________________
ખંડ-૧ પ્રતિક્રમણ
[૧]
પ્રતિક્રમણનું યથાર્થ સ્વરૂપ
જીવતમાં કરવા યોગ્ય
મુમુક્ષુ : મનુષ્ય આ જીવનમાં મુખ્યપણે શું કરવું જોઈએ ? દાદાશ્રી : મનમાં જેવું હોય, એવું વાણીમાં બોલવું, એવું વર્તનમાં કરવું. આપણે જે વાણીમાં બોલવું છે અને મન ખરાબ હોય તો તેને માટે પ્રતિક્રમણ કરવાનું અને પ્રતિક્રમણ કોનું કરવું ? કોની સાક્ષીમાં કરશો ? ત્યારે કહે, ‘દાદા ભગવાન'ની સાક્ષીએ પ્રતિક્રમણ કરો. આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ હોય. આ તો ભાદરણના પટેલ છે, એ. એમ. પટેલ છે. ‘દાદા ભગવાન’ અંદર ચૌદ લોકનો નાથ પ્રગટ થઈ ગયેલો છે, એટલે એના નામથી પ્રતિક્રમણ કરો કે હે દાદા ભગવાન, મારું મન બગડ્યું તે બદલ માફી માગું છું. મને માફ કરો. હું પણ એમના નામનું પ્રતિક્રમણ કરું છું.
મુમુક્ષુ : તો પછી આ સંસારમાં આપણું કર્તવ્ય શું ?
દાદાશ્રી : આ સંસાર શું ચાલી રહ્યો છે, તે સાક્ષીભાવે જોયા કરવાનો. અને અહંકાર થાય તો માફી માંગવાની ભગવાનની. કોઈ જગ્યાએ અહંકાર થાય, ‘હું કરું છું’ એવો અહંકાર ચઢે, તો પછી માફી માંગવાની. માફી માંગો છો ?
૨
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : કોની માંગો છો ? ભગવાનની ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ભગવાનની માંગવી, એટલો જ ઉપાય છે. કારણ કે માફી માંગો એટલે માફ થાય.
ભૂલ થઈ જાય તો કહેવું કે, હે પ્રભુ ! મારી ભૂલ કરવાની ઇચ્છા નથી, છતાં થઈ જાય છે, માટે ક્ષમા કરશો.
પ્રશ્નકર્તા : ઘણી વખત એવો પ્રશ્ન થતો કે ભગવાનની માફી માંગીએ છીએ, પૂજા કરીએ છીએ, તે શા માટે ?
દાદાશ્રી : એ તો દુનિયાના ગુના થયેલા, તેની માફી માંગીએ છીએ. જેને ગુના નથી તેને માફી શેને માટે માંગવાની ? કર્મથી પર, પરમાત્મા
મુમુક્ષુ ઃ પરમાત્મા સુધી પહોંચવા માટે ધર્મને બાજુએ રાખી અને સારાં કર્મો જ કરીએ તો પછી પરમાત્માને પહોંચી શકાય કે નહીં ?
દાદાશ્રી : ના, કર્મને ને આને લેવાદેવા નથી. સારાં કર્મો કરો એટલે ધર્મ થાય, બીજું કશું નહીં. ખરાબ કર્મ કરો તો અધર્મ થાય. તમે સારાં કર્મો કરો તો લોક કહે કે, બહુ સારા માણસ છે.
સારાં કર્મ કરો એટલે ધર્મ કહેવાય અને ખરાબ કર્મ કરો એટલે અધર્મ કહેવાય અને ધર્મ-અધર્મની પાર જવાનું એ આત્મધર્મ કહેવાય. એ સારાં કર્મ કરો એટલે ક્રેડીટ ઉત્પન્ન થાય અને એ ક્રેડીટ ભોગવવા જવું પડે. ખરાબ કર્મ કરો એટલે ડેબીટ ઉત્પન્ન થાય. અને એ ડેબીટ ભોગવવા જવું પડે અને જ્યાં ચોપડીમાં ક્રેડીટ-ડેબીટ નથી, ત્યાં આત્મા પ્રાપ્ત થાય. બિલકુલેય એક ડોલરેય ક્રેડીટ નથી અને એક ડોલરેય ડેબીટ નથી તો
આત્મા પ્રાપ્ત થાય.