઈ પડે એવું ? ત્યાં સુધી બોલવાનું ખરાબ કહેવાય નહીં.(મૂળ ગ્રંથના પાના નં. ૩૮૩)
પ્રશ્નકર્તા : પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે.
૨
દાદાશ્રી : શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ બંધ થઈ જશે. ત્યારે જગત બંધ થઈ જશે.
બધી શબ્દથી લઢાઈઓ થયેલી છે આ દુનિયામાં, જે થયેલી છે તે ! શબ્દો મીઠા જોઈએ અને શબ્દો મીઠા ના હોય તો બોલશો નહીં. અરે, વઢેલા હોય આપણી જોડે, તેની જોડે ય આપણે મીઠું બોલીએ ને, તો બીજે દહાડે એક થઈ જાય પાછા. (૩૮૪)
સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે ‘તમારામાં અક્કલ નથી.’ આમની અક્કલ માપવા નીકળ્યા ! એવું બોલાતું હશે ? પછી ઝઘડા જ થાય ને ! પણ એવું ના બોલવું જોઈએ, સામાને દુઃખ થાય એવું કે ‘તમારામાં અક્કલ નથી.' સામાન્ય માણસ તો અણસમજણનાં માર્યો આવું બોલીને જવાબદારી સ્વીકારે. પણ સમજવાળા હોય, એ તો પોતે આવી જવાબદારી લે નહીં ને ! પેલો અવળું બોલે, પણ પોતે સવળું બોલે. સામો તો અણસમજણથી ગમે તે પૂછે. પણ પોતાથી અવળું ના બોલાય. જવાબદાર છે પોતે.
સામાને ‘તમે ના સમજો’ એવું કહેવું, એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ છે. ‘તમે ના સમજો’ એવું ના કહેવાય. પણ ‘તમને સમજણ પાડીશ’ એવું કહેવું. ‘તમે ના સમજો' કહે તો, સામાના કાળજે ઘા વાગે.
આપણે સુખમાં બેઠાં હોય ને સહેજ કો’ક આવીને કહે, ‘તમારામાં અક્કલ નથી.' એટલું બોલે કે થઈ રહ્યું, ખલાસ ! હવે એ કંઈ પથરો માર્યો છે ? (૩૮૫)