________________
સ્ત્રી એટલે પુરુષનું કાઉન્ટર વેટ છે ! વાંકા આંટા ને વાંકી નટ ! આપણા વાંકે એ વાંકી. સ્ત્રી જલ્દી ના ફરે, પુરુષે જ ફરવું પડે. સ્ત્રી જોડે તો સમજાવી-મનાવીને પાર ઉતારવાનું રહ્યું.
દ્વાપર, ત્રેતા ને સત્યુગમાં ઘર ખેતર જેવું હતું, ઘરમાં બધાં ગુલાબ જ કે બધાં મોગરા જ મળે ! આજે કળિયુગમાં ઘર એક બગીચો બની ગયું છે. એમાં જાત જાતના ફુલોનાં છોડવાં મળે. કોઈ ગુલાબ (કાંટાવાળા), તો કોઈ ચંપો, તો કોઈ ચમેલી, તો કોઈ ધંતૂરોય મળી આવે. હવે દરેક પ્રકૃતિ ઓળખતાં આવડે, તેને કોઈ દુઃખ જ ના થાય ને ! પ્રકૃતિમાં ફેર ના પડે. આપણે એડજસ્ટ થઈ જવું પડે. સૂર્ય જોડે ઉનાળામાં બાર વાગે બપોરે ફ્રેન્ડશીપ કરવા જઈએ તો શું થાય ? આ શિયાળાનો સૂર્ય, આ ઉનાળાનો સુર્ય એમ આપણે ના સમજી જવું જોઈએ ? એટલું સમજીએ તો પછી આપણને કંઈ વાંધો આવે ? ‘જ્ઞાની' દરેકની પ્રકૃતિને ઓળખીને ચાલે, એટલે સામેથી કોઈ અથડાવા આવે તોય પોતે ખસી જાય.
આપણે મોડા આવ્યા ને વાઈફ બૂમાબૂમ કરે, ત્યારે આપણે એડજસ્ટ થઈ જવું. એને કહેવું, ‘તારી વાત ખરી છે. હવે તું કહેતી હોય તો પાછો જઉં, નહિ તો અહીં બેસી રહું.’ એને વશ વર્તીએ એટલે ગાડું ચાલ્યું આગળ... એને બદલે એને જો ડફળાવી તો ત્રણ દિવસના અબોલા સામા ! સંજોગોને એડજસ્ટ થઈ જાય તે માણસ !
ધણી કહે, ગુલાબજાંબુ બનાવ, તો પેલી કહે, ના, ખીચડી બનાવીશ, ને છેવટે મોટો ઝઘડો થાય ને છેવટે હોટલનાં પીઝા મંગાવી ખાવા પડે. એના કરતાં ‘તને ઠીક લાગે તે બનાવજે' કહીએ તો વળી ગુલાબજાંબું મળે ક્યારેક. વહુને એડજસ્ટ થઈ જવું, એને જે ઠીક લાગે તે રસોઈ બનાવે. ‘વહેલા સૂઈ જાવ' કહે તો વહેલા સૂઈ જવું.
ઘરમાં કરકસરથી જીવાય પણ રસોડામાં કરકસર ના ઘલાય. રસોડામાં કરકસર પસે તો મન બગડી જાય.
‘સહજ મળ્યું તે દૂધ, માંગ્યું તે પાણી ને ખેંચ્યું તે લોહી બરાબર.”
પછી તે વ્યવહારના પ્રત્યેક પ્રસંગમાં લાગુ પડે. આમાં વ્યવહારનું આખું શાસ્ત્ર સમાઈ ગયું.
પુરુષ તો તેને કહેવાય કે જે કોઈનેય દુઃખ ના દે, કોઈ દુ:ખ આપે તો પોતે જમા કરી લે અને પરોપકાર કર્યા કરે. એને મોક્ષ આગળ ઉપર મળી આવે. સંસારમાં બીજું કંઈ નહિ તો માત્ર “એડજસ્ટ એવરીવર', આટલું જ આવડી ગયું તો તેનો સંસાર પાર !
ધણી-ધણીયાણી બન્ને નિશ્ચય કરે કે મારે એડજસ્ટ થવું છે તો બન્નેનો ઉકેલ આવે.
વાંદરાની ખાડી ગંધાય તો તેને શું વઢવા જવાય ? માણસોય ગંધાતા હોય તો ત્યાં શું કરવા ઉપાય ?
‘અથડામણ ટાળો'નું સૂત્ર શીખ્યો તે તર્યો. જે અથડાઈ મરે તે ભીંત કહેવાય. સામેથી આખલો આવે ત્યારે એની જોડે અથવા તો રાત્રે અંધારામાં ઊઠીએ ત્યારે ભીંત જોડે આપણે અથડાઈ મરીએ છીએ ? ત્યાં કેવું ખસી જઈએ છીએ ?! એવું કોઈ અર્થડાવા આવે તો આપણે શાંતિથી ખસી જવું. મનમાં સમજી લેવું કે આ ભીંત ને આખલા જેવા જ છે (મોંઢે ના બોલાય) ! સામો આપણને ટૈડકાવે ત્યારે આપણે ભીંત જેવા થઈ જઈએ. મહીં ભગવાન બેઠાં છે, જે શક્તિ માંગીએ તે મળે તેમ છે.
ઘેર વહુ જોડે અબોલા હોય ને બહાર મોટા મોટા ઉપદેશો આપે.
જેમ ટ્રાફીકના કાયદા તોડવાથી અથડાઈ મરાય તેમ વ્યવહારમાં પણ અથડાવાથી ભયંકર વાગે. અથડાવું ના હોય તો કાયદા પ્રમાણે ચાલવું.
(૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખા... લગ્ન જીવન સુંદર રીતે ગાળવું હોય તો પતિ-પત્નીના બન્ને ડિપાર્ટમેન્ટ જુદાં જ પાડી દેવાના. પતિનું ફોરેન ડિપાર્ટમેન્ટ ને પત્નીનું હોમ ડિપાર્ટમેન્ટ ! બન્નેએ એકબીજાના ડિપાર્ટમેન્ટમાં માથું ના મારવું.
22
21