________________
પૈસાનો વ્યવહાર
આવે તો સારું એટલું આપણે રાખવું, પછી ઉધામા ના રાખવા. ‘રેગ્યુલારિટી’ અને ભાવ ના બગાડવો. આ તો એક દહાડો ઘરાક ના આવે તો નોકરને શેઠ ટૈડકાય ટૈડકાય કરે ! તે આપણે તેની જગ્યાએ હોઈએ તો શું થાય ? એ બિચારો નોકરી કરવા આવે ને તમે તેને ટૈડકાવો, તો એ વેર બાંધીને સહન કરી લે. નોકરને ટૈડકાવવું નહીં, એ ય માણસજાત છે. એને બિચારાને દુઃખ ને અહીં તમે શેઠ થઈ ને ટૈડકાવો તે એ બિચારો ક્યાં જાય ! બિચારા ઉપર જરાક દયાભાવ રાખો ને !
૬૨
આ તો ઘરાક આવે તો શાંતિથી, પ્રેમથી તેને માલ આપવાનો. ઘરાક ના હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું. આ તો ઘરાક ના હોય ત્યારે આમ જુએ ને તેમ જુએ. મહીં અકળાયા કરે, ‘આજે ખર્ચો માથે પડશે, આટલી નુકસાની ગઈ’ એ ચક્કર ચલાવે. જે ઘરાક આવવાનો હોય એ જ આવે છે, એમાં મહીં ચક્કર ના ચલાવીશ. દુકાનમાં ઘરાક આવે તો પૈસાની આપ-લે કરવાની, પણ કષાય નહીં વાપરવાના, પટાવીને કામ કામ કરવાનું. આ પથ્થર નીચે હાથ આવી જાય તો હથોડો મારો છો ? ના, ત્યાં તો દબાઈ જાય તો પટાવીને કાઢી લેવાના. એમાં કષાય વાપરે તો વેર બંધાય ને એક વેરમાંથી અનંત ઊભાં થાય. આ વેરથી જ જગત ઊભું છે, એ જ મૂળ કારણ છે.
છૂટો વેરથી !
આ ઘરાક અને વેપાર વચ્ચે સંબંધ તો હોય ને ? અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઈ જાય ? ના થાય. ઘરાક તો યાદ કરે કે ‘આ વેપારીએ મને આમ કરેલું, આવો ખરાબ માલ આપેલો' લોક તો વેર યાદ રાખે; તે પછી આ ભવમાં દુકાન તમે બંધ કરી હોય પણ એ આવતે ભવે તમને છોડે ? ના છોડે, એ તો વેર વાળીને જ જંપે. એથી જ ભગવાને કહેલું કે ‘કોઈ પણ રસ્તે વેર છોડો’. અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઈ ગયેલા, પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઈ ગયો અને ઉપરથી અમે તેને કહ્યું કે, ‘તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ. તને છૂટ છે.’ આ પૈસા જતા કરીને ય વેર ભંગાતું હોય તો ભાંગો. જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક માણસ જોડેનું વેર ભટકાવશે.
૬૨
પૈસાનો વ્યવહાર
એમાં ય સત્ય, હિત, મિત તે પ્રિય
આપણે સત્ય, હિત, પ્રિય અને મિત રીતે કામ લેવું. કોઈ ઘરાક આવ્યો તો એને પ્રિય લાગે એવી રીતે વાત કરવાની, એને હિતકારી હોય એવી વાતચીત કરીએ. એવી વસ્તુ ના આપીએ કે જે એને ઘેર જઈને નકામી થઈ જાય. તો ત્યાં આપણે એને કહીએ, ‘ભઈ, આ વસ્તુ તમારા કામની નથી.’ ત્યારે કોઈ કહેશે કે, ‘આવું સાચું કઈ દઈએ તો અમારે ધંધો કરવો શી રીતે ?' અલ્યા, તું જીવે છે શા આધારે ? કયા હિસાબથી તું જીવી રહ્યો છે ? જે હિસાબથી તું જીવી રહ્યો છે એ ધંધો ચાલશે. કયા હિસાબથી આ લોકો સવારમાં ઊઠતા હશે ? રાત્રે સૂઈ ગયા, ને મરી ગયા તો ?! ઘણા માણસ એવા સવારે પાછા ઊઠેલા નહીં ! એ ક્યા આધારે ? એટલે ભડકવાની જરૂર નથી. પ્રામાણિકતાથી વેપાર કરજે. પછી જે થાય તે ખરું પણ હિસાબ માંડીશ નહીં.
એમાં હાયવોય શાને ?
માણસે કમાણીની બહુ ઉતાવળ ના કરવી. કમાણી કરવામાં આળસ રાખવી જોઈએ, ઉતાવળ ના કરવી જોઈએ. કારણ કે કમાણીની બહુ ઉતાવળ કરીએ તો ૧૯૮૮ માં આપણી પાસે જે નાણું આવવાનું હોય તે અત્યારે આવી જાય, ઉદીરણા થાય, પછી ૧૯૮૮માં શું કરીએ આપણે ? એટલે નાણું બહુ કમાવાની ખટપટ કરવી નહીં. આપણે ધંધો નિશ્ચિતભાવે શાંત રૂપે કર્યા કરવો. આ કાળમાં જેટલી નીતિમત્તા સચવાય એટલું ભાવથી કર્યા કરવું. હાયવોય તો કોણ કરે ? કે જેને અનાજ કે કંઈ ખૂટી પડતું હોય તે હાયવોય કરે. એવું અનાજ ખૂટી પડે, એવો દહાડો તો તમને નથી આવવાનો ને ? કપડાં ખૂટી પડે એવા દહાડા આવે છે ?
કમાણી હોય ત્યારે ખેદ કરવાનો કે ક્યાં વાપરીશું ? ને ખર્ચો આવે ત્યારે મજબૂત થવાનું કે દેવું ચૂકવવાનો સંજોગ મળ્યો. કમાણી એ જવાબદારી છે ને ખર્ચો એ ફેડવાનું સાધન છે. નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થાય એટલે ‘હાશ’ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ ‘હાશ’ કરવા જેવું નથી. કારણ કે ટેમ્પરરી છે ! લક્ષ્મી સહજભાવે ભેગી થતી હોય તો થવા દેવી, પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને ‘હાશ’ કરો, પણ ક્યારે એ