________________
(૨૦) પરિણામો, છૂટાછેડાનાં
૪૧૭
૪૧૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
આ તો તમારે જો આવું થયેલું હોય ભાંગફોડ તો, હું તમને સમજણ પાડી દઉં કે આવી રીતે તમે ચલાવી લેજો, એ રીતે દેખાડી દઉંને એટલે બોજારૂપ તમને ના લાગે ને એનેય ના લાગે. બેઉનું રાગે પાડી આપું.
બાકી, છોકરાનો તો નિસાસો બહુ લાગે. ના બાપનો રહ્યો કે ના માનો રહ્યો બિચારો !
હવે જો ધણી બીજો કરો, તો એથીય બુરો નીકળે તો શું કહેવાય ? ઉપરથી આમ કોટ-પાટલૂનવાળો આમ રૂપાળો બમ જેવો દેખાતો હોય અને મહીં છે તે ખાટી કેરી નીકળે તો શું ખબર પડે ? ઉપરથી કેરી ફર્સ્ટ ક્લાસ દેખાતી હતી, પણ મહીં કાપીએ ને ખાટી નીકળે ! નીકળે ખરી મહીં ખાટી ?
પ્રશ્નકર્તા : નીકળે.
દાદાશ્રી : એમ ! ખાત્રી નહીં, નહીં ? એટલે એનું કશું ઠેકાણું નહીં. માટે જે ચાખ્યો છે ને એ સારો છે, કહેવું. બહુ લાંબી આશા રાખવા જેવું નથી આ જગત. એટલે બેન, હું તમને સમજણ પાડી દઉં કે આ રીતે તમે ચલાવી લેજો. બહુ આનંદ આવશે પછી. આ તો કશું જ ઠેકાણું નથી. એક વાર તો પૈણવા જેવું જગત જ નથી. પણ પૈણ્યા વગર ચાલે એવુંય નથી પાછું. કેવી ફસામણ છે ? પૈણવા જેવું જગત નથી ને પૈણ્યા વગર ચાલે એવું નથી. આ મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવાનો છે.
પ્રશ્નકર્તા : શું રસ્તો કરવો ?
દાદાશ્રી : એ તો મને એ ખાનગીમાં બધો રસ્તો પૂછોને તો હું તમને બધું બતાડી દઉં. હાઉ ટુ ડીલ વીથ હસબન્ડ, એ બધું બતાડી દઉં. પછી બાકી નવો કરવામાં મજા નથી. નવો કરીએ ને ત્રણ વર્ષ પછી હાર્ટહેલ થઈ જાય ત્યારે શું કરીએ ? નહીં તો દારૂડિયો થઈ ગયેલો હોય ત્યારે શું કરવાનું ?
પહેલો ધણી સારો નીકળે હંમેશાં, પણ બીજો તો મૂઆ રખડેલ જ હોય. કારણ કે એય આવું ખોળતો હોય, રખડતો ખોળતો હોય અને એય
રખડેલ હોય, ત્યારે બે ભેગું થાય ને ! રખડેલ ઢોરો બે ભેગાં થઈ જાય. એના કરતાં પહેલો હોય તે સારો એક, સડી ગયેલો હોય, એ થઈ ગયેલો, પણ આપણો જાણેલો તો ખરોને ! મૂઓ, આવો તો નથી જ ! એ રાતે ગળું તો નહીં દબાવી દે, એવી તમને ખાતરી હોય ને ? અને પેલો તો ગળું હઉ દબાવી દે !
પ્રશ્નકર્તા : એટલે કે આપણે આપણી જાતે અંદર એવી સમજ જ ઊભી કરી દેવાની કે આ જગતમાં કોઈ પરફેક્ટ છે નહીં.
દાદાશ્રી : ના, એ તો હું સમજણ પાડું. એવું તમે જાતે કરો તો એ તો ટકે નહીં. અને હું તો સાચી સમજ આપું. ટકે એવી, કાયમ ટકે એવી ! તમારી સમજણે કરેલી ગોઠવણી, એ તો કાલે સવારે ઊડી જાય પછી. ગોઠવેલી ના ચાલે, એ તો હું તમને સાચી સમજ આપું. એના પ્લસમાઇનસ કરી આપું !
બચ્ચાંઓની ખાતરેય પોતાને સમજવું જોઈએ. એક કે બે હોય, પણ એ બિચારા નોંધારા જ થઈ જાયને ! નોંધારા ના ગણાય ?
પ્રશ્નકર્તા: નોંધારા જ ગણાય.
દાદાશ્રી : મા ક્યાં ગઈ ? પપ્પા ક્યાં ગયા ? એક વાર પોતાને એક આ પગ કપાઈ ગયો હોય, તો એક અવતાર નભાવી નહીં લેતા કે આપઘાત કરવો ?
પ્રશ્નકર્તા : નભાવી લેવાનું.
દાદાશ્રી : આપઘાત કરવો કે પગ નભાવી લેવાનો ? હં... એવી રીતે આય પગ કપાઈ ગયેલા જેવું જ. અમે તો તમને સમજણ પાડીએ, બાકી આ જે તમે જાતે ઊતરશો તો વધુ ફસાશો. અમે તમને ઓછી ફસામણમાં આવે એવું કરી આપીએ રસ્તો. કારણ કે અમારે લેવાદેવા નથી અને તમારા હિતમાં હોઈએ અમે કે તમને દુઃખ ન થાય, ઓછું દુઃખ થાય. પગ ભાંગી જાય તોય નહીં આપઘાત કરું, કહેશે. આમ ને આમ જીવું છું ને નિરાંતે ! તો આ બધું નભાવે છે, તો આ એમાં ધણીમાં શું મહીં કાઢવાનો છે તે !