________________
૭૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
૭૧ દાદાશ્રી : અમારે પૈયે પંચાવન વર્ષ થયાં. તે પચ્ચીસ ત્રીસ વર્ષની ઉંમર સુધી જરા ભૂલચૂક થઈ હશે. જ્ઞાન પહેલાં, નાની ઉંમરમાં અમે હલ અમુક ઉંમર સુધી સાણસી લઈને આમ ફટ દઈને ફેંકતા'તા. આબરૂદાર લોકને ! ખાનદાન ! છ ગામના પટેલ ! પછી ખબર પડી કે મારી આ ખાનદાની નીકળી ગઈ. આબરૂનું લિલામ થઈ ગયું. સાણસી મારી ત્યાંથી આબરૂનું લિલામ ના થયું કહેવાય ? સ્ત્રીને સાણસી મારે આપણા લોક ? અણસમજણનો કોથળો ! તે કશું બીજું ના જડ્યું તો સાણસી મારી ! આ તે કંઈ શોભે આપણને ?
પ્રશ્નકર્તા : સાણસી મારી એ તો એક માર્યા પછી પતી ગયું. પણ પેલા આંતરિક મતભેદ જે હોય તે બીહેવિયરમાં (વર્તનમાં) એનું પરિણામ પામે. એ તો બહુ ભયંકર કહેવાય ?
દાદાશ્રી : આંતરિક મતભેદોને ? એ તો બહુ ભયંકર !
પણ મેં શોધખોળ કરેલી કે આ આંતરિક મતભેદનો કોઈ ઉપાય છે ? તો કોઈ શાસ્ત્રમાં જડ્યો નહીં. એટલે પછી મેં શોધખોળ કરી, જાતે કે આનો ઉપાય આટલો જ છે કે હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદ નહીં પડે. મારો મત જ નહીં, તમારા મતે મત.
હું તો ત્રીસ વર્ષનો હતો ત્યારથી બધું રીપેર કરી નાખેલું. ઘરમાં પછી ભાંજગડ જ નહીં, મતભેદ જ નહીં. બાકી અમારે પહેલાં લોચા પડી ગયેલા, અણસમજણના લોચા. કારણ કે ધણીપણું બજાવવા ગયેલા. મેં તો બહુ રોફ મારેલા.
પ્રશ્નકર્તા : તમે શું રોફ માર્યા હતા, દાદા ?
દાદાશ્રી : અરે ! બહુ રોફ, આમ કડક બહુ. પછી સમજણ પડી ગઈ આ તો ભૂલ થઈ રહી છે બધી. એટલે પછી બંધ કરી દીધું. નાનપણમાં તો સમજણ ના પડે કે આ ભૂલો છે, નરી ભૂલો જ છેને બધી !
પ્રશ્નકર્તા : એટલે હીરાબા કહેતાં હશે કે દાદા તો તીખા ભમરા જેવા !
દાદાશ્રી : તીખા ભમરા જેવા...
તે દહાડે કડકાઈ બહુ, બહુ કડકાઈ ! આ તો જ્ઞાનને લઈને બધું જતું રહ્યું, બધી કડકાઈ. આજ છવ્વીસ વર્ષથી જતું રહ્યું. પહેલાં હતું પણ તે ઓછું. પણ હીરાબાની જોડે તો બહુ વર્ષથી મેં બંધ કરી દીધેલું.
પ્રશ્નકર્તા : બધા ધણીપણું બજાવે અને આપ ધણીપણું બજાવો એમાં ફેર તો ખરો જ ને ?
દાદાશ્રી : ફેર ? શાનો ફેર ! ધણીપણું બજાવ્યું એટલે બધું ગાંડપણ, મેડનેસ કહેવાય. અંધારાના કેટલા ભેદ હોય ?
પ્રશ્નકર્તા : તોય આપનું જરા જુદી જાતનું હોયને ? આપનું કંઈક નવી જ જાતનું હોય ને !
દાદાશ્રી : થોડો ફેર હોય. એક ફેરો મતભેદ બંધ કર્યા પછી ફરી મતભેદ નથી પડવા દેતા. અને પડ્યો હોય તો વાળી લેતાં અમને આવડે. મતભેદ તો કુદરતી રીતે પડી જાય, કારણ કે હું એના સારા માટે કહેતો હોઉં તોય એને અવળું પડી જાય, પછી એનો ઉપાય શો? સારું-ખોટું ગણવા જેવું જ નથી આ જગતમાં ! જે રૂપિયો ચાલ્યો એ સાચો અને ના ચાલ્યો એ ખોટો. અમારા તો બધાય રૂપિયા ચાલે. તમારે તો કેટલીક જગ્યાએ નહીં ચાલતો હોય ને ?
પ્રશ્નકર્તા : અહીં દાદા પાસે જ ચાલે. બીજે ક્યાંય ચાલતા નથી.
દાદાશ્રી : એમ ! હશે ત્યારે ! આ ઑફિસમાં ચાલે તોય બહુ થઈ ગયું. આ તો દુનિયાની હેડ ઑફિસ કહેવાય.
મારે અમારા ઘરમાં અમારાં વાઈફ જો પિસ્તાલીસ વર્ષથી મતભેદ પડેલો નથી. એય મર્યાદાપૂર્વકની વાત કરે, તો હુંય મર્યાદાપૂર્વકની વાત કરું અને એ કો'ક દહાડો અમર્યાદ થઈ જાય તો હું સમજી જાઉં કે એ અમર્યાદ થઈ ગયાં છે. એટલે હું કહું કે તમારી વાત બરોબર છે, પણ મતભેદ ના પડવા દઉં. એમને એમ ના લાગે કે એક મિનિટેય મને દુ:ખ દીધું છે. અમનેય એમ ના લાગે કે એમણે દુઃખ દીધું છે.