________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
એની જોડે સારું રહેવું. બુદ્ધિવાળા જોડે ડખો કરવો, કરવો હોય તો.
૧૧૨
પહાડ પરથી પથરો પડે; કોતા પર ગુસ્સો કરે?
પ્રશ્નકર્તા : સંસારમાં રહ્યા પછી કેટલીક જવાબદારીઓ બજાવવી પડે છે અને જવાબદારીઓ અદા કરવી એ એક ધર્મ છે. એ ધર્મ બજાવતાં કારણે કે અકારણે કટુ વચન બોલવાં પડે, તો એ પાપ કે દોષ છે ?
દાદાશ્રી : એવું છે ને, કડવું વચન બોલીએ તે ઘડીએ આપણું મોઢું કેવું થઈ જાય ? ગુલાબના ફૂલ જેવું, નહીં ? આપણું મોઢું બગડે તો જાણવું કે પાપ લાગ્યું. આપણું મોઢું બગડે એવી વાણી નીકળી ત્યાં જ જાણવું કે પાપ લાગ્યું. કડવા વચન ના બોલાય, ધીમે રહીને આસ્તે રહીને બોલો. થોડાં વાક્યો બોલો પણ આસ્તે રહીને સમજીને કહો, પ્રેમ રાખો, એક દહાડો જીતી શકશો. કડવાશથી જીતી નહીં શકો. પણ એ સામો થશે ને અવળા પરિણામ બાંધશે. એ છોકરો અવળાં પરિણામ બાંધે. અત્યારે તો નાની ઉંમરનો છું તે મને આવું ટૈડકાવે છે. મોટી ઉંમરનો થઈશ એટલે આપીશ.' એવા પરિણામ મહીં બાંધે. માટે આવું ના કરો, એને સમજાવો. એક દહાડો પ્રેમ જીતશે. બે દહાડામાં જ એનું ફળ નહીં આવે. દશ દહાડે, પંદર દહાડે, મહિના સુધી પ્રેમ રાખ્યા કરો. જુઓ, આ પ્રેમનું શું ફળ આવે એ તો જુઓ. તમને ગમી આ વાત ? કડવું વચન બોલીએ તો આપણું મોઢું ના બગડી જાય ?
પ્રશ્નકર્તા : આપણે અનેકવાર સમજાવીએ, છતાં એ ના સમજે તો શું કરવું ?
દાદાશ્રી : સમજાવવાની જરૂર જ નથી. પ્રેમ રાખો છતાં આપણે એને સમજણ પાડીએ ધીમે રહીને. આપણા પડોશીને ય એવું કડવું વચન બોલીએ છીએ આપણે ?
પ્રશ્નકર્તા : પણ એવી ધીરજ હોવી જોઈએ ને ?
દાદાશ્રી : હમણે ડુંગર ઉપરથી ઢેખાળો પડે ને એ તમારા માથે પડે તો તમે ઉપર જોઈ લો ને પછી કોની ઉપર ક્રોધ કરો ? તે ઘડીએ
મા-બાપ છોકરાંનો વ્યવહાર
શાંત રહો ને ? કોઈ દેખાય નહીં એટલે આપણે જાણીએ કે આ કોઈએ નથી નાખ્યો માટે એની મેળે પડ્યો છે. એટલે એનો આપણે ગુનો નથી ગણતા. ત્યારે પેલો ય એની મેળે જ પડે છે. એ તો નાખનાર તો વ્યક્તિ દેખાય છે એટલું જ છે. બાકી એની મેળે જ પડે છે. તમારા જ હિસાબ ચૂકતે થાય છે બધા. આ દુનિયામાં બધા હિસાબ ચૂકતે થઈ રહ્યા છે. નવા હિસાબ બંધાઈ રહ્યા છે ને જૂના હિસાબ ચૂકતે થઈ રહ્યા છે. માટે સીધું બોલજો છોકરાં જોડે, સારી ભાષા બોલજો.
દેવતાનો સંગ સીધો કે ચીપિયાથી? કેટલીક ગુંચો, ઉકલો કીમિયાથી!
૧૧૩
પ્રશ્નકર્તા : આપણી એકદમ નજીકનું કોઈ સગું છે. ઘરમાં આપણી જવાબદારી છે. એનું કોઈ પણ વર્તન ખરાબ હોય તો આપણે એને સુધારવા માટે કહીએ, એનું સારું કરવા માટે એને કહીએ તો ઊલટું આપણી ઉપર જ આવી જાય. એ પોતે સમજે છે કે આ ઘરમાં મારા વડીલ છે, મારા સારા માટે કહે છે, મને સુધારવા માટે કહે છે. છતાં ય પણ જ્યારે કહીએ ત્યારે એનાથી આપણા સામે વર્તન ઊંધું જ થઈ જાય.
દાદાશ્રી : એ આપણને કહેતા આવડતું નથી એટલે. સામી વ્યક્તિની જોખમદારી નથી. આપણને કહેતાં ના આવડે પછી એ તો એવું જ થાય ને !
પ્રશ્નકર્તા : પણ દરેક માણસને જે જે કહેવાનું છે, એ એની કેપેસીટી જે હોય એ આધારે જ કહેવાઈ જાય છે.
દાદાશ્રી : હા, પણ કલેક્ટરની માફક કહો એટલે પછી એ એવું જ કરે ને ! તમે જાણે કલેક્ટર હો એવી રીતે કહો. એટલે એવું જ થઈ જાય ને ! તમે કારકુનની પેઠ કહો, તો એને સારું લાગે. તો એ વાત સાંભળે. તમને કેમ લાગે છે ? કલેક્ટરની પેઠ કહો એટલે વાંધા જ પડે ને ! હવે આ દેવતાને આપણે અડીએ અને એને ઓળખી જઈએ કે આ તો અડાય એવો છે જ નહીં, તો પછી આપણે ફરી એને અડવું જોઈએ ?