________________
પ્રતિક્રમણ
૧. પ્રતિક્રમણનું યથાર્થ સ્વરૂપ !
પ્રશ્નકર્તા : મનુષ્ય આ જીવનમાં મુખ્યપણે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : મનમાં જેવું હોય, એવું વાણીમાં બોલવું, એવું વર્તનમાં કરવું. આપણે જે વાણીમાં બોલવું છે અને મન ખરાબ હોય તો તેને માટે પ્રતિક્રમણ કરવાનું અને પ્રતિક્રમણ કોનું કરવું ? કોની સાક્ષીમાં કરશો ? ત્યારે કહે, ‘દાદા ભગવાન'ની સાક્ષીએ પ્રતિક્રમણ કરો. આ દેખાય છે તે ‘દાદા ભગવાન' હોય. આ તો ભાદરણના પટેલ છે, એ. એમ. પટેલ છે. ‘દાદા ભગવાન’ અંદર ચૌદ લોકનો નાથ પ્રગટ થઈ ગયેલો છે, એટલે એના નામથી પ્રતિક્રમણ કરો. કે હે દાદા ભગવાન, મારું મન બગડ્યું તે બદલ માફી માગું છું. મને માફ કરો. હું પણ એમનું નામ લઈને પ્રતિક્રમણ કરું છું. (મૂળ ગ્રંથના પાના નં. ૧)
સારાં કર્મ કરો એટલે ધર્મ કહેવાય અને ખરાબ કર્મ કરો એટલે અધર્મ કહેવાય. અને ધર્મ-અધર્મની પાર જવાનું એ આત્મધર્મ કહેવાય. એ સારાં કર્મ કરો એટલે ક્રેડીટ ઉત્પન્ન થાય અને એ ક્રેડીટ ભોગવવા જવું પડે. ખરાબ કર્મ કરો એટલે ડેબીટ ઉત્પન્ન થાય. અને એ ડેબીટ ભોગવવા જવું પડે અને જ્યાં ચોપડીમાં ક્રેડીટ-ડેબીટ નથી, ત્યાં આત્મા પ્રાપ્ત થાય.
પ્રશ્નકર્તા ઃ આ સંસારમાં આવ્યા એટલે કર્મ તો કરવાં જ પડેને ? જાણેઅજાણે ખોટાં કર્મ થઈ જાય તો શું કરવું ?
દાદાશ્રી : થઈ જાય તો એનો ઉપાય હોયને પાછો. હંમેશાં ખોટું કર્મ
પ્રતિક્રમણ
થઈ ગયું તો તરત એની પછી પસ્તાવો હોય છે, અને ખરા દિલથી, સિન્સીયારિટીથી પસ્તાવો કરવો જોઈએ. પસ્તાવો કરવા છતાં ફરી એવું થાય એની ચિંતા નહીં કરવાની. ફરી પસ્તાવો લેવો જોઈએ. એની પાછળ શું વિજ્ઞાન છે એ તમને ખ્યાલ ના આવે એટલે તમને એમ લાગે કે આ પસ્તાવો કરવાથી બંધ થતું નથી. શાથી બંધ થતું નથી એ વિજ્ઞાન છે. માટે તમારે પસ્તાવો જ કર્યા કરવાનો. ખરા દિલથી પસ્તાવો કરે છે એનાં બધાં કર્મ ધોવાઈ જાય છે. ખરાબ લાગ્યું એટલે એને પસ્તાવો કરવો જ જોઈએ.
પ્રશ્નકર્તા ઃ શરીરના ધર્મો આચરીએ છીએ તો એનાં પ્રાયશ્ચિત્ત લેવાં
૨
પડે ?
દાદાશ્રી : હાસ્તો ને ! જ્યાં સુધી ‘હું આત્મા છું’ એવું ભાન ના થાય ત્યાં સુધી પ્રાયશ્ચિત્ત ના થાય તો કર્મ વધારે ચોંટે. પ્રાયશ્ચિત્ત કરવાથી કર્મની ગાંઠો હલકી થઈ જાય. નહીં તો એ પાપનું ફળ બહુ ખરાબ આવે છે. મનુષ્યપણું ય જતું રહે, ને મનુષ્ય થાય તો તેને બધી જાતની અડચણો પડે. ખાવાની, પીવાની, માન-તાન તો કોઈ દહાડો દેખાય જ નહીં. કાયમનું અપમાન. એટલા માટે આ પ્રાયશ્ચિત્ત કે બીજી બધી ક્રિયાઓ કરવી પડે છે. આને પરોક્ષ ભક્તિ કહેવાય. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી પરોક્ષ ભક્તિ કરવાની જરૂર છે.
હવે પસ્તાવો કોની રૂબરૂમાં કરવો જોઈએ ? કોની સાક્ષીએ કરવો જોઈએ. કે જેને તમે માનતા હો. કૃષ્ણ ભગવાનને માનો છો કે દાદા ભગવાનને માનો છો, ગમે તેને માનો એની સાક્ષીએ કરવો જોઈએ. બાકી ઉપાય ના હોય, એવું આ દુનિયામાં હોય જ નહીં. ઉપાય પહેલો જન્મે છે. ત્યાર પછી દર્દ ઊભું થાય છે. (૩)
આ જગત ઊભું કેમ થયું ? અતિક્રમણથી. ક્રમણથી કશો વાંધો નથી. આપણે હોટલમાં કંઈ વસ્તુ મંગાવીને ખાધી ને બે રકાબીઓ આપણા હાથે તૂટી ગઈ, પછી એના પૈસા આપીને બહાર નીકળ્યા, તો તે અતિક્રમણ ના કર્યું, તો પછી તેનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. પણ રકાબી ફૂટે એટલે આપણે કહીએ કે તારા માણસે ફોડી છે, તે ચાલ્યું પાછું. અતિક્રમણ કર્યું તેનું પ્રતિક્રમણ કરવું પડે છે. અને અતિક્રમણ થયા વગર રહેતું નથી, માટે પ્રતિક્રમણ કરો.