________________
(૧૮) વાઈફ વાળે તોલ સાથે !
છોડીઓ વિધિઓ કરવા આવે. તે હીરાબાને તો બિચારાને કશો રોગ નહીં, બિચારાં સરસ માણસ. પણ સામા બારણે બેસે ને, તે પેલાં બૈરા બધાંએ એમને ચઢાવેલાં કે ‘હાય હાય બાપ, આ બધી નાની નાની છોડીઓ દાદાને આમ પગે પડીને ‘ટચ’ કરે છે. બહાર બધું ખોટું દેખાય. આ તો સારું દેખાય ? દાદાજી સારા માણસ છે, પણ આ ખોટું દેખાય છે. આમાં દાદાની શી આબરૂ ?” લોક જાત જાતના આરોપ કરે અને તે આવું ઘાલી દીધું ! તે આ હીરાબા ગભરાઈ ગયેલાં કે આ તો આપણી આબરૂ જાય છે. આમ પોતે સારાં માણસ તે લોકોએ નાખ્યું મહીં મીઠું ! દૂધમાં મીઠું નાખે તો શું થાય ?
પ્રશ્નકર્તા : ફાટી જાય.
દાદાશ્રી : તે હું જાણતો હતો કે આ લોકોએ મીઠું નાખવા માંડ્યું છે, તે ફાટશે જ્યારે ત્યારે ! પણ મેં રાહ જોયેલી. પણ એક દહાડો એક બેન વિધિ કરતી હતી. તે હીરાબાએ પૂંજો વાળતાં વાળતાં બારણું આમ ખખડાવ્યું. કોઈ દહાડો એવું કરે નહીં. અમારે ત્યાં ઘરમાં રિવાજ જ નહીં આવો. પેલી છોડી ભડકીને જતી રહે એટલા હારુ જ કરેલું, મને ભડકાવવા માટે નહીં. છોડીઓ જાણે કે હમણાં હીરાબા વઢશે. તે છોડી આમ વિધિ
૩૪૭
કરતી કરતી ધ્રૂજી ગઈ. હું સમજી ગયો કે આની પાછળ ચાળા છે. આ ચાળા ના સમજણ પડે, બળ્યા ? અત્યારના જેવો ભોળો હોઈશ તે દહાડે ? પછી મેં કહ્યું, ‘હવે તમારે ને આપણે, બેને જુદું કરી નાખીએ. આ તો ના પોષાય. એટલે હવે તમે ભાદરણ રહો. અને ત્યાં તમારે રૂપિયા પાંચસોસાતસો જેટલા જોઈતા હોય એટલા મહિને મોકલી આપશે. હવે આપણે બેને ભેગું રહેવાનું નહીં. ત્યાં ચંદ્રકાન્તભાઈ, ભાણાભાઈ એમ પાંચ-છ જણ બેઠા હતા. તેમનેય શીખવાનું મળેને, કો'ક દહાડો ઉપદેશ મળેને !'
હીરાબા ફરી પાછાં ચા મૂકવા માંડ્યા. તે સ્ટવ ખખડાવ્યો હડહડાટ, તે ‘સ્ટવ’ ૨ડી ઊઠે એવો ! મેં કહ્યું, આજ ખખડામણ ચાલી છે, આપણે ‘સ્ક્રુ’ ફેરવો. નહીં તો ઊંધુ ચાલ્યું ગાડું. તે મેં તો મહીં જઈ ચાના, ખાંડના, તેલના, ઘાસતેલના ડબ્બા બધા ઉપરથી નીચે ફેંક્યા. બધું ફેંકાફેંક કર્યું, બધું હડહડાટ. જાણે ૪૦૦ વૉલ્ટ પાવરનું અડ્યું ! બધાનો રગડો કર્યો. સામેથી
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પેલા ચઢાવવાળાં બેન આવ્યાં. આજુબાજુથીય બધા આવ્યા. તેમને મેં કહ્યું, આ હીરાબા આવાં દેવી જેવાં બઈ, એમનામાં ‘પોઇઝન’ કોણે નાખ્યું ?” પડોશવાળા કહે, ‘ભઈ, તમારાથી આવો ક્રોધ ના થાય. જ્ઞાની પુરુષ છો તમે. મેં કહ્યું, ‘જ્ઞાની પુરુષનો ક્રોધ જોવા જેવો છે, જુઓ તો ખરાં.’ પછી મેં કહ્યું, ‘આ મહીં નાખ્યું ત્યારે જ આ દશા થઈને ! શું કરવા આવું નાખ્યું ? શું બગાડ્યું છે તમારું ?’ ત્યારે એ કહે, ‘ભઈ, અમે કશું નાખ્યું નથી. અમે વાત કરી હતી એટલી જ.’ ‘આ શા હારુ ? એમની જિંદગી ખરાબ કરી છે તમે લોકોએ ?’ ત્યારે કહે, ‘શું જિંદગી ખરાબ કરી ?’ મેં કહ્યું, ‘હવે છૂટું રહેવાનું થયું એમને. હવે ભાદરણ આપણું નવું મકાન બાંધ્યું છે, તેની મહીં હીરાબાએ રહેવાનું. મહિને ખર્ચ બધો આપીશું.’ ત્યારે એ કહે, ‘ભાઈ એવું ના થાય, ના થાય એવું. થૈડે લૈડપણ થતું હશે ?” મેં કહ્યું, ‘જે માટલાને તિરાડ પડી એ માટલું કામમાં શું લાગે ? એ તો પાણી ઝમે. પાણી ગમે એટલું ભરીએ તોય બહાર નીકળી જાય. માટલાને તિરાડ પડી હોય તેને રખાય ?” આમ કહ્યું એટલે પડોશીઓ ગભરાઈ ગયા. ‘આવું બોલો છો ? માટલાને તિરાડ પડી ગઈ ?' લોક સમજી ગયાં કે હવે હીરાબાને જુદું થવાનું. હા, ધર્મ ઉપર આફત ના આવવી જોઈએ.
૩૪૮
તે દહાડે ખાંડ-બાંડ, ચા-બધું ભેગું કરી દીધું, પણ વીતરાગ ભાવમાં ! સહેજે પેટમાં પાણી હાલ્યા વગર ! ચંદ્રકાંતભાઈ, ભાણાભાઈ બધા બેઠા હતા. બધાને કહ્યું, ‘શીખજો ઘેર.’ પછી બીજે દહાડે એનું ફળ શું આવ્યું ? પેલા પાડોશીઓ હીરાબાને ઊલટા સમજણ પાડ પાડ કરે કે ‘ભઈને ઉપાધિ થાય એવું ના કરશો. કોઈ આવે તો છો આવે. આપણે માથાકૂટમાં ના પડવું.' ઊલટા હવે સવળું શિખવાડવા માંડ્યા. કારણ કે એમના મનમાં ભડક પેસી ગઈ કે હવે જે કંઈ થશે તે આપણા માથે જ આવવાનું છે, માટે આપણે હવે ચેતતા રહેવું. મેં કર્યું હતું જ એવું કે ફરી આ લોકો કરતા હોય તો ખો ભૂલી જાય. પછી ફરી એવું કરવું પડ્યું નથી. પછી કોઈ દહાડો નહીં. એટલી દવા કરેલી. હજુ યાદ હશે એમને. એ તો એમનેય ચગ્યુંય હતું. કોઈ દહાડો ચગે નહીં. આ પેલા લોકોએ શિખવાડી રાખેલું બધું કે જરાક વધારે કરશો તો છોડીઓ જતી રહેશે, પછી પેસશે નહીં. કો’ક વખત આ જ્ઞાનીનો અવતાર હોય ને બિચારી છોડીઓ દર્શન કરવા આવેને ?