________________
(૩) નહોય ‘એ’ પ્રતિક્રમણ મહાવીરનાં !
પ્રતિક્રમણ
મોક્ષ માટેના પચ્ચખાણ
અને ક્રમિક માર્ગમાં પ્રત્યાખ્યાન કરે છે, પણ પ્રતિક્રમણ કરતા નથી. મહારાજ પાસે પચ્ચખાણ લે પણ પ્રતિક્રમણ તો સમજતા જ નથી. પ્રત્યાખ્યાનેય સમજતા નથી. આ તો બટાકા નહીં ખાવાને કે એવાં તેવાં પચ્ચખાણ લે. લીલોતરી નહીં લઉં એવાં પચ્ચખાણ લે. એ પચ્ચખાણ મોક્ષે જવાનાં ન હોય. મોક્ષે જવા માટેનાં પચ્ચખાણ તો જુદાં હોય, જેનું પ્રતિક્રમણ કરીએ તેનું જ પચ્ચખાણ હોય કે ફરી એ નહીં કરું. આપણે મોક્ષે જવાનું પ્રતિક્રમણ કરીએ. એ કોઈ જગ્યાએ હોય નહીં. પ્રતિક્રમણ ઊભું જ નથી થયું કોઈ દહાડોય. ક્રમિક માર્ગમાં પ્રતિક્રમણ હોતું જ નથી. અત્યારે એક પણ એવો નથી કે જે (યથાર્થ) પ્રતિક્રમણ કરતો હોય.
આ તો બધા જાથું પ્રતિક્રમણ કરે. આમાં જે માગધી ભાષામાં લખાયાં તે મહારાજ બોલે જાય ને પેલા સાંભળ્યું જાય. એટલે સાબુ ઘસો. એમ કહે છે. અલ્યા, પણ સાબુ ધોતિયાંમાં ઘસવાનો કે અહીં ટેબલ પર ઘસવાનો ? એ પ્રતિક્રમણ બધાં નકામાં જાય છે.
મહારાજ પ્રતિક્રમણ કરાવડાવે તે મહારાજ ટેબલ ઉપર સાબુ ઘસ ઘસ કર્યા કરે અને પેલા જમીન ઉપર, નીચે લાદી ઉપર ઘસ ઘસ કર્યા કરે. કોઈએ પ્રતિક્રમણ નથી કરેલાં. પચ્ચખાણ લીધેલાં પણ તે કેવાં પચ્ચખાણ ? આ લીલોતરી નહીં ખાઉં, ફલાણું નહીં ખાઉં, બટાકા નહીં ખાઉં, કંદમૂળ નહીં ખાઉં, રાત્રે નહીં ખાઉં. રાત્રે નહીં ખાવાની બાધા એનું નામ પચ્ચખાણ. એને ને મોક્ષમાર્ગને કશું લેવાદેવા નથી. એ જે પચ્ચખાણ છે તે બધાં સંસારમાર્ગ છે. આવતો ભવ સારો અને જરા ભૌતિક સુખવાળો આવે.
આપણાં પ્રત્યાખ્યાન તો પ્રતિક્રમણ કરે તેનાં જ પચ્ચખાણ કરવાનાં, ફરી આ દોષ નહીં કરું હવે. ફરી એવું થાય એ તો સ્વાભાવિક છે. ડુંગળી (કાંદો) છે તે પડ આવ્યા જ કરે. તેથી કરીને આ ખોટું હતું એવું ના કહેવાય આપણાથી. પચ્ચખાણ લે છે, તે ફરી આવું થાય
છે, તેમાં તને શું સમજણ પડે ? તું શું કામ પાસ કરે ? દોષ થવા એને પચ્ચખાણ સાથે લેવાદેવા નહીંને ! એ એને એમ જાણે કે આ પચ્ચખાણ લીધું એટલે દોષ બંધ થઈ જવો જોઈએ. એ તો ડુંગળીનાં પડે પંદરસો-પંદરસો, પાંચસો-પાંચસો, હજાર, બે હજાર કે પાંચ હજાર હોય એ કંઈ પડ જાય નહીં ત્યાં સુધી દોષ થયા કરે. આમાં એને બિચારાને શું સમજણ પડે ?
કેવી આ સંસારની ગતિ અને ગત કેવી છે એ એને શું સમજ પડે ?
ખોટું કરતો હોય તેને પ્રત્યાખ્યાન લેવાનું હોય. ખોટું કરતો જ ના હોય, એને પ્રત્યાખ્યાન શેના લેવાનાં હોય ?
પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ શા માટે ?
દાદાશ્રી : ખોટું કરતો હોય તો પ્રતિક્રમણ, ખોટું કરતો હોય તો આલોચના, ખોટું કરતો હોય તો પ્રત્યાખ્યાન.
આજે આ સાધુ-સાધ્વીજીઓ એ બધા અમને કહે છે, કે તમે પ્રત્યાખ્યાન નથી કરતા, પચ્ચખાણ લેતા નથી. અલ્યા, પચ્ચખાણ એનું નામ કહેવાય કે જે ગ્રહણ કરતો હોય તેનું પચ્ચખાણ લેવાનું હોય, ગ્રહણ ના કરતો હોય તો પચ્ચખાણ શું લે ?
એટલે સાધુ-સાધ્વીઓ એ લોકો પચ્ચખાણ કરતા જ નથી. એ ત્યાગને પચ્ચખાણ કહે છે. ત્યાગને પચ્ચખાણ કહેવાય નહીં. પચ્ચખાણ તો જેનો ત્યાગ થયો નથી, તેનું પચ્ચખાણ હોય. પછી તે ત્યાગમાં પરિણામ પામે.
પચ્ચખાણ શેનાં લેવાનાં છે એ ના સમજાયું તમને ? પ્રશ્નકર્તા: જે ગ્રહણ કર્યું છે, તેનાં ?
દાદાશ્રી : ના. ના છોડવાનું છે તેમાં પચ્ચખાણ લેવાનાં છે. એ લોકો તો છોડ્યું છે એને પચ્ચખાણ કહે છે, અમે પચ્ચખાણ લીધાં છે.