________________
ક્યાં વાપરવાનું કે જેથી મોક્ષે ઝટાઝટ પુગાય ? કાયરતા કોને કહેવી ? પાપીઓ પુણ્યશાળી બની શકે ? તો કઈ રીતે ?
આખી જિંદગી જલી આ RDXની અગનમાં, તેને કઈ રીતે બુઝાવાય ? રાતદિન પત્નીનો પરિતાપ, પુત્ર-પુત્રીઓનો સંતાપ ને પૈસા કમાવાનો ઉત્તાપ એ બધા તાપોમાંથી કઈ રીતે શાતા પ્રાપ્ત કરી તરી પાર ઉતરાય ?
ગુરુ-શિષ્યો વચ્ચે, ગોરાણી-ચેલીઓ વચ્ચે, નિરંતર કષાયોથી અધોગતિની વાટે ચઢતા ઉપદેશકો કઈ રીતે પાછા વળી શકે ? અણહક્કની લક્ષ્મી ને અણહક્કની સ્ત્રીઓ પાછળ વાણી, વર્તન કે મનથી કે દૃષ્ટિથી દોષો થયા તેનો તિર્યંચ કે નર્કગતિ સિવાય ક્યાં સંઘરો થાય ? એમાંથી કેમનું છૂટાય? એમાંથી ચેતવું છે તો કઈ રીતે ચેતાય ને છૂટાય ? આવા અનેક મૂંઝવતા સનાતન પ્રશ્નોના ઉકેલ શું હોઈ શકે ?
જ્ઞાની પુરુષની વાણી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તથા ભિન્ન ભિન્ન નિમિત્તને આધીન નીકળેલી હોય, તે વાણીની સંકલનમાં ભાસિત ક્ષતિઓ ક્ષમ્ય ગણી જ્ઞાની પુરુષની વાણીનો અંતર આશય પામવા જ અભ્યર્થના !
જ્ઞાની પુરુષની જે વાણી નીકળી છે, તે નૈમિત્તિક રીતે મુમુક્ષુમહાત્મા જે સામે આવે તેના સમાધાન અર્થે નીકળેલી હોય છે અને તે વાણી જ્યારે ગ્રંથરૂપે સંકલિત થાય ત્યારે ક્યારેક વિરોધાભાસ ભાસે. જેમ કે એક પ્રશ્નકર્તાની આંતરિક દશાના સમાધાન અર્થે જ્ઞાની પુરુષનો ‘પ્રતિક્રમણ એ જાગૃતિ છે અને અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે.” એવો પ્રત્યુતર પ્રાપ્ત થાય. અને જે સૂક્ષ્મ જાગૃતિની દશાએ પહોંચેલા મહાત્માના ઝીણવટના ફોડ સામે જ્ઞાનીપુરુષ એવો ખુલાસો આપે કે ‘અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે ને પ્રતિક્રમણ એ પણ ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જને ડિસ્ચાર્જથી ભાંગવાનું છે.’ તો બન્ને ખુલાસા નૈમિત્તિક રીતે યથાર્થ જ છે. પણ સાપેક્ષ રીતે વિરોધાભાસ ભાસે. આમ પ્રશ્નકર્તાની દશા ફેર હોવાને કારણે પ્રત્યુત્તરમાં વિરોધાભાસ ભાસે છતાં સૈદ્ધાંતિક રીતે એમાં વિરોધાભાસ છે જ નહીં. સુજ્ઞ વાચકોને જ્ઞાનવાણીની સૂક્ષ્મતા પામી વાતને સમજવા અર્થે સહજ સૂચન અત્રે સૂચવ્યું છે.
- ડૉ. નીરુબેન અમીત નોંધ : (૧) પ્રસ્તુત ગ્રંથમાં સ્વરૂપ જ્ઞાન નહીં પામેલાઓના પ્રશ્નો
મુમુક્ષુ : તરીકે પૂછાયા છે, તે આખા હેડીંગની નીચેની વાત તેની જ સમજવી. ને તે સિવાયના પ્રશ્નકર્તા : તરીકે પૂછનાર અક્રમમાર્ગના સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત
કરેલા મહાત્માઓના છે તેમ સુજ્ઞ વાચકોએ સમજવું. (૨) જ્યાં જ્યાં ‘ચંદુભાઈ’ કે ‘ચંદુલાલ’ નામનો પ્રયોગ થયો
છે તે સ્થાને સુજ્ઞ વાચકે પોતાને સમજાવાનો છે.
પ્રત્યેક માનવી પોતાના જીવનકાળ દરમ્યાન ક્યારેક સંજોગોના દબાણથી એવી સ્થિતિમાં સપડાય છે કે સંસાર વ્યવહારમાં ભૂલો કરવી નથી છતાં ભૂલો થાય છે અને ભૂલમાંથી મુક્ત થઈ શકાતું નથી, એવી પરિસ્થિતિમાં દિલના સાચા પુરુષો સતત મૂંઝવણ અનુભવતા હોય છે, તેવાંઓને ભૂલ ભાંગવા માટે અને જીવન જીવવાનો સાચો રાહ જડી જાય, જેનાથી પોતાના આંતરિક સુખચેનમાં રહી પ્રગતિ સાધી શકાય. તે અર્થે ક્યારેય ના મળ્યું હોય તેવું અધ્યાત્મ વિજ્ઞાનનું આલોચનાપ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનરૂપી એકમેવ સચોટ હથિયાર તીર્થંકરોએ, જ્ઞાનીઓએ જગતને અપ્યું છે, જે હથિયાર દ્વારા દોષરૂપી પાંગરેલા વિશાળ વૃક્ષને ધોરી મૂળિયા સહિત નિર્મૂલન કરી અનંતા જીવો મોક્ષલક્ષ્મીને વર્યા છે, તેવા મુક્તિ માટેના આ પ્રતિક્રમણરૂપી વિજ્ઞાનનો યથાર્થપણે જેમ છે તેમ ફોડ પ્રગટ જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાને કેવળજ્ઞાન સ્વરૂપમાં જોઈને કહેલી વાણી દ્વારા આપ્યો છે, તે સર્વ પ્રસ્તુત ગ્રંથમાં સંકલિત થયો છે, જે સુજ્ઞ વાચકને આત્યંતિક કલ્યાણ અર્થે ઉપયોગી નિવડશે.