________________
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
૧૭૭
આ તો સારું-ખોટું કહેવાથી ભૂતાં પજવે છે. આપણે તો બંનેને સરખાં કરી નાખવાનાં છે. આને સારું કહ્યું એટલે પેલું ખોટું થયું, એટલે પછી એ પજવે. પણ બંનેનું ‘મિક્ષ્ચર' કરી નાખીએ એટલે પછી અસર ના રહે. ‘એડજસ્ટ એવરીવ્હેર’ની અમે શોધખોળ કરી છે. ખરું કહેતો હોય તેની જોડેય ને ખોટું કહેતો હોય તેની જોડેય ‘એડજસ્ટ’ થા. અમને કોઈ કહે કે, ‘તમારામાં અક્કલ નથી.’ તો અમે તેને તરત ‘એડજસ્ટ’ થઈ જઈએ ને તેને કહીએ કે, ‘એ તો પહેલેથી જ નહોતી ! હમણાં તું ક્યાં ખોળવા આવ્યો છું ? તને તો આજે એની ખબર પડી, પણ હું તો નાનપણથી એ જાણું છું.' આમ કહીએ એટલે ભાંજગડ મટીને ? ફરી એ આપણી પાસે અક્કલ ખોળવા જ ના આવે. આમ ના કરીએ તો ‘આપણે ઘેર' ક્યારે પહોંચાય ?
અથડાયો તે ભીંત કહેવાય,
બચવા સમજુ જ ખસી જાય !
ભીંતને અથડાવ તો મતભેદ ભીંત જોડે પડે ખરો ? ભીંતને તમે અથડાઈ ગયા કોઈ વખત કે બારણાને, તો તે ઘડીએ મતભેદ પડે બારણા જોડે કે ભીંત જોડે ?
પ્રશ્નકર્તા : એ બારણું તો નિર્જીવ વસ્તુ છે ને ?
દાદાશ્રી : એટલે જીવને માટે જ છે તે તમે એમ માનો છો કે આ એ અથડાયો મારી જોડે, આ દુનિયામાં જે અથડાય છે એ બધી જ નિર્જીવ વસ્તુ હોય છે. અથડાય છે એ જીવંત ના હોય, જીવંત અથડાય નહીં. નિર્જીવ વસ્તુ અથડાય. એટલે તમારી ભીંત જેવું જ સમજી લેવાનું. એટલે ડખો નહીં કરવાનો આમ આમ કરીને પછી કંઈક, હેંડો ચા કાઢો, કહીએ.
હમણે એક છોકરું ઢેખાળો (પથ્થ૨) મારે અને લોહી નીકળે એટલે છોકરા ઉપર શું કરો ? ગુસ્સો કરો ? ગુસ્સો કરો. અને તમે જતા હો અને ડુંગર ઉપરથી એક પથરો પડ્યો. તે વાગે ને લોહી નીકળે તો પછી શું કરો, ગુસ્સો કરો ?
૧૭૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એનું શું કારણ ? પેલો ડુંગર ઉપરથી પડેલો છે ! પછી આ છોકરો પસ્તાતો હોય કે આ ક્યાં થઈ ગયું મારાથી. આ ડુંગર ઉપરથી પડ્યો તે કોણે કર્યું ?
એટલે આ દુનિયા જો સમજો, મારી પાસે આવો તો ચિંતા ના થાય એવું તમને કરી આપું, પછી કોઈ દહાડો ચિંતા વરીઝ કશું જ ના થાય. અને સંસારમાં સારી રીતે રહો અને વાઈફ જોડે ફરો નિરાંતે ! અને છોકરીઓ પૈણાવો નિરાંતે. પછી વાઈફ ખુશ થઈ જશે, ‘કહેવું પડે કેવા ડાહ્યા કરી આલ્યા, મારા ધણીને !' કહેશે.
હવે વાઈફને કોઈ બઈ જોડે, પાડોશી જોડે વઢવાઢ થયેલી હોય અને એનું મગજ તપી ગયેલું હોય અને આપણે બહારથી આવ્યા તો એ તપી ગયેલું બોલે તો આપણે શું કરવું પાછું ? આપણે તપી જવું પાછું ? એવા સંજોગો ઊભા થાય છે ત્યાં આગળ એડજસ્ટ થઈને આપણે ચાલવું જોઈએ. કયા સંજોગમાં હવે તપેલી છે આજે, કોની જોડે તપી ગયેલી હોય, શું ખબર પડે ? એટલે આપણે પુરુષો થયા મતભેદ ન પડવા દઈએ. એ મતભેદ પાડે તોય, કારણ કે એમને એક જાતની સમજ ઓછી હોય છે, અમુક જાતની. અને બીજી સમજ બહુ ઊંચી હોય છે, આપણા કરતાં ઊંચી હોય છે. એટલે આપણે આ બાબતમાં છે તે મતભેદ પડ્યો હોયને તો વાળી લેવું. મતભેદ એટલે અથડામણ !
પ્રશ્નકર્તા : આપણે ક્લેશ ના કરવો હોય પણ સામે આવીને ઝઘડે તો શું કરવું ? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો ક્લેશ કરે, તો ત્યાં તો ક્લેશ થાય જ ને ?
દાદાશ્રી : આ ભીંત જોડે લડે, તો કેટલો વખત લડી શકે ? આ ભીંત જોડે એક દહાડો માથું અથડાયું તો આપણે એની જોડે શું કરવું ? માથું અથડાયું એટલે આપણે ભીંત જોડે વઢવાડ થઈ એટલે આપણે ભીંતને માર માર કરવી ? એમ આ ખૂબ ક્લેશ કરાવતું હોય તો તે બધી ભીંતો છે ! આમાં સામાને શું જોવાનું ? આપણે આપણી મેળે સમજી જવાનું કે