________________
(૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ
૨૬૩
૨૬૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા: સાચો પ્રેમ હોય તો જીવી શકે. જો મોહ થતો ન હોય તો જીવી શકે.
દાદાશ્રી : ખરું કહ્યું આ. આપણે પ્રેમ કરીએ ત્યારે એ ડાયવોર્સ લે. તો બળ્યો એ પ્રેમ ! એને પ્રેમ કહેવાય કેમ કરીને ? પ્રેમ ક્યારેય ના તૂટે એવો હોવો જોઈએ, ગમે તે થાય તોય પ્રેમ ના તૂટે. એટલે સાચો પ્રેમ હોય તો જીવી શકે.
પ્રશ્નકર્તા : ફક્ત મોહ હોય તો ન જીવી શકે.
દાદાશ્રી : મોહવાળો પ્રેમ તો નકામોને બધો. ત્યારે આવા પ્રેમમાં ના ફસાશો. વ્યાખ્યાવાળો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વગર માણસ જીવી શકે નહીં. એ વાત સાચી છે, પણ પ્રેમની ડેફિનેશન સહિત હોવો જોઈએ. ચઢેઉતર ના થાય એનું નામ પ્રેમ. એટલે વધઘટ થાય છેને કોઈ જગ્યાએ તે તપાસ કરવી. અમારો પ્રેમ વધે નહીં, ઘટે નહીં, કેમ કે તેમાં આસક્તિ નથી, એનું નામ પ્રેમ કહેવાય. એવો ભગવાનનો પ્રેમ હતો. એવા પ્રેમથી જીવાય. એવા પ્રેમથી ‘ખાધા” વગર રહેવાય. એટલે પ્રેમની વ્યાખ્યા તમને ખબર પડી ? એવો પ્રેમ ખોળો. હવે આવો પ્રેમ ન ખોળશો કે કાલે સવારે એ ‘ડાયવોર્સ' લઈ લે. આમના શાં ઠેકાણાં ?
પ્રશ્નકર્તા : પ્રેમ અને મોહ, એમાં મોહમાં ન્યોચ્છાવર થવામાં બદલાની આશા છે અને અહીં પ્રેમમાં બદલાની આશા નથી. તો પ્રેમમાં ન્યોચ્છાવર થાય તો પૂર્ણપદને પ્રાપ્ત કરે ?
દાદાશ્રી : આ દુનિયામાં કોઈ પણ માણસ સત્ય પ્રેમની શરૂઆત કરે તે ભગવાન થાય. સત્ય પ્રેમ નિર્ભેળ હોય. એ સત્ય પ્રેમમાં વિષય ના હોય, લોભ ના હોય, માન ના હોય, એવો નિર્ભેળ પ્રેમ એ ભગવાન બનાવે, સંપૂર્ણ બનાવે. રસ્તા તો બધા સહેલા છે પણ એવું થવું મુશ્કેલ છેને ?
એ તો ધણી જુએ કે આ બઈની પાસે આટલી બધી સાડીઓ છે અને છતાં લેવા જાય છે, માટે એ મોહ છે. સાડી ના હોય ને લેતા હોય તો ઠીક છે. એટલે આ બધા મોહ જ છેને ! મોહ એટલે ઉઘાડા દગા
ફટકા. મોહ એટલે હંડ્રેડ પરસેન્ટ દગા નીકળેલા.
પ્રશ્નકર્તા : એ વ્યક્તિને સાચો પ્રેમ છે કે આ એનો મોહ છે એવું પોતાને ખબર કઈ રીતે પડે ?
દાદાશ્રી : એ તો ટૈડકાવીએ ત્યારે એની મેળે ખબર પડે. એક દહાડો ટૈડકાવીએ અને એ ચીડાઈ જાય એટલે જાણીએ કે આ યુઝલેસ છે. પછી દશા શું થાય ? અત્યારે તો નર્યા ભયંકર સ્વાર્થો ! સ્વાર્થના માટે હઉ કોઈ પ્રેમ દેખાડે.
પ્રશ્નકર્તા: સાચો પ્રેમ હોય ત્યાં કેવું હોય, ખખડાવે તોય ?
દાદાશ્રી : એ ખખડાવે તોય શાંત રહીને પોતે એને નુકસાન ના થાય એવું કરે. સાચો પ્રેમ હોય ત્યાં ગળી જાય. હવે સાવ બદમાશ હોય ને તો એય ત્યાં ગળી જાય.
પ્રશ્નકર્તા : તો હવે એ ખબર કેવી રીતે પડે કે આ સાચો પ્રેમી છે કે આ બદમાશ છે ?
દાદાશ્રી : પછી એના માટે, એ બદમાશને ઓળખવા માટે બીજું હથિયાર ખોળવું પડે પાછું. આપણે સમજી જઈએ કે આ નફફટ છે. પણ બનતા સુધી આટલાથી, હું આ જે ઔષધ કહું છુંને એટલાથી બધું આવી જાય છે. ખખડાવીએ એટલે એને મહીં પહોંચે તરત. તે ‘એટેક કર્યા વગર રહે નહીં. અને જ્યાં એટેક હોય ત્યાં આગળ પ્રેમ જ ના હોય ને ! પ્રેમમાં ‘એટેક” ના હોય. શબ્દની જરા લે-મેલ હોય પણ ‘એટેક” ના હોય.
પ્રશ્નકર્તા : બે જણા પ્રેમી હોય ને કંઈ ઘરનો સાથ ના મળે અને આપઘાત કરે. આવું ઘણી વખત બને છે તો એ જે પ્રેમ છે એને કયો પ્રેમ ગણાય ?
દાદાશ્રી : રખડેલ પ્રેમ ! એને પ્રેમ જ કેમ કહેવાય ? ઇમોશનલ થાય અને પાટા આગળ સૂઈ જાય અને કહેશે, ‘આવતા ભવમાં એટલા જ જોડે હોઈશું” તો તે એવી આશા કોઈએ કરવી નહીં. એ એના કર્મના હિસાબે ગતિ કરે. એ ફરી ભેગા જ ના થાય !