________________
[૨]
પ્રત્યેક ધર્મો પ્રરૂપ્યું પ્રતિક્ર્મણ
સર્વોત્તમ વ્યવહાર ધર્મ
જૈન ધર્મનું ઊંચામાં ઊંચું ગૂઢ તત્ત્વ હોય તો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન, એ મોટામાં મોટું છે. જો કે બીજા લોકોના ધર્મમાં છે. પણ તે કેવું ? બાધે ભારે ક્ષમા માંગવામાં આવે છે. એવું દરેક ધર્મમાં છે, પણ તે કેવું ? મુસ્લિમ ધર્મમાં છે, ક્રિશ્ચિયન ધર્મમાં છે, ક્ષમા માંગવાનો રીવાજ તો બધેથી ચાલ્યો આવ્યો છે, પણ જે વીતરાગોએ બતાવ્યો છે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એટલે ગુરુની હાજરી થકી આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એ બહુ સાયંટિફિક-વૈજ્ઞાનિક વસ્તુ છે. તરત ફળ આપનારી છે.
પેલામાં ક્ષમા માગવાથી તો પાપ ઓછાં થાય એટલું જ અને આ પ્રતિક્રમણથી તો પાપ ખલાસ થઈ જાય.
ભગવાને કહ્યું છે કે, આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ સિવાય વ્યવહારધર્મ જ બીજો નથી. પણ તે કૅશ હોય તે, ઉધાર નહીં ચાલે. ગાળ કોઈને આપીએ, આ હમણે થયું તે લક્ષમાં રાખ, કોની જોડે શું થયું તે ? અને પછી આલોચના કરી, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કેશ કર. એને ભગવાને વ્યવહાર-નિશ્ચય બેઉ કહ્યું. પણ એ થાય કોને ? સમકિત થયા પછી, ત્યાં સુધી કરવું હોય તોયે ના થાય. તે સકિત થતુંયે નથી ને ! છતાંય કોઈ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન આપણે ત્યાં શીખી જાય તોયે કામ કાઢી નાંખે. ભલે નોંધારું શીખી જાય તોયે વાંધો નથી. એને સમકિત સામું આવીને ઊભું રહેશે !!!
પ્રતિક્રમણ
જેનાં આલોચના-પ્રતિક્રમણ સાચાં હોય તેને આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં.
૧૪
મુમુક્ષુ : કંઈ પણ પોતાનાથી પાપ થઈ જાય, ત્યાર પછી એને પ્રાયશ્ચિત્ત માટે વ્રત કે એવું કંઈક કરે, ત્યાર પછી આત્માનું શુદ્ધિકરણ થઈ જાય, તો એવો ઉપાય આપો.
દાદાશ્રી : એ બધું અમે અહીં જોડે જોડે આપીએ છીએ. બધી દવા આપું છું. તમામ પ્રકારની દવા, એનું આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાન બધા જ પ્રકારનું !
પ્રતિમણ એટલે પાપથી પાછા વળવું
દાદાશ્રી : પ્રતિક્રમણનો અર્થ શું એ તમે જાણો છો ?
મુમુક્ષુ : ના.
દાદાશ્રી : તમે જેવું જાણતા હો તેવું કહો.
મુમુક્ષુ : પાપથી પાછા વળવું.
દાદાશ્રી : પાપથી પાછા વળવું ! કેવો સરસ ભગવાને ન્યાય કર્યો છે કે ભઈ, પાપથી પાછા વળવાનું એનું નામ પ્રતિક્રમણ ! પણ હજુ પાપ તો ઊભાં જ રહ્યાં છે. તેનું શું કારણ ?
મુમુક્ષુ : એ તો તમે જ સમજાવો. એક તો આલોચના, બીજું પ્રતિક્રમણ અને ત્રીજું છે પ્રત્યાખ્યાન, આ ત્રણ શબ્દો કમ્પ્લીટ હજી મને ક્લિયર નથી થતા.
દાદાશ્રી : પ્રત્યાખ્યાન એટલે હું એ વસ્તુને આજે છોડી દઉં છું, ત્યાગ કરું છું એ એનો ભાવાર્થ છે. વસ્તુને છોડી દેવી હોય તો પ્રત્યાખ્યાન કરું છું.
મુમુક્ષુ : પસ્તાવો કરું છું એ પ્રતિક્રમણ અને કહે આ પ્રમાણે નહીં કરું એ પ્રત્યાખ્યાન ?