________________
(૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ
૪૯૫
(૨૪) રહસ્ય, ઋણાનુબંધ તણાં...
પ્રશ્નકર્તા : અને અહીંયાં વર્તાય છે એટલે જ કહે છેને ! હવે દેવલોક નહીં જોઈએ, આ સંસાર નહીં જોઈએ, સુખ વર્તાયું પછી બીજી ભાંજગડમાં ક્યાં પડે ?
દાદાશ્રી : હા, અને ગાડી ત્યાં જ જઈ રહી છે. ભલે સુરત સ્ટેશને થોડીવાર ઊભી રહે વખતે, પણ અમદાવાદ જ જઈ રહી છે.
ચાલો, બહુ સારું ! આવું હું પૂછું અને પછી એ એમનાં તરફનું કહે મને. તો મને જરા લાગે કે ના, આપણી મહેનત ફળી ! મહેનત ફળી એની તો આશા રાખે ને ?
પવિત્ર ત્યારથી હીરાબા કહ્યાં,
પછી કદી ન મતભેદ થયા ! જ્યારે હીરાબાની સાથે વિષય મારો બંધ થયેલો હશે ત્યારથી હું હીરાબા કહું એમને. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલાં જે હતી તે વિષયની સાથમાં, સોબતમાં તો પોપટમસ્તી થાય થોડી ઘણી. પણ એ પોપટમસ્તી હોય. લોક જાણે કે આ પોપટે એ પોપટીને મારવા માંડ્યું ! પણ હોય પોપટમસ્તી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારી જાત અનુભવ કહીએ છીએ. આ તો આપણું જ્ઞાન છે. તેને લઈને ઠીક છે. નહીં તો જ્ઞાન ના હોય તો તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકારને. એમાં અહંકારનો એક ભોગ ભાગ હોય કે એમણે મને ભોગવી લીધો. અને આ કહેશે, ‘એણે મને ભોગવી લીધી.’ અને અહીં આગળ (આ જ્ઞાન પછી) નિકાલ કરે છે એ, તોય પણ પેલી ડિસ્ચાર્જ કચકચ તો ખરી જ. પણ તેય અમારે નહોતી, એવો મતભેદ નહોતો, કોઈ જાતનો.
વિજ્ઞાન તો જુઓ ! જગત જોડે ઝઘડા જ બંધ થઈ જાય. બૈરી જોડે તો ઝઘડા નહીં, પણ આખા જગત જોડે ઝઘડા બંધ થઈ જાય. આ વિજ્ઞાન જ એવું અને ઝઘડા બંધ થાય એટલે છૂટયો.
પોતે પરમાત્મા ને થયો ધણી,
રે દશા કેવી ! ભટકામણ ઘણી ! આ રોટલા ને શાક માટે શાદી કરવાની. ધણી જોડે કે હું કમાઈ લાવું, પણ આ ખાવાનું કરી કોણ આપે ? બાઈ જાણે કે હું રોટલા બનાવું ખરી, પણ કમાવી કોણ આપે ? એમ કરીને બેઉ પરણ્યાં ને સહકારી મંડળી કાઢી. પછી છોકરાંય થવાનાં. એક દૂધીનું બી વાવ્યું, પછી દૂધિયાં બેસ્યા કરે કે ના બેસ્યા કરે ? વેલાને પાંદડે દૂધિયાં બેસે, એવું આ માણસો પણ દૂધિયાંની પેઠ બેસ્યા કરે છે. દૂધી એમ નથી બોલતી કે મારાં દૂધિયાં છે. આ મનુષ્યો એકલા જ બોલે કે આ મારાં દૂધિયાં છે.
જુઓને આ જડ ને ચેતન બે ભેગાં થઈને કેવો સંસાર ઊભો થઈ ગયો ! પછી શાદી કરે, લગ્ન કરે, વેવાઈ થાય, કોઈ વેવાઈ થતું હશે ? તમે હજુ વેવાઈ થયા નહીં હોય, ને ? લોક વેવાઈ થાય, વેવાણો થાય, જમાઈ થાય, કાકા સસરા થાય, મામા સસરા થાય, કેટલી જાતની ડખલો ઊભી કરી છે ! એટલે આ લગ્ન એ તો ખરેખરું બંધન છે. ભેંસને ડબ્બામાં પુરે છે એવી દશા થાય છે. એ ફસામણમાં ના પેસાય એ ઉત્તમ. પેઠા હોય તોય નીકળી જવાય તો વધુ ઉત્તમ. અને નહીં તો છેવટે ફળ ચાખ્યા પછી નીકળી જવું જોઈએ. બાકી આત્મા કોઈનો ધણી કે સ્ત્રી, પુરુષ કે કોઈનો છોકરો થઈ શકતો નથી, ફક્ત આ કર્મો બધાં થઈ રહ્યાં છે. આત્મામાં તો કશું આમાં ફેરફાર થતો નથી. આત્મા તો આત્મા જ છે, પરમાત્મા જ છે. તે આપણે માની બેઠા કે આ અમારી સ્ત્રી !