________________
માનવધર્મ
૨૦
માનવધર્મ
ચોરી જાય તો આપણને દુઃખ થાય છે, તો કોઈનું ચોરી કરતી વખતે આપણને વિચાર આવવો જોઈએ કે ના, કોઈકને દુઃખ થાય એવું કેમ થાય ! પછી કોઈક આપણી સાથે જૂઠું બોલતો હોય તો આપણને દુઃખ થાય છે તો આપણે પણ એવું વિચારવું જોઈએ. દરેક દેશનાં, દરેકે દરેક માણસનાં, માનવતાનાં ગ્રેડેશન જુદા જુદા હોય છે.
માનવતા એટલે પોતાને જે ગમે છે એવું જ બીજા જોડે વર્તન કરવું. આ ટૂંકી વ્યાખ્યા સારી છે. પણ દરેક દેશના લોકોને જુદી જુદી જાતનું જોઈએ.
પોતાને અનુકૂળ ના આવ્યું હોય, એવું બીજા પ્રત્યે અવળું વર્તન નહીં કરવાનું. પોતાને અનુકુળ આવે એવું જ વર્તન બીજા જોડે કરવાનું. તમારે ઘેર હું આવું તો તમે ‘આવો, બેસો' એવું બોલો, તો મને ગમતું હોય તો મારે ઘેર કોઈ આવે તો મારે એને માટે “આવો, બેસો’ એમ બોલવું જોઈએ, એનું નામ માનવતા. પછી આપણે ઘેર કોઈ આવે ત્યારે આપણે એવું બોલીએ નહીં ને એની પાસે આશા રાખીએ, એ માનવતા ના કહેવાય. આપણે કોઈકને ઘેર ગયા હોય અને જમવાની આશા રાખીએ, પછી આપણે મહેમાન થઈને આવ્યા છીએ ને કેવો સારો ખોરાક લીધો, તો આપણે પણ વિચારવું જોઈએ કે આપણે ત્યાં મહેમાન આવે ત્યારે સારો ખોરાક, જેવું જોઈતું હોય તેવું કરવું, એ માનવતા.
પોતાની ઉપરથી બધું વર્તન ફેરવવું એ માનવતા ! એ દરેકની જુદી જુદી હોય, હિન્દુઓની જુદી હોય, મુસલમાનની જુદી હોય, ક્રિશ્ચિયનોની જુદી હોય, બધાની જુદી હોય, જૈનોની માનવતા એ જુદી હોય.
આમ પોતાને ઈન્સલ્ટ ગમતું નથી અને લોકોને ઈન્સલ્ટ આપવામાં શુરો હોય છે, એને માનવતા કેમ કહેવાય ?! એટલે બધી બાબતમાં વિચાર કરીને બધું આપે, એનું નામ માનવતા કહેવાય.
ટૂંકમાં, માનવતાની દરેકની રીત જુદી હોય. એ ભાગમાં હું કોઈને દુઃખ ના આપું એ માનવતાની બાઉન્ડ્રી અને એ બાઉન્ડ્રી દરેકની જુદી જુદી
હોય પાછી. માનવતા એટલે એક જ પ્રમાણ એવું નથી. મને જેમાં દુ:ખ લાગે, એ દુઃખ હું કોઈને ન આપું. મને એવું દુઃખ કરે તો શું થાય ? માટે એ દુ:ખ કોઈને ના આપું. એ જેટલું ‘ડેવલપમેન્ટ’ હોય એવું જ એ કર્યા કરે.
મળે આપીને સુખ ! પ્રશ્નકર્તા : આપણે જાણીએ છીએ કે કોઈનું દિલ ના દુખાવું જોઈએ એવી રીતે જીવવું, એ બધા માનવતાના ધર્મ જાણીએ છીએ.
દાદાશ્રી : એ તો માનવતાના ધર્મો છે, પણ આત્માનો સ્વાભાવિક ધર્મ જાણીએને તો પછી કાયમનું સુખ વર્તે. આ માનવધર્મમાં તો કેવું છે ? માનવધર્મ એટલે આપણે સામાને સુખ આપીએ એટલે આપણને સુખ મળ્યા કરે. વ્યવહાર જો આપણે સુખ આપવાનો રાખીએ તો વ્યવહારમાં આપણને સુખ પ્રાપ્ત થાય ને દુ:ખ આપવાનો વ્યવહાર રાખીએ તો વ્યવહારમાં દુ:ખ પ્રાપ્ત થાય. માટે આપણને જો સુખ જોઈતું હોય તો વ્યવહારમાં બધાને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો.
પ્રશ્નકર્તા : બધાયને સુખ આપવાની શક્તિ મળે, એવી પ્રાર્થના કરવાનીને ?! દાદાશ્રી : હા, એવી પ્રાર્થના કરાયને !
જીવન વ્યવહારમાં એકઝેક્ટ માનવધર્મ ! પ્રશ્નકર્તા: હવે જેને માણસની મૂળ આવશ્યક્તાઓ કહે છે એ ખોરાક, પાણી, આરામ, સંડાસની વ્યવસ્થા અને આશરો પ્રત્યેક માણસને મળે એ માટેના પ્રયત્નો કરવા એ માનવધર્મ ગણાય ?
દાદાશ્રી : માનવધર્મ તો વસ્તુ જ જુદી કહેવાય. માનવધર્મ તો એટલે સુધી પહોંચે છે કે આ દુનિયામાં જે લક્ષ્મીની જે વહેંચણ છે એ કુદરતી રીતે વહેંચણ છે, એમાં હવે મારા ભાગનું હશે તે તમારે આપવું પડશે. એટલે મારે લોભ કરવાની જરૂર જ નહીં. એટલે લોભ ન રહે, એનું નામ માનવધર્મ